India

સત્ય નિકેતન બિલ્ડિંગ દુર્ઘટનામાં રાજકીય ઘમાસાણ, કેજરીવાલ-કોંગ્રેસે સરકારને ઘેરી

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
દિલ્હીના સત્ય નિકેતનમાં 40-50 વર્ષ જૂની PG ઇમારત ધરાશાયી થતા 6 લોકોને બચાવાયા છે. બેઝમેન્ટમાં રિપેરિંગ દરમિયાન આ દુર્ઘટના બની હતી. કેજરીવાલ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ખરગે સહિતના નેતાઓએ તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. હોસ્ટેલની અછતને કારણે વિદ્યાર્થીઓ જોખમી ઇમારતોમાં રહેવા મજબૂર હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. ઘટનાની ન્યાયિક તપાસની માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સત્ય નિકેતન બિલ્ડિંગ દુર્ઘટનામાં રાજકીય ઘમાસાણ, કેજરીવાલ-કોંગ્રેસે સરકારને ઘેરી

Delhi Building Collapse : દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક બહુમાળી ઇમારત ધરાશાયી થવાની ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટના બાદ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ કરાવવાની માંગ ઉઠાવી છે.

વિદ્યાર્થીઓ માટે સ્થિતિ જીવલેણ બની: રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ જણાવ્યું કે કાટમાળ હેઠળ દિલ્હી યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ દબાયા હોવાના અહેવાલ અત્યંત દર્દનાક અને ચિંતાજનક છે. તેમણે NDRF, ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓને યુદ્ધના ધોરણે કામગીરી કરી દરેક વિદ્યાર્થી સુધી પહોંચવા અને ઘાયલોને તાત્કાલિક શ્રેષ્ઠ સારવાર આપવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું કે કોલેજો અને યુનિવર્સિટીઓમાં યોગ્ય હોસ્ટેલ ન મળવાને કારણે વિદ્યાર્થીઓ અમાનવીય સ્થિતિમાં એક જ PGમાં 40-40ની સંખ્યામાં રહેવા મજબૂર બને છે. વિદ્યાર્થીઓનું જીવન પહેલાંથી જ સંઘર્ષમય હતું અને હવે આ સ્થિતિ જીવલેણ બની ગઈ છે.

ઘટનાની ન્યાયિક તપાસની કોંગ્રેસની માંગ

દિલ્હી કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર યાદવે આક્ષેપ કર્યો કે આ બિલ્ડિંગ અગાઉ સીલ કરવામાં આવી હતી, પરંતુ એક મહિના પહેલાં કોના આદેશથી સીલ ખોલવામાં આવ્યું તેની જવાબદારી MCD અને દિલ્હી સરકારે નક્કી કરવી જોઈએ. રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે જણાવ્યું કે હોસ્ટેલની અછતને લીધે વિદ્યાર્થીઓને જોખમી ઇમારતોમાં રહેવું પડે છે જે તેમની સુરક્ષા સાથે ગંભીર ચેડાં છે. આપ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને પણ તંત્ર અને MCDની ઘોર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરી ઉપરના અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી.

હોસ્ટેલની અછતે સર્જી કરુણાંતિકા: પ્રિયંકા અને ખરગે

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) એ કાટમાળમાં ફસાયેલા તમામ લોકો અને વિદ્યાર્થીઓની સલામતી માટે પ્રાર્થના કરી બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા જણાવ્યું હતું. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે (Mallikarjun Kharge) એ આ દુર્ઘટનાને ટાળી શકાય તેવી ગણાવતાં કહ્યું કે વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઘડવા દિલ્હી આવે છે, માથા પર છત મેળવવા માટે જીવ જોખમમાં મૂકવા નહીં. તેમણે કમિશનર, મેયર કે ઉપરાજ્યપાલ કક્ષાએથી જવાબદારી નક્કી કરવા ભાર મૂક્યો હતો.

બેઝમેન્ટમાં રિપેરિંગ દરમિયાન બની દુર્ઘટના, 6 લોકો બચાવાયા

દિલ્હી પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, આ ઇમારત આશરે 40-50 વર્ષ જૂની હતી, જેમાં એક બેઝમેન્ટ અને ઉપર પાંચ માળ આવેલા હતા. આ આખી ઇમારતનો ઉપયોગ પેઇંગ ગેસ્ટ (PG) તરીકે થતો હતો. બેઝમેન્ટમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું ત્યારે જ અચાનક આખી બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી. બચાવ દળોએ અત્યાર સુધીમાં કાટમાળમાંથી 6 લોકોને જીવતા બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે, જ્યારે બાકીના લોકોને બહાર કાઢવા માટે સર્ચ અને રેસ્ક્યુ કામગીરી સતત ચાલુ છે.