Get The App

પાયજામાનું નાડું ખેંચવું રેપનો પ્રયાસ જ ગણાય, જજો સંવેદનશીલતા રાખે : સુપ્રીમ

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
પાયજામાનું નાડું ખેંચવું રેપનો પ્રયાસ જ ગણાય, જજો સંવેદનશીલતા રાખે : સુપ્રીમ 1 - image

- રેપની તૈયારી ગણાવતા ઇલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમે રદ કર્યો

- સુપ્રીમે પોક્સોના કેસમાં રેપના પ્રયાસના ગુનાની કલમો યથાવત હાઇકોર્ટને ફટકાર લગાવી વ્યવસ્થામાં સુધારાની સલાહ આપી 

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે રેપની વ્યાખ્યા અંગેના ઇલ્હાબાદ હાઇકોર્ટના એક વિવાદિત ચુકાદાને બદલી નાખ્યો હતો સાથે જ ફટકાર પણ લગાવી હતી. અગાઉ હાઇકોર્ટે કહ્યું હતું કે પીડિતાના પાયજામાનું નાડું ખોલવું કે ખેંચવું રેપનો પ્રયાસ ના કહેવાય, સુપ્રીમે કહ્યું હતું કે આ રેપનો પ્રયાસ કહેવાય. આ સાથે જ સુપ્રીમ કોર્ટે જજોને આવા મામલામાં સંવેદનશીલતા દાખવવાની સલાહ પણ આપી હતી.   

આ પહેલા ઇલ્હાબાદ હાઇકોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે એક સગીરાના સ્તન પકડવાનો પ્રયાસ કરવો, તેના પાયજામાના નાડાને ખોલવાનો પ્રયાસ કરવો અને તેને પુલની નીચે ખેંચવાનો પ્રયાસ કરવો રેપ કે રેપનો પ્રયાસ નથી. હાઇકોર્ટના આ ચુકાદાની ભારે ટિકા કરતા સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાનીમાં ગઠીત બેંચે કહ્યું હતું કે શારીરિક શોષણના મામલાઓમાં ચુકાદા સમયે કાયદાકીય તર્કોની સાથે સંવેદનશીલતા પણ રાખવી પડે. 

બાદમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે બ્રેસ્ટ પકડવા અને પાયજામાનું નાડુ ખેંચવુ રેપનો પ્રયાસ કરવા સમાન છે. હાઇકોર્ટના વિવાદિત આદેશને ક્રિમિનલ જ્યૂરિસ્પ્રૂડેંસના નિશ્ચિત સિદ્ધાંતોનો દુરુપયોગ ગણાવીને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો હતો. આ સાથે જ પોક્સોના મામલામાં રેપના પ્રયાસનો ગુનો દાખલ કરાયો હતો તેને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે તેથી આ મામલામાં હાઇકોર્ટના ચુકાદા પહેલાની જે સ્થિતિ હતી તે જ રહેશે. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વ્યવસ્થામાં સુધારા થવા જોઇએ, જજોમાં સંવેદનશીલતા વધારવાના પ્રયાસો થવા જોઇએ.

આ મામલામાં એક ૧૧ વર્ષીય બાળકી પર બે યુવકો દ્વારા રેપનો પ્રયાસ થયો હતો, મામલો ઇલ્હાબાદ હાઇકોર્ટ પહોંચ્યો હતો, હાઇકોર્ટે ગયા વર્ષે માર્ચ મહિનામાં ચુકાદો આપ્યો હતો અને ઘટનાને રેપનો પ્રયાસ નહોતો ગણાવી, આ દરમિયાન ન્યાયાધીશ રામ મનોહર મિશ્રાએ એક ટિપ્પણી કરી હતી જેની ભારે ટિકા થઇ હતી, તેમણે કહ્યું હતું કે સ્તનોને સ્પર્શ કરવો, પાયજામાની દોરી તોડવી રેપનો પ્રયાસ નહીં પણ રેપની તૈયારી ગણાય. આ ટિપ્પણીને લઇને ભારે વિવાદ થતા સુપ્રીમે સુઓમોટો સુનાવણી હાથ ધરી હતી.