Get The App

ભારત સાથે અબજોનો વેપાર છતાં પાકિસ્તાનની પડખે કેમ ઊભું થયું અઝરબૈજાન? લોકો કરી રહ્યા છે બૉયકોટની માંગ

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
ભારત સાથે અબજોનો વેપાર છતાં પાકિસ્તાનની પડખે કેમ ઊભું થયું અઝરબૈજાન? લોકો કરી રહ્યા છે બૉયકોટની માંગ 1 - image


India-Azerbaijan Relations : ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં ભારે તણાવ થયો હતો, જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા અને એરબેઝને નિશાન બનાવી નષ્ટ કરી દીધા હતા. પાકિસ્તાને પણ ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ભારતની સૈન્ય સિસ્ટમે તેના તમામ પ્રયાસો નિષ્ફળ બનાવી દીધા હતા. બંને દેશો વચ્ચેના વિવાદમાં એકમાત્ર ચીન, તૂર્કિયે અને અઝરબૈજાને પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું. ચીને અને તૂર્કિયેએ પાકિસ્તાનને સૈન્ય મદદ મોકલી, તો અઝરબૈજાનની સરકારે પાકિસ્તાનના વડાપ્રધાનને પત્ર લખીને સમર્થન આપ્યું હતું. આ તમામ ઘટનાક્રમ બાદ સોશિયલ મીડિયા પરના યુઝર્સ પાકિસ્તાનને સમર્થન આપનારા દેશો પર રોષ ઠાલવી રહ્યા છે. કેટલાક ભારતીયો પાકિસ્તાનને મદદ કરનારા દેશોનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.

ભારત અને અઝરબૈજાન વચ્ચેના સંબંધો

ભારત સાથે ઘણા જૂના સંબંધો ધરાવતું અઝરબૈજાન 1991 સુધી સોવિયત સંઘનો ભાગ હતો. પછી અઝરબૈજાન સોવિયત સંઘમાંથી છૂટું પડ્યું અને ભારતે તેને 1991માં એક સ્વતંત્ર દેશની માન્યતા આપી હતી. જ્યારે અઝરબૈજાન સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાક હતું, ત્યારે પણ ભારતના તેની સાથે ગાઢ સંબંધો હતા. તે સમયે જવાહરલાલ નેહરુ અને રવિન્દ્ર નાથ ટાગોર જેવા નેતાઓએ અઝરબૈજાનનો પ્રવાસ કરી સંબંધોને મજબૂત બનાવ્યા હતા. ભારતે બાકુમાં 1999માં, જ્યારે અઝરબૈજાને દિલ્હીમાં 2004માં મિશન માર્ચ ખોલ્યું હતું.

બંને દેશો વચ્ચેનો વેપાર 5 કરોડ ડૉલરથી વધી 1435 અબજ ડૉલરે પહોંચ્યો

અઝરબૈજાન સ્થિત ભારતીય દૂતાવાસના જણાવ્યા મુજબ, બંને દેશો વચ્ચે 2023માં 1435 અબજ ડૉલરનો વેપાર થયો હતો, જે અગાઉ 2005માં પાંચ કરોડ અમેરિકન ડૉલર હતો. ભારત અઝરબૈજાનનો સાતમો મોટો વેપારી દેશ છે. અઝરબૈજાન ભારતથી વધુ ઈટાલી, તૂર્કિયે, રશિયા, ચીન, જર્મની અને ઈઝરાયલ સાથે જ વેપાર કરે છે. ભારત તેને ચોખા, મોબાઇલ ફોન, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, દવાઓ, સ્માર્ટફોન, સિરામિક ટાઇલ્સ, ગ્રેનાઇટ, મશીનરી, માંસ અને પ્રાણીઓની નિકાસ કરે છે. ભારતે અઝરબૈજાન પાસેથી 2023માં 955 મિલિયન ડૉલરનું ક્રૂડ ખરીદ્યું હતું, જ્યારે 43 મિલિયન ડૉલરના ચોખાની નિકાસ કરી હતી. આમ ભારત અઝરબૈજાનનો ત્રીજો મોટો ખરીદદાર દેશ બન્યો હતો.

