India

ખાનગી હોસ્પિટલો સસ્તી દવા-મેડિકલ સામાન દર્દીઓને મોંઘા ભાવે વેચે છે

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં હોસ્પિટલોના 'ગોરખધંધા' સામે આવતા કેન્દ્ર સરકાર જાગી છે. હોસ્પિટલોમાં રૂ. 11નો IV સેટ રૂ. 325માં વેચાયો હતો. દર્દીઓ પાસેથી મેડિકલ સામાન અને દવાઓની અનેકગણી ઊંચી કિંમત વસૂલવામાં આવતી હોવાની ફરિયાદો બાદ કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલોમાં દવા-સામાનની કિંમતોની સમીક્ષા હાથ ધરી છે, અને આ મામલે જરૂરી કાર્યવાહી કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાનગી હોસ્પિટલો સસ્તી દવા-મેડિકલ સામાન દર્દીઓને મોંઘા ભાવે વેચે છે
  • મહારાષ્ટ્રમાં હોસ્પિટલોના 'ગોરખધંધા' સામે આવતા કેન્દ્ર સરકાર જાગી
  • હોસ્પિટલમાં રૂ. ૧૧નો આઈવી સેટ રૂ. ૩૨૫, રૂ. ૨૯નું કેથેરટર રૂ.૩૧૦, ૪૦-૫૦ના નેબુલાઈઝર-માસ્ક રૂ. ૭૧૫ સુધીમાં વેચાયા

નવી દિલ્હી : દેશમાં સસ્તી દવાઓ ઊંચી કિંમતે વેચાતી હોવા મુદ્દે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કર્યા પછી હવે હોસ્પિટલો વિશેષરૂપે ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ઉપયોગમાં લેવાતો મેડિકલ સામાન અને દવાઓ બજારમાંથી નીચી કિંમતે ખરીદીને તેના માટે દર્દીઓ પાસેથી અનેક ગણી ઊંચી રકમ વસૂલતી હોવાની કેન્દ્ર સરકારને ફરિયાદો મળી છે. આ ફરિયાદોને ધ્યાનમાં લેતાં કેન્દ્ર સરકારે આ બાબતની સમીક્ષા હાથ ધરી છે. સાથે જ સરકારે મેડિકલ સામાનની કિંમતોમાં તર્કસંગતતા અંગે ખાનગી હોસ્પિટલો અને મેડિકલ સેક્ટર સાથે ચર્ચા શરૂ કરી છે.
સ્વાસ્થ્ય અને રાસાયણિક ખાતર મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, સરકારની સમીક્ષામાં હોસ્પિટલની વાસ્તવિક ખરીદ કિંમત અને દર્દીઓના બિલમાં નોંધાયેલી કિંમત વચ્ચે અંતર પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સમીક્ષાના નિષ્કર્ષના આધારે સરકાર જરૂરી કાર્યવાહી હાથ ધરશે.
મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે તેઓ હોસ્પિટલો કોઈ સામાન ઉત્પાદકો અથવા બજારમાંથી કઈ કિંમતે ખરીદે છે અને દર્દીઓ પાસેથી તેના માટે કેટલી રકમ વસૂલે છે તેની સમીક્ષા કરી રહ્યા છે. માત્ર ઉત્પાદનની એમઆરપીને આધાર બનાવવો જોઈએ નહીં. હોસ્પિટલની વાસ્તવિક ખરીદ કિંમત અને દર્દીના બીલ વચ્ચેના અંતરની સમીક્ષાને ધ્યાનમાં લેવામાં આવશે. આ આધારે હોસ્પિટલોની ખરીદ અને બિલિંગ વ્યવસ્થાનું આકલન કરાઈ રહ્યું છે.
મહારાષ્ટ્રમાં હોસ્પિટલોની ખરીદ અને બિલિંગ સંબંધિત દસ્તાવેજોની તપાસમાં એવા અનેક કિસ્સા સામે આવ્યા છે. એક હોસ્પિટલે આઈવી સેટ અંદાજે રૂ. ૧૧માં ખરીદ્યો જ્યારે દર્દી પાસેથી તેના રૂ. ૩૨૫ વસૂલવામાં આવ્યા. એ જ રીતે અંદાજે રૂ. ૨૯માં ખરીદવામાં આવેલા કેથેટરની કિંમત રૂ. ૩૧૦ અને રૂ. ૭માં ખરીદાયેલી સિરિન્જના રૂ. ૫૭ વસૂલવામાં આવ્યા હતા. કેટલાક કિસ્સામાં રૂ. ૪૦-૪૫માં ખરીદાયેલા નેબુલાઈઝર અને ઓક્સિજન માસ્કના દર્દીઓ પાસેથી બિલમાં રૂ. ૬૫૦થી રૂ. ૭૧૫ સુધી વસૂલવામાં આવ્યા.
સમીક્ષામાં એ પણ જણાયું છે કે ઉપચાર દરમિયાન આઈવી સેટ, સિરિંજ, કેથેટર, ઓક્સિજન માસ્ક અને અન્ય કન્ઝ્યુમેબલની જરૂરિયાત પડે છે. હોસ્પિટલમાં દાખલ દર્દી માટે તેની કિંમતની સરખામણી કરવી અથવા બહારથી સામાન ખરીદવો અનેક વખત સરળ નથી હોતું. એવામાં ખરીદ કિંમત અને બિલમાં ઘણું મોટું અંતર હોવાથી સારવારનો કુલ ખર્ચ વધી જાય છે. દવાઓની બાબતમાં પણ હોસ્પિટલની ઈન-હાઉસ ફાર્મસીમાંથી ખરીદીની વ્યવસ્થા હોવાથી પણ દર્દીની નિર્ભરતા વધી જાય છે.
મહારાષ્ટ્રમાં આવા કેસ સામે આવ્યા પછી હવે દેશભરમાં હોસ્પિટલોમાં દવા, મેડિકલ સામાન અને કન્ઝ્યુમેબલ્સની ખરીદી તથા દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતી રકમની સ્વાસ્થ્ય મંત્રાલયે સમીક્ષા શરૂ કરી છે.