India

જંતર-મંતર પર રાજકીય ગરમાવો : કેજરીવાલ અને ડિમ્પલ યાદવ વાંગચુકને મળ્યા, મોદી સરકાર પર સાધ્યું નિશાન

By GS Team
16 Jul 20263 mins read
TukuTouch Logo
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જંતર-મંતર પર ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકની મુલાકાત લીધી હતી. કેજરીવાલે વાંગચુકને દેશના શિક્ષણ મંત્રી બનાવવાની માંગ કરી. તેમણે કહ્યું કે, જો સરકાર વાત નહીં સાંભળે તો 2029માં તેમની સરકાર પણ નહીં બચે. NEET પેપર લીક અને વિદ્યાર્થીઓની આત્મહત્યા પર ચિંતા વ્યક્ત કરતા, તેમણે આ સિસ્ટમ બદલવાની હાકલ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

જંતર-મંતર પર રાજકીય ગરમાવો : કેજરીવાલ અને ડિમ્પલ યાદવ વાંગચુકને મળ્યા, મોદી સરકાર પર સાધ્યું નિશાન

Arvind Kejriwal Meets Sonam Wangchuk : જંતર-મંતર પર ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુક સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપ (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવે મુલાકાત કરી હતી. કેજરીવાલે જણાવ્યું કે, તેઓ સોનમ વાંગચુકને સલામ કરે છે, જે દેશના બાળકોના ભવિષ્ય માટે ઉપવાસ કરી રહ્યા છે. આપણા દેશમાં એવા ઘણા શિક્ષકો અને લોકો છે, જેમણે પેપર લીક સામે અવાજ ઉઠાવ્યો અને જેલ ગયા, તેઓ તે તમામ સાહસિકોને પણ સલામ કરે છે.

'ધર્મેન્દ્ર પ્રધાનને હટાવીને વાંગચુકને શિક્ષણ મંત્રી બનાવવામાં આવે'

અરવિંદ કેજરીવાલે વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું, '4 એપ્રિલ 2011ના રોજ અહીં અન્ના હજારે બેઠા હતા. 2011 માં તત્કાલીન સરકાર (કોંગ્રેસના નેતૃત્વવાળી) ભારે અહંકારમાં હતી. ત્રણ વર્ષ પછી તેમની સરકાર બચી નહીં. આજે 2026 છે, જો સરકારે વાત ન સાંભળી તો 2029માં તેમની પણ સરકાર બચશે નહીં. ધર્મેન્દ્ર પ્રધાનને હટાવીને સોનમ વાંગચુકને દેશના શિક્ષણ મંત્રી બનાવવા જોઈએ. હું આ સરકારને કહું છું કે, કોકરોચ જનતા પાર્ટીની વાત સાંભળી લો, સોનમ વાંગચુકની વાત સાંભળી લો, નહીંતર આ સરકાર પણ બચશે નહીં. ધર્મેન્દ્ર પ્રધાને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.'

દેશના યુવાનો ક્યાં સુધી સહન કરશે?

અરવિંદ કેજરીવાલે દેશની વર્તમાન પરીક્ષા પ્રણાલી પર સવાલ ઉઠાવતા કહ્યું, 'નીટ (NEET) નું પેપર લીક થયું ત્યારે તેમણે શું કર્યું? 2024ના પેપર લીકનો જે માસ્ટરમાઇન્ડ હતો, તેને જામીન મળી ગયા. દેશનો યુવા ક્યાં સુધી આ બધું સહન કરશે? નીટ પરીક્ષાના વિવાદ બાદ 20 થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી, પરંતુ સરકારના પેટનું પાણી પણ હલ્યું નથી. તેમણે આરોપીઓ સામે યોગ્ય રીતે FIR સુધી નોંધી નથી, ધરપકડ તો દૂરની વાત છે.'

આ સિસ્ટમ બદલવી પડશે

કેજરીવાલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, 'જો આમને આમ ચાલતું રહ્યું, તો આવતા વર્ષે ફરી પેપર લીક થશે અને આવતા વર્ષે બાળકો ફરી આત્મહત્યા કરશે. આ સિસ્ટમને આપણે મૂળમાંથી બદલવી જ પડશે. લદ્દાખ અને દેશ માટે તેમણે (વાંગચુક) પહેલા પણ ઘણા ઉપવાસ કર્યા છે. હું દેશના ખૂણે-ખૂણાના લોકોને અપીલ કરવા માંગુ છું કે 20 જુલાઈના રોજ વધુમાં વધુ સંખ્યામાં અહીં પહોંચે.'

પેપર લીક થવાથી બાળકોનો આત્મવિશ્વાસ ડગમગ્યો

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું, 'મેં પણ IITની પરીક્ષા આપી હતી, પરંતુ તે દિવસોમાં ક્યારેય પેપર લીક થતા નહોતા. મારા બંને બાળકો પણ IIT માંથી ભણ્યા છે, અને તેમના સમયે પણ પેપર લીક થતા નહોતા. પરંતુ આજે છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે સતત પેપર લીક થઈ રહ્યા છે, તેનાથી બાળકોનો આત્મવિશ્વાસ ડગમગી રહ્યો છે. આ દેશના ભવિષ્ય માટે અત્યંત જોખમી બાબત છે. દર વર્ષે પેપર લીક થાય છે, કમિટી બને છે, એફઆઈઆર થાય છે, ધરપકડ થાય છે, જામીન મળી જાય છે, અને ફરી આવતા વર્ષે પેપર લીક થવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે.'