રશિયા-બાંગ્લાદેશની ડીલમાં પુતિને અમેરિકા-ચીનને આપ્યો ઝટકો, ભારતનો રૂપિયો બનશે કિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russia-Bangladesh Deal In Indian Rupee : રશિયાએ અમેરિકી ડોલરનું એકચક્રી શાસન ખતમ કરવા માટે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરવાનો એક નવો માર્ગ શોધી કાઢ્યો છે. તાજેતરમાં બાંગ્લાદેશ સાથે થયેલી પાવર પ્લાન્ટ ડીલમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને એવી શરત મૂકી છે જેણે અમેરિકા સહિતના પશ્ચિમી દેશોને ચોંકાવી દીધા છે. રશિયાએ આ નાણાકીય વ્યવહારમાં ડોલરને સંપૂર્ણપણે બાજુ પર રાખી દીધો છે અને પોતાના સાથી દેશ ચીનની કરન્સી 'યુઆન'ને પણ નકારી દીધી છે. પુતિને બાંગ્લાદેશ સમક્ષ સ્પષ્ટ શરત મૂકી છે કે જો બિઝનેસ કરવો હોય તો પેમેન્ટ ભારતીય રૂપિયામાં જ કરવું પડશે.
રશિયા-બાંગ્લાદેશ વચ્ચે ભારતીય રૂપિયામાં થશે સેટલમેન્ટ
આ નિર્ણયને આંતરરાષ્ટ્રીય બેંકિંગ સિસ્ટમ અને ડોલરના વર્ચસ્વ માટે એક મોટા આંચકા તરીકે જોવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે જ્યારે બે દેશો વચ્ચે અબજો ડોલરનો વેપાર થાય છે ત્યારે તમામ લેવડ-દેવડ ડોલરમાં જ થાય છે. હવે રશિયા દ્વારા બાંગ્લાદેશ પાસેથી સીધું ભારતીય રૂપિયામાં ચુકવણી માગવી એ દર્શાવે છે કે વિશ્વના બજારમાં ભારતીય રૂપિયાનું કદ અને પકડ કેટલી ઝડપથી મજબૂત થઈ રહી છે.
શું છે રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટનો વિવાદ?
આ આખી ડીલની શરૂઆત બાંગ્લાદેશમાં બની રહેલા રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટથી થાય છે. બાંગ્લાદેશમાં 2,400 મેગાવોટ ક્ષમતાનો આ પરમાણુ વીજમથક રશિયાની સરકારી કંપની 'રોસાટોમ' બનાવી રહી છે. આ પ્રોજેક્ટની કુલ કિંમતનો લગભગ 90 ટકા હિસ્સો, એટલે કે 11.38 અબજ ડોલર (લગભગ 95,000 કરોડ રૂપિયા), રશિયાએ બાંગ્લાદેશને લોન તરીકે આપ્યો હતો.
હવે જ્યારે આ પાવર પ્લાન્ટ લગભગ તૈયાર છે, ત્યારે બાંગ્લાદેશે રશિયાની આ 11.38 અબજ ડોલરની લોનના હપ્તા ચૂકવવાના થાય છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી પશ્ચિમી દેશોએ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો લાદી દીધા અને તેને આંતરરાષ્ટ્રીય બેંકિંગ સિસ્ટમ SWIFTમાંથી બહાર કરી દીધું હતું. પરિણામે, બાંગ્લાદેશ પાસે રશિયાને ચૂકવવા માટે નાણાં હોવા છતાં, ડોલર અને સ્વિફ્ટ પરના પ્રતિબંધના કારણે તે રશિયાના ખાતામાં ફંડ ટ્રાન્સફર કરી શકતું નથી. આ કારણે અબજો ડોલરની લોનની ચુકવણી અટકી પડી છે.
ચીન અને તેના યુઆનને કેમ નકારવામાં આવ્યા?
જ્યારે ડોલરમાં પેમેન્ટ બંધ થઈ ગયું ત્યારે રશિયા અને બાંગ્લાદેશ પાસે ચીનની કરન્સી 'યુઆન'નો વિકલ્પ ઉપલબ્ધ હતો. ચીન એશિયાની મોટી ઈકોનોમિક સુપરપાવર છે અને તેની કરન્સીનો ઉપયોગ પણ થાય છે. છતાં રશિયાએ ભારતની કરન્સી પસંદ કરી, જેની પાછળ રશિયા અને ભારત વચ્ચેની ગાઢ મિત્રતા અને વ્યવહારુ કારણો રહેલા છે.
રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન જ્યારે વિશ્વના દેશો રશિયા પર બેન લગાવી રહ્યા હતા, ત્યારે ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં કાચું તેલ ખરીદ્યું હતું. ભારતે રશિયન તેલના પેમેન્ટ માટે બંને દેશો વચ્ચે 'રૂપિયા ચુકવણી પ્રણાલી' સક્રિય કરી હતી. આ સમયગાળા દરમિયાન ભારત અને રશિયા વચ્ચે રૂપિયામાં અબજોનો વેપાર થયો હતો.
આ જ તર્જ પર, ભારત અને બાંગ્લાદેશે પણ વર્ષ 2023 માં આપસમાં વેપાર કરવા માટે 'રૂપિયા ચુકવણી પ્રણાલી' તૈયાર કરી રાખી હતી. રશિયાએ જોયું કે ભારત-રશિયા અને ભારત-બાંગ્લાદેશ વચ્ચે રૂપિયાનું મેકેનિઝમ પહેલાથી જ પરીક્ષણ કરેલું અને એક્ટિવ છે. તેથી રશિયાએ બાંગ્લાદેશ પાસેથી આ 11.38 અબજ ડોલરનું પેમેન્ટ ભારતીય રૂપિયામાં જ લેવાનું નક્કી કર્યું, જેથી પશ્ચિમી બેંકોની ઝંઝટ અને ડોલરની જરૂરિયાત બંનેમાંથી મુક્તિ મળી જાય.
રશિયાનો મેગા પ્લાન
- રશિયાની પ્રતિબદ્ધતા : રશિયા માત્ર યોજનાઓ બનાવતું નથી પરંતુ તેને અમલમાં મૂકવા માટે એક મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પણ માગે છે.
- બાંગ્લાદેશમાં રશિયન બેંક : રશિયાએ ઢાકામાં પોતાની એક બેંકની શાખા ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે જેથી રૂપિયામાં પેમેન્ટ કોઈપણ રુકાવટ વગર સીધું રશિયન ખાતાઓમાં જઈ શકે.
- સ્પેશિયલ પેમેન્ટ સિસ્ટમ : રશિયા ઈચ્છે છે કે બાંગ્લાદેશ સાથે મળીને એક એવું ડેડિકેટેડ પેમેન્ટ સિસ્ટમ બનાવવામાં આવે, જે અમેરિકી દબાણથી મુક્ત હોય.
- વોસ્ટ્રો એકાઉન્ટ્સનો ઉપયોગ : ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા માન્યતા પ્રાપ્ત વોસ્ટ્રો એકાઉન્ટ્સના માધ્યમથી આ પેમેન્ટને કાનૂની અને સુરક્ષિત રીતે પૂરું કરવામાં આવશે.
ભારતીય રૂપિયો મજબૂત થશે અને ડોલર પરની નિર્ભરતા ઘટશે
રશિયાની આ ચાલ BRICS દેશોના એ મોટા અભિયાનનો ભાગ છે, જેનો હેતુ વિશ્વભરમાં ડોલરની મનમાની ખતમ કરવાનો અને પોતાની કરન્સીને પ્રોત્સાહન આપવાનો છે. અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય વેપારમાં માત્ર ડોલરનો જ ઉપયોગ થતો હતો, પરંતુ આ પહેલીવાર બની રહ્યું છે જ્યારે ભારતીય રૂપિયો એક ગ્લોબલ કરન્સી તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. ભારત માટે આ સમાચાર ખૂબ જ સકારાત્મક છે. રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ થવાથી ભારતીય રૂપિયો મજબૂત થશે અને ડોલર પરની નિર્ભરતા ઘટશે. જોકે, ભારત આ સમગ્ર મામલે ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યું છે.
ડીલથી રશિયા-ભારત-બાંગ્લાદેશને ફાયદો
આ ડીલ રશિયા, ભારત અને બાંગ્લાદેશ ત્રણેય માટે ફાયદાકારક છે, પરંતુ તેમાં અમેરિકાનું વલણ પણ મહત્વનું રહે છે. અમેરિકા રશિયા સાથે વેપાર કરતા દેશો પર આકરા પ્રતિબંધો મૂકવાની નીતિ ધરાવે છે. જો બાંગ્લાદેશ રૂપિયા મારફતે રશિયાને અબજો ડોલર ટ્રાન્સફર કરે તો અમેરિકા બાંગ્લાદેશ પર પાબંધીઓ લગાવવાની ચિમકી આપી શકે છે. પશ્ચિમી દેશો અન્ય દેશો પર રશિયા સાથે વેપાર ન કરવાનું દબાણ કરે છે, પરંતુ પોતાની જરૂરિયાત મુજબનું રશિયન ગેસ, તેલ અને ખાતર ખરીદતા રહે છે.
રશિયા દ્વારા બાંગ્લાદેશ પાસે ભારતીય રૂપિયાની માગણી એ વાતની સાબિતી છે કે વિશ્વ હવે મલ્ટી-પોલર બની રહ્યું છે. ડોલરનું એકચક્રી શાસન હવે નબળું પડી રહ્યું છે અને આ નવી ગ્લોબલ સિસ્ટમમાં ભારતીય રૂપિયો એક મજબૂત અને ગ્લોબલ કરન્સી તરીકે ઊભરી રહ્યો છે.