અઝરબૈજાન અને પાકિસ્તાન વચ્ચેનો વેપાર

અઝરબૈજાન-પાકિસ્તાન વચ્ચેના વેપાર સંબંધોની વાત કરીએ તો, ટ્રેડ ડેટા પર નજર રાખનારી ઑબ્જર્વૈટરી ઑફ ઈકોનોમિક કોમ્પ્લેક્સિટી વેબસાઇટના ડેટા મુજબ, બંને દેશો વચ્ચે 2023માં 28.8 મિલિયન ડૉલરનો વેપાર થયો હતો, જેમાં પાકિસ્તાને સૌથી વધુ નિકાસ કરી હતી. ઓઈઈસી વર્લ્ડના ડેટા મુજબ અઝરબૈજાને પાકિસ્તાનને 8.2 મિલિયન ડૉલરની નિકાસ કરી હતી, જેમાં મુખ્યત્વે નાઇટ્રોજનયુક્ત ખાતર, કાચું સીસું, રિફાઈન્ડ પેટ્રોલિયમનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં અઝરબૈજાનની પાકિસ્તાનમાં નિકાસ 37.5 ટકા વધી છે.

આ પણ વાંચો : દિલ્હીના બિઝનેસમેન પર 21 હજાર કરોડનું ડ્રગ્સ વેચીને તૈયબાને ફંડિંગનો આરોપ, સુપ્રીમે જામીન ફગાવ્યા

તૂર્કિયે અને અઝરબૈજાન બંને ભારતીયો માટે લોકપ્રિય પ્રવાસન સ્થળો

ભારતીયો માટે તૂર્કિયે અને અઝરબૈજાન બંને લોકપ્રિય પ્રવાસન સ્થળો બની ગયા છે. ગયા વર્ષે તૂર્કિયેએ 3.3 લાખ ભારતીય પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું, જે 2022ની સરખામણીમાં 20.7%નો વધારો દર્શાવે છે. જોકે, ભારત-પાકિસ્તાન સરહદ પર હાલના તણાવ અને બંને દેશો પાકિસ્તાનને સમર્થન આપી રહ્યા છે, તેથી ઘણા ભારતીય ટ્રાવેલ પ્લેટફોર્મ્સે ચેતવણીઓ આપવાનું શરૂ કરી દીધું છે. કેટલાકે તો હાલ પૂરતું નવું બુકિંગ લેવાનું પણ બંધ કરી દીધું છે.

2024માં 2.43 લાખ ભારતીયોએ અઝરબૈજાનની મુલાકાત લીધી

ભારતીય દૂતાવાસના ડેટા મુજબ, 2023માં 1.15 લાખથી વધુ ભારતીયોએ અઝરબૈજાનની મુલાકાત કરી હતી, જે 2022ની તુલનાએ બમણી છે. અઝરબૈજાનના ટુરિઝમ બોર્ડના આંકડા મુજબ 2024માં 2,43,589 ભારતીય પ્રવાસીઓ આવ્યા હતા, જે 2023ની તુલનાએ બમણા છે. જ્યારે વર્ષ 2014માં માત્ર 4583 ભારતીયો ત્યાંની મુલાકાતે ગયા હતા. સૌથી મહત્ત્વની વાત એ છે કે, છેલ્લા ચાર વર્ષમાં ઓછામાં ઓછી 30 ભારતીય ફિલ્મો અને જાહેરાતોનું શૂટિંગ અઝરબૈજાનમાં થયું છે.

અઝરબૈજાનને પાકિસ્તાનનું સમર્થન કરવું ભારે પડ્યું

ભારતીય દૂતાવાસના જણાવ્યા મુજબ દિલ્હી અને અઝરબૈજાનની રાજધાની બાકુ વચ્ચે અઠવાડિયામાં 10 ફ્લાઇટો તેમજ મુંબઈ અને બાકુ વચ્ચે સપ્તાહમાં ચાર ફ્લાઇટનું સંચાલન કરવામાં આવે છે. જોકે તાજેતરના વિવાદમાં અઝરબૈજાને પાકિસ્તાનને સમર્થન આપતાં ભારતીયો નિરાશ થયા છે. ટ્રાવેલ કંપનીઓએ લોકોને અઝરબૈજાન ન જવાની સલાહ આપી છે. તેણે પાકિસ્તાનને સમર્થન આપવાની અસર શરુ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 50 ટકાથી વધુ બુકિંગ રદ થઈ ગયું છે.

આ પણ વાંચો : નિવૃત્તિ પછી કોઈ પણ પદ નહીં સંભાળું, CJI ખન્નાએ જણાવ્યો રિટાયરમેન્ટ પ્લાન

Tags :