India

'રાષ્ટ્રપતિએ વોટ ચોરીનો ઇન્કાર નથી કર્યો, પુરાવા માંગ્યા છે': CEC વિરુદ્ધ આવેદન સોંપ્યા બાદ બોલ્યા રાહુલ ગાંધી

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
INDIA ગઠબંધનના 10 નેતાઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા હસ્તક્ષેપની માંગ કરી. વિપક્ષે મતદાર યાદીમાં ગેરરીતિ અને વોટ ચોરીના ગંભીર આરોપો લગાવી આવેદનપત્ર સોંપ્યું. રાષ્ટ્રપતિએ પુરાવા માંગ્યા છે, જે વિપક્ષ સોંપશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, PM મોદી અને અમિત શાહ લોકશાહી ખતમ કરી રહ્યા છે, જ્યારે CEC વોટ ચોરી કરાવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'રાષ્ટ્રપતિએ વોટ ચોરીનો ઇન્કાર નથી કર્યો, પુરાવા માંગ્યા છે': CEC વિરુદ્ધ આવેદન સોંપ્યા બાદ બોલ્યા રાહુલ ગાંધી

Rahul Gandhi Meets President : INDIA ગઠબંધનના 10 નેતાઓના પ્રતિનિધિમંડળે શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા માટે રાષ્ટ્રપતિ પાસે હસ્તક્ષેપની માંગણી કરી હતી. વિપક્ષે મતદાર યાદીમાં ગેરરીતિ અને ચૂંટણીઓમાં વોટ ચોરી થઈ રહી હોવાનો ગંભીર આરોપ લગાવી રાષ્ટ્રપતિને આવેદનપત્ર સોંપ્યું હતું.

સંસદથી વિજય ચોક સુધી માર્ચ

રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પહેલાં વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી વિરોધ માર્ચ નીકાળી હતી. વિજય ચોક પર કેટલાક સાંસદો ધરણા પર બેસી ગયા હતા, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ નક્કી કરાયેલા 10 નેતાઓનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ મુર્મુને મળવા માટે પહોંચ્યું હતું. આ ડેલિગેશનમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી, એમ.એ. બેબી, ડી. રાજા, રાજીવ રાય, સુપ્રિયા સુલે, ઓમર અબ્દુલ્લા, મનોજ ઝા અને થોલ થિરુમાવલવન સામેલ હતા.

રાષ્ટ્રપતિએ અમારી પાસેથી વોટ ચોરીના પુરાવા માંગ્યા : રાહુલ ગાંધી

મુલાકાત બાદ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે રાષ્ટ્રપતિ સમક્ષ વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેમણે અમારા આરોપોનો ઇન્કાર નથી કર્યો અને ન તો તેના પર કોઈ સવાલ ઉઠાવ્યા છે. રાષ્ટ્રપતિએ અમારી પાસેથી વોટ ચોરીના પુરાવા માંગ્યા છે, જે વિપક્ષ તેમને સોંપશે. દેશની જનતા જાણે છે કે અલગ-અલગ રાજ્યોમાં ચૂંટણીઓમાં ગેરરીતિ થઈ છે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ લોકશાહીને ખતમ કરી રહ્યા છે, જ્યારે સીઈસી જ્ઞાનેશ કુમાર વોટ ચોરી કરાવી રહ્યા છે. રાષ્ટ્રપતિએ આ મુદ્દા પર વિચાર કરવાની વાત કહી છે અને અમે આગામી સોમવારે CJI સાથે પણ મુલાકાત કરીશું.’ આ ઉપરાંત તેમણે જણાવ્યું કે સાંસદો પહેલાં ચૂંટણી પંચ અને રાજઘાટ જવા માંગતા હતા પરંતુ ત્યાં તેમને રોકવામાં આવ્યા હતા, જેથી હવે તેઓ સોમવારે સુપ્રીમ કોર્ટમાં પણ રજૂઆત કરશે.

મલ્લિકાર્જુન ખડગેએ બેલેટ પેપરથી ચૂંટણીની કરી માંગ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ‘પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ સમક્ષ પોતાની વાત મૂકી છે અને ચૂંટણીમાં વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો છે. અમે રાષ્ટ્રપતિ સમક્ષ ફરીથી ચૂંટણી યોજવા તેમજ ઈવીએમ (EVM) હટાવીને બેલેટ પેપરથી મતદાન કરાવવાની સ્પષ્ટ માંગણી કરી છે. રાષ્ટ્રપતિએ અમારી પાસેથી આ તમામ બાબતોના પુરાવા માંગ્યા છે, જે અમે તેમને આપીશું.’

મમતા બેનર્જીએ બંધારણના રક્ષણની અપીલ કરી

તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ કહ્યું કે, ‘રાષ્ટ્રપતિએ વિપક્ષની વાત સાંભળી છે અને સકારાત્મક વલણ દાખવ્યું છે. પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને વોટ ચોરીના મામલામાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને દેશના બંધારણનું રક્ષણ કરવા માટે અપીલ કરી છે. સમગ્ર વિપક્ષ આ મામલા સાથે જોડાયેલા તમામ પુરાવાઓ ટૂંક સમયમાં જ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરશે.’