Get The App

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ અંગે ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો, કહ્યું- ‘વાતચીતમાં વેપારનો ઉલ્લેખ કરાયો નથી’

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ અંગે ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો, કહ્યું- ‘વાતચીતમાં વેપારનો ઉલ્લેખ કરાયો નથી’ 1 - image


India-Pakistan Tension : ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર સંબંધિત કોઈપણ મુદ્દો ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે ઉકેલાશે, તેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા રહેશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે, ‘પાકિસ્તાને ગેરકાયદે રીતે કબજે કરેલ કાશ્મીર (PoK)ને ખાલી કરવું પડશે. ભારત લાંબા સમયથી આ નીતિ પર ચાલી રહ્યું છે અને તેમાં કોઈપણ ફેરફાર થશે નહીં.

પાકિસ્તાનની વિનંતી બાદ યુદ્ધવિરામ પર સંમતી સધાઈ

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે 10 મેએ વાતચીત થઈ હતી, ત્યારબાદ બંને યુદ્ધવિરામ પર સંમત થયા હતા. પાકિસ્તાન દ્વારા તે જ દિવસે સવારે 12.37 કલાકે વાતચીત કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. કારણ કે ટેકનિકલ કારણોસર તેઓ હોટલાઈન દ્વારા ભારતનો સંપર્ક કરી શક્યા ન હતા. ત્યારબાદ ભારતીય ડીજીએમઓની ઉપલબ્ધતાના આધારે કોલ 15:35 વાગ્યે નક્કી કરાયો હતો.’

આ પણ વાંચો : ભારત સાથે અબજોનો વેપાર છતાં પાકિસ્તાનની પડખે કેમ ઊભું થયું અઝરબૈજાન? લોકો કરી રહ્યા છે બૉયકોટની માંગ

‘યુદ્ધવિરામ પાકિસ્તાનની મજબૂરી’

ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, ‘યુદ્ધવિરામ પાકિસ્તાનની મજબૂરી હતી, કારણ કે તે દિવસે સવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના મુખ્ય એરફોર્સ ઠેકાણાઓ પર પ્રભાવશાલી હુમલા કર્યા હતા. ભારતીય સેનાની તાકાતના કારણે જ પાકિસ્તાનને ફાયરિંગ અને સાન્ય  કાર્યવાહી અટકાવવા મજબૂત કર્યું હતું.’

‘પાકિસ્તાની સેના ફાયરિંગ કરશે, તો ભારતીય સેના પણ જવાબ આપશે’

તેમણે એમ પણ કહ્યું કે, ‘અન્ય દેશો સાથેની વાતચીત દરમિયાન ભારતે એક જ સંદેશો આપ્યો છે કે, અમે 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં માત્ર આતંકવાદી અડ્ડાઓને જ નિશાન બનાવી રહ્યા છે. જો પાકિસ્તાની સેના ફાયરિંગ કરશે, તો ભારતીય સેના પણ જવાબ આપશે. જો પાકિસ્તાન અટકશે તો ભારત પણ અટકી જશે. ઓપરેશન સિંદૂર શરૂ કરતી વખતે પાકિસ્તાનને આ જ સંદેશ અપાયો હતો, જોકે તે સમયે પાકિસ્તાને ઓપરેશન સિંદૂરની અવગણના કરી.’

આ પણ વાંચો : ઓપરેશન સિંદૂરની અસર... ISRO એક જ વર્ષમાં બનાવશે 52 જાસૂસી ઉપગ્રહ

‘પાકિસ્તાને PoK ખાલી કરવું પડશે’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર અંગે કરેલા નિવેદન અંગે પૂછવામાં આવ્યું તો વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘ભારતનું વલણ સ્પષ્ટ અને અડગ છે કે, જમ્મુ-કાશ્મીર સંબંધીત કોઈપણ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. આ નીતિમાં કોઈપણ ફેરફાર થયો નથી. પાકિસ્તાને ગેરકાયદે કબજે કરેલ ભારતીય ક્ષેત્ર (PoK) ખાલી કરવું પડશે.’

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ‘ભારતીય સેનાએ 7 મેથી 10 મે સુધી ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. આ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે માત્ર સેનાની સ્થિતિ અંગે ચર્ચા થઈ છે, વેપાર સંબંધીત કોઈપણ મુદ્દો વાતચીત થઈ નથી.

Tags :