Get The App

ગરીબોને ભાગ્યે જ ન્યાય મળે છે, શિક્ષણ માત્ર વેપાર બની ગયું : મદ્રાસ હાઇકોર્ટ

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
ગરીબોને ભાગ્યે જ ન્યાય મળે છે, શિક્ષણ માત્ર વેપાર બની ગયું : મદ્રાસ હાઇકોર્ટ 1 - image

- શિક્ષણ આપવું પવિત્ર મનાતું હવે માત્ર વ્યવસાય : હાઇકોર્ટ

- સ્કૂલની સામે મેનેજમેન્ટની પોતાની હોસ્પિટલ છતા વિદ્યાર્થિનીને દાખલ ના કરાઇ, કેમ્પસમાં જ મોતથી હાઇકોર્ટ નારાજ

ચેન્નાઇ : દેશમાં શિક્ષણના વેપારીકરણ પર તમિલનાડુની મદ્રાસ હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરી હતી, હાઇકોર્ટે કહ્યું હતું કે દેવી સરસ્વતી શિક્ષણનુ પ્રતિક માનવામાં આવે છે જોકે આજકાલ શિક્ષણ માત્ર વેપાર બનીને રહી ગયું છે. એક સમયે આપણા દેશમાં શિક્ષણ આપવાનું કામ પવિત્ર માનવામાં આવતું હતું, પરંતુ આજકાલ હવે શિક્ષણ માત્ર લાભદાયક વ્યવસાય બનીને રહી ગયું છે. સાથે જ હાઇકોર્ટે કહ્યું હતું કે આજકાલ ગરીબ પીડિતો ભાગ્યે જ ન્યાય મેળવે છે.   

તેનકાસીની સ્કૂલમાં એક વિદ્યાર્થિનીના મોત મામલે યોગ્ય તપાસ ના થતા પિતા દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ બી પુગાલેંધીએ આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે જે સ્કૂલમાં વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું તે જ સ્કૂલ દ્વારા કેમ્પસની સામે જ એક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવવામાં આવે છે છતા વિદ્યાર્થિનીને ત્યાં દાખલ કરવામાં ના આવી અને તેનું કેમ્પસમાં જ મોત નિપજ્યું. વિદ્યાર્થિનીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત નિપજ્યું હતું જ્યારે સ્કૂલ પ્રશાસન તેને અકસ્માત ગણાવી રહ્યું છે. પિતાએ સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાંચ, સીઆઇડીને સોંપવાની માગ કરતી અરજી કરી હતી.

પિતાએ દાવો કર્યો હતો કે ઘટના ત્રણ વાગ્યા આસપાસ બની હતી, સ્કૂલ કેમ્પસમાં ૨૦ પોલીસકર્મીઓ હોવા છતા રાત્રે ૧૦ વાગ્યા સુધી કોઇએ ફરિયાદ દાખલ નહોતી કરી. સ્કૂલ પ્રશાસને સીસીટીવી ફૂટેજ આપવાની ના પાડી દીધી એટલુ જ નહીં મામલાને પતાવવા માટે ૨૦ લાખ રૂપિયાનું વળતર આપવાની પણ તૈયારી દેખાડી હતી. હાઇકોર્ટે દલીલોને યોગ્ય માની હતી અને કહ્યું હતું કે સીસીટીવી કેમેરા હોવા છતા આરોપીઓ સ્કૂલમાંથી બહાર જતા રહ્યા બાદ પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી ના કરવામાં આવી. સામાન્ય રીતે આ વ્યવસ્થામાં ગરીબ પીડિત ભાગ્યે જ ન્યાય મેળવે છે. કેમ્પસ સામે જ સ્કૂલની પોતાની હોસ્પિટલ હોવા છતા ત્યાં પીડિતને દાખલ ના કરવા બદલ સ્કૂલનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે શિક્ષણ હવે વેપાર બનીને રહી ગયું છે. હાઇકોર્ટે ટોચના અધિકારીને તપાસના આદેશ આપ્યા છે સાથે જ સીસીટીવી ફૂટેજ પણ માગ્યા છે.