ભારતે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો, હવે PoK પર જ વાત થશે: PM મોદી
PM Modi Addresses Nation : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને 7મેથી 10 મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સંબંધોન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ, ઓપરેશન સિંદૂરની સફળતા અને પીઓકે પર વાત કહી હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, હવે પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ અને પીઓકે પર જ વાત થશે.
આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા આખો દેશ એક થયો
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘તાજેતરમાં જ દેશનું સામાર્થ્ય અને સંયન બંને જોવા મળ્યા. હું સૌથી પહેલા દેશની સેનાઓ, ગુપ્તચર એજન્સીઓ અને વિજ્ઞાનીઓને સલામ કરું છું. આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વિરતા દેખાડી. આતંકવાદી હુમલા બાદ આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે તમામ નાગરિકો, તમામ વર્ગો અને તમામ રાજકીય પક્ષો એક સ્વરે ઉભા થયા. અમે ભારતીય સેનાને આતંકવાદીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા માટે તમામ ખુલ્લી છૂટ આપી દીધી.’
વડાપ્રધાને પાકિસ્તાનમાં સેનાના હુમલાનો કર્યો ઉલ્લેખ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂરને ભારતની તમામ દિકરીઓ, બહેનો અને માતા નામે પાર પડાયું. પહલગામમાં રજાઓ માણી રહેલા દેશવાસીઓને ધર્મ પૂછીને મારવામાં આવ્યા, જે દેશને તોડવાનો નિંદનીય પ્રયાસ હતો. ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ અને ટ્રેનિંગ સેન્ટરો પર ચોક્કસ