FB પર મિત્રતા, કારમાં 100 યુવતીઓ પર ગેંગરેપ, 9 નરાધમોને આજીવન કેદ... પોલ્લાચી કાંડની ભયાનક કહાની
Pollachi Sexual Assault Case : તમિલનાડુના કોયંબતુરના પોલ્લાચીમાં જાતીય સતામણીના ચકચારી કેસમાં છ વર્ષ બાદ નવ નરાધમોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત સજા સંભળાવનાર ન્યાયાધીશ આર નંદિની દેવીએ આઠ પીડિતોને 85 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, નવમાંથી છ આરોપીઓને એકથી પાંચ વખત આજીવન કેદની સજા ફટકારાઈ છે. તમામ આરોપીઓ 30થી 39 વર્ષના છે. જ્યારે કેસની સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે આ નરાધમોને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લવાયા હતા.
9 નરાધમોને રૂ.1.50 લાખનો દંડ પણ ફટકાર્યો
ન્યાયાધીશે 9 નરાધમોને 1.50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સુનાવણી વખતે આઠેય પીડિતા કોર્ટમાં હાજર હતી અને તેઓએ કોર્ટમાં જુબાની આપી હતી. તમામ પીડિતાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી. પીડિતાઓએ કહ્યું કે, ‘માનનીય હાઈકોર્ટે પોલ્લાચી કેસમાં ચુકાદો સંભળાવ્યો, જે છેલ્લા છ વર્ષથી એક સંવેદનશીલ મુદ્દો રહ્યો છે.’
કયા આરોપીઓને કેટલી વખત આજીવન કેદની સજા ફટકારાઈ
- આરોપી નંબર-1 : કે.થિરુનાવુક્કારાસુ - પાંચ વખત આજીવન કેદ
- આરોપી નંબર-2 : આર.મણિવન્નમ ઉર્ફે મણિ - પાંચ વખત
- આરોપી નંબર-3 : રિશ્વંથ ઉર્ફે એન.સબરીરાજન - ચાર વખત
- આરોપી નંબર-4 : એમ.સતીશ - ત્રણ વખત
- આરોપી નંબર-5 : ટી.હરોનિમસ પૉલ - ત્રણ વખત
- આરોપી નંબર-6 : ટી.વસંતકુમાર - બે વખત
- આરોપી નંબર-7 : પી બાબૂ ઉર્ફે બાઈક બાબૂ - એક વખત
- આરોપી નંબર-8 : કે.અરૂલાનંથમ - એક વખત
- આરોપી નંબર-9 : એમ.અરૂણ કુમાર - એક વખત
કૉલેજની વિદ્યાર્થીની પર દુષ્કર્મ, વીડિયો ઉતારી હવસનો શિકાર બનાવી
ફેબ્રુઆરી-2019માં એક 19 વર્ષીય કૉલેજની વિદ્યાર્થીનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવા બાત આ કાંડનો ખુલાસો થયો હતો. તેણીએ પોલીસને કહ્યું કે, ‘મારા કેટાલાક પરિચિત યુવકો મને એક કારમાં બેસાડી ફરવા માટે બહાર લઈ ગયા હતા. તે લોકોએ મારી સાથે કારમાં સામુહિક દુષ્કર્મ કર્યું હતું અને વીડિયો પણ ઉતાર્યો હતો. તેઓ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મને બ્લેકમેઈલ કરી પોતાની હસવનો શિકાર બનાવતા હતા.’ પીડિતાની આપવીતી સાંભળ્યા બાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધીત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર યુવતીઓ સાથે મિત્રતા કરી ફસાવતા હતા
વિદ્યાર્થીની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે, આ માત્ર એક કિસ્સો નથી, આવી અનેક યુવતીઓ આ ગેંગનો શિકાર બની હતી. આ ગેંગના નરાધમો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ દ્વારા યુવતીઓ સાથે મિત્રતા કરતા હતા. તેમને મળવા માટે સુમસામ સ્થળે અથવા ગાડીમાં બોલાવતા હતા. પછી તેઓ યુવતીને હવસનો શિકાર બનાવી વીડિયો ઉતારતા હતા. આ અશ્લિલ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપી બ્લોકમેલ કરતા હતા.
ગેંગે 100થી વધુ યુવતીઓને બનાવી શિકાર
ગેંગના નરાધમો પીડિતા પાસે નાણાં માંગતા હતા. નાણાં ન આપે તો પીડિતાની વારંવાર જાતીય સતામણી કરતા હતા. ગેંગે લગભગ 100થી વધુ યુવતીઓને શિકાર બનાવી હતી. પીડિતાઓને સમાજનો ડર હતો, તેથી તેઓ પોતાની સાથે બનેલી ભયાનકતાનો ખુલાસો કરી શકતી ન હતી. આમ તેઓ વારંવાર ગેંગનો શિકાર બનતી રહી. પીડિતોમાં મોટાભાગની શાળા અને કૉલેજની વિદ્યાર્થીનીઓ હતી. જોકે તેમાંથી એક યુવતીએ હિમ્મત દેખાડી અને પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી. ત્યારબાદ તેના પરિવારજનો તેને લઈને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા આવ્યા હતા.
પહેલા સ્થાનીક પોલીસ, પછી CID અને છેવટે CBIને સોંપાયો કેસ
ચેન્નાઈથી લગભગ 550 કિલોમીટર દૂર તમિલનાડુના પોલ્લાચી શહેરમાં બનેલી આવી દર્દનાક અને ભયાનક ઘટના બાદ લોકો રોષે ભરાયા હતા. પીડિતાઓને ન્યાય અપાવવા માટે લોકોએ વિરોધ પ્રદર્શનો પણ કર્યા. તે વખતે સ્થાનીક પોલીસ કેસની તપાસ કરી રહી હતી, બાદમાં કેસ CIDને સોંપવામાં આવ્યો. જોકે રોષે ભરાયેલા લોકો આ વાતથી સંતોષ ન હતા અને CBIને કેસ સોંપવા સરકારને ભલામણ કરી. ત્યારબાદ કેસ સીબીઆઈ પહોંચ્યો અને તેમની ટીમે તમામ પ્રકારના પગલા ભરી આરોપીઓ વિરુદ્ધ વિસ્તૃત ચાર્જશીટ ફાઈલ કરી હતી.
આ પણ વાંચો : ‘મોદી સરકારે સાવરકરનું સપનું પૂરું કરવાની તક ગુમાવી’ શિવસેના UBTના કેન્દ્ર પર પ્રહાર