Get The App

ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત 1 - image


AI Image 


Raebareli Ganga Expressway Car Accident : ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ગંગા એક્સપ્રેસ-વે પર રવિવારે રાત્રે એક કાળજું કંપાવનારી ઘટના બની છે. એક બેકાબૂ કારે ભંડારામાંથી પરત ફરી રહેલી 7 યુવતીઓને કચડી નાખી હતી, જેમાં એક કિશોરી સહિત 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે.

કેવી રીતે બની દુર્ઘટના 

રાયબરેલી જિલ્લામાં ગંગા એક્સપ્રેસ-વે પર સુલતાનપુર જનૌલી પાસે રવિવારે રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જગતપુરના કોડર ગામની સાત યુવતીઓ અને મહિલાઓ ચૂલી ગામમાં આયોજિત ભંડારામાં પ્રસાદ લઈને પગપાળા ઘરે પરત ફરી રહી હતી ત્યારે પાછળથી આવતી એક પૂરઝડપે કારે તેમને અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બે યુવતીઓ - હિમાંશી (23) અને શાલીની (22) ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે આસમા (22) અને રશ્મિ (14) એ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

એમ્બ્યુલન્સની બેદરકારી અને જનતાનો આક્રોશ 

અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોનો આરોપ છે કે અકસ્માતની સૂચના આપ્યાના અડધા કલાક પછી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ પહોંચ્યા પછી પણ અડધા કલાક સુધી એમ્બ્યુલન્સનો દરવાજો જ ખુલ્યો ન હતો. આ ગંભીર બેદરકારીને કારણે ઘાયલોની સારવારમાં વિલંબ થયો હતો. બીજી તરફ, રેલ્વે ક્રોસિંગ બંધ હોવાને કારણે હાઈવે પર 2 કિમી સુધીનો જામ લાગ્યો હતો, જેના લીધે અન્ય કોઈ વાહન પણ તાત્કાલિક પહોંચી શક્યું ન હતું.

પોલીસ કાર્યવાહી અને તપાસ 

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે કારને કબજે કરી લીધી છે, જોકે ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઈજાગ્રસ્ત અન્ય ત્રણ યુવતીઓની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે અને તેઓ જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.