પંજાબમાં પક્ષપલટા પર સંગ્રામ: હરભજન સિંહના ઘરની બહાર લખાયું 'ગદ્દાર', CM ભગવંત માને ભાજપની ઝાટકણી કાઢી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IMAGE From X |
Punjab Political News 2026: પંજાબમાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા રાજ્યસભા સાંસદોને લઈને રાજકીય તોફાન તેજ બન્યું છે. પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ સહિતના નેતાઓ સામે રસ્તા પર ઉતરેલા કાર્યકરોનો રોષ જોવા મળી રહ્યો છે. જલંધરમાં હરભજન સિંહના નિવાસસ્થાનની બહાર અજાણ્યા લોકોએ કાળા રંગથી પંજાબનો ગદ્દાર લખી વિરોધ નોંધાવ્યો છે.
CM ભગવંત માનનો આકરો પ્રહાર
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ પર પ્રહારો કર્યા હતા. માને જણાવ્યું કે, ભાજપ પ્રાદેશિક પક્ષોને ગળી જનારો પક્ષ છે. આ ઘટનાક્રમ પર ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ યોજી મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ અને પક્ષ છોડનારા નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. માને કહ્યું કે આ નેતાઓએ માત્ર પાર્ટી સાથે જ નહીં, પણ પંજાબની જનતાના વિશ્વાસ સાથે દ્રોહ કર્યો છે. તેમણે ઉમેર્યું કે, 6-7 લોકોના જવાથી ન તો પંજાબ બદલાશે, ન તો આમ આદમી પાર્ટી નબળી પડશે.
ભાજપને બંદે ખાની પાર્ટી ગણાવી
માને ભાજપને 'બંદે ખાની પાર્ટી' (માણસ ખાનારી પાર્ટી) ગણાવતા આરોપ લગાવ્યો કે ભાજપ ડર, લાલચ અને દબાણની રાજનીતિ કરી પ્રાદેશિક પક્ષોને ખતમ કરવા માંગે છે. તેમણે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને મમતા બેનર્જીના ઉદાહરણો આપી ભાજપ પર પ્રહાર કર્યા. માને રાઘવ ચઢ્ઢા અને અન્ય નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, આ નેતાઓને લોકો પાસે હાથ જોડી વોટ માંગ્યા વગર સીધા મોટા પદ મળી ગયા હતા, તેમ છતાં સત્તાના લોભમાં તેમણે પક્ષપલટો કર્યો.
રસ્તા પર વિરોધ પ્રદર્શન
જ્યારે મુખ્યમંત્રી નેતાઓ પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા હતા, ત્યારે પંજાબમાં અનેક જગ્યાએ આપ કાર્યકરોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હરભજન સિંહના ઘરની બહાર સ્પ્રે પેઈન્ટથી ગદ્દાર લખવાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ સમયે પોલીસની હાજરી હોવા છતાં વિરોધ કરનારાઓને રોકવામાં આવ્યા નહોતા.
શા માટે ગરમાયું છે પંજાબનું રાજકારણ?
પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. મુખ્યમંત્રી માને દાવો કર્યો છે કે, કૃષિ કાયદાઓ પર પીછેહઠ કરવી પડી હોવાથી રાષ્ટ્રપ્રમુખ જેવી સત્તા ભોગવતા ભાજપના ટોચના નેતાઓ પંજાબથી નારાજ છે અને રાજ્યમાં અસ્થિરતા પેદા કરવા માંગે છે.








