મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરવું ભારે પડ્યું... CJP નેતાઓ દિપકે-સૌરવ-આશુતોષ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJP Leaders Lookout Notice : મુંબઈના શિવાજી પાર્ક ખાતે પોલીસની મંજૂરી વિના વિરોધ પ્રદર્શન યોજવું સીજેપી (CJP) ના નેતાઓને ભારે પડ્યું છે. ગત 2 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે યોજાયેલા આ પ્રદર્શન મામલે હવે CJP ના નેતાઓ અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. મુંબઈ પોલીસે આ કાર્યક્રમ માટે પરવાનગી નકારી કાઢી હોવા છતાં પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
BNS ની વિવિધ કલમો હેઠળ નોંધાઈ FIR
મંજૂરી વગરના આ પ્રદર્શન બાદ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં આયોજકો સહિત 400 થી 500 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 189 (ગેરકાયદેસર મંડળી જમાવવી) અને કલમ 223 (સરકારી અધિકારીના આદેશનો અનાદર કરવો) ઉપરાંત મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ જ તપાસના ભાગરૂપે હવે અભિજીત દીપકે અને આશુતોષ રાંકા સામે લુકઆઉટ નોટિસ જારી કરાઈ છે.
દિલ્હી એરપોર્ટ પર સૌરવ દાસને અટકાવાયા
આ અગાઉ CJP નેતા સૌરવ દાસ વિરુદ્ધ પણ લુકઆઉટ સર્ક્યુલર જારી થઈ ચૂક્યો છે. દાસ જ્યારે બ્રિટન જવા માટે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા, ત્યારે ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને ફ્લાઈટમાં બેસતા અટકાવ્યા હતા. દાસના જણાવ્યા મુજબ, ઓક્સફર્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા તેમને એક પેનલ ચર્ચામાં ભાગ લેવા આમંત્રણ અપાયું હતું. એરપોર્ટ પર ઈમિગ્રેશન તપાસ દરમિયાન તેમને જાણ થઈ કે તેમનો પાસપોર્ટ ફ્લેગ કરવામાં આવ્યો છે, જે બાદ તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
નાગરિકતા પર પણ ઉઠ્યા સવાલ: કેન્દ્ર સરકાર
ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આ લુકઆઉટ સર્ક્યુલર મુંબઈ પોલીસની વિનંતી પર જારી કરાયો છે. એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ જસ્ટિસ અમિત મહાજન સમક્ષ દલીલ કરી હતી કે સૌરવ દાસના શાળાકીય અભ્યાસ, રહેઠાણના સરનામા અને માતા-પિતાની વિગતોમાં કેટલીક વિસંગતતાઓ જોવા મળી છે. તેમના મતે આ ગરબડોને કારણે દાસની ભારતીય નાગરિકતા પર પણ સવાલ ઉભા થઈ શકે છે.
વકીલ અખિલ સિબ્બલની સરકાર સામે તીખી દલીલ
સૌરવ દાસ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અખિલ સિબ્બલે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમના અસીલને એરપોર્ટ પર પહોંચ્યા બાદ જ કારણદર્શક નોટિસ મળી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે અગાઉથી કોઈ જાણ કર્યા વિના કે પ્રતિબંધનો કોઈ આદેશ બતાવ્યા વિના કોઈ નાગરિકને દેશ છોડતા કેવી રીતે રોકી શકાય. સિબ્બલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'મને કંઈ જ આપવામાં આવ્યું નથી. કોઈએ તો જાણ કરવી પડે કે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જારી કરાયો છે. નાગરિકો સાથે આવું વર્તન કેવી રીતે થઈ શકે.'
સર્ક્યુલરની નકલ આપવાનો કેન્દ્રનો ઈનકાર
સુનાવણી દરમિયાન અખિલ સિબ્બલે લુકઆઉટ સર્ક્યુલરની નકલની માંગણી કરતા પૂછ્યું હતું કે આ સર્ક્યુલર ક્યારે અને કયા ગુનાના સંદર્ભમાં જારી કરવામાં આવ્યો છે. તેના જવાબમાં કેન્દ્ર સરકાર તરફથી ચેતન શર્માએ સ્પષ્ટ કહ્યું હતું કે સરકાર આ સર્ક્યુલરની નકલ આપી શકે તેમ નથી, અને જો સૌરવ દાસ ઈચ્છે તો અલગ કાયદાકીય કાર્યવાહી હેઠળ આ સર્ક્યુલરને પડકારી શકે છે.




