વિશ્વભરને સંદેશો સાથે પાકિસ્તાનને સુધરવાની ચેતવણી, જુઓ PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મહત્ત્વની વાતો

PM Modi to Address Nation : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધનું અભિયાન ‘ઓપરેશન સિંદૂર’ પાર પાડ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે વિશ્વભરને સંદેશો આપવાની સાથે પાકિસ્તાનને સુધરવાની ચેતવણી આપી છે. પીએમ મોદીએ સંબોધન દરમિયાન પાકિસ્તાન અને આતંકવાદ પર આકરા પ્રહારો કર્યા છે. આ સાથે તેમણે ભારતીય જવાનોનું મનોબળ પણ વધાર્યું છે. તેમણે ઓપરેશન સિંદૂર અંગે બોલતા કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર ન્યાયનો અખંડ સંકલ્પ છે. આતંકવાદીઓ અને તેમના આકાઓએ સિંદૂરને દૂર કરવાની કિંમત સમજી લીધી છે.’ તો આપણે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન વિશે કંઈ 10 મહત્ત્વની વાતો કહી, તે જાણીશું...
PM મોદીના સંબોધનની 10 મહત્ત્વની વાતો...
- વેકેશન મનાવી રહેલા નાગરિકોને તેમના પરિવારની સામે ધર્મ પૂછીને મારવા એ દેશની સદ્ભાવના તોડવાનો પ્રયાસ હતો.
- આજે દરેક આતંકી સંગઠનને જાણ થઈ ગઈ છે કે અમારી બહેન-દીકરીઓના માથેથી સિંદૂર હટાવવાનું પરિણામ શું હોય છે.
- ભારતના ડ્રોન અને મિસાઈલોએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના અડ્ડા પર હુમલા કર્યા, બહાવલપુર અને મુરીદકેમાં આતંકવાદની યુનિવર્સિટી રહી.
- આતંકવાદીઓએ અમારી બહેનોનું સિંદૂર મિટાવ્યું હતું, જેથી ભારતે આતંકવાદના અડ્ડા નષ્ટ કર્યા જેમાં 100વધુ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા.
- આંતકવાદ વિરુદ્ધ ભારતની કાર્યવાહીનો સાથ આપવાની જગ્યાએ પાકિસ્તાને શાળા-કોલેજો, ગુરુદ્વારા પર હુમલાના પ્રયાસ કર્યા.
- ભારતની એરડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનની મિસાઇલ અને ડ્રોન આકાશમાં જ નષ્ટ કર્યા, ભારતીય સેનાએ પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો અને જેના પર તેમને અભિમાન હતું તે એરબેઝને નુકસાન પહોંચાડ્યું.
- ભારતની આક્રમક કાર્યવાહી બાદ પાકિસ્તાન બચવા માટે દુનિયાભરમાં મદદ માંગવા લાગ્યું.
- અમે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી માત્ર સ્થગિત કરી છે, આગામી સમયમાં અમે પાકિસ્તાનના વલણની સમીક્ષા કરીશું. અમારી ત્રણેય સેના સતત ઍલર્ટ પર છે.
- હવેથી આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ અપાશે, ન્યુક્લિયર બ્લેકમેલ સાંખી નહીં લેવાય.
- પાકિસ્તાને બચવું હોય તો આતંકવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સફાયો કરવો જ પડશે, શાંતિનો આ એકમાત્ર રસ્તો છે.
આ પણ વાંચો : ભારતે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો, હવે PoK પર જ વાત થશે: PM મોદી
આ પણ વાંચો : PM મોદીએ અત્યાર સુધી રાત્રે 8 વાગ્યે 16 વખત કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, જુઓ યાદી

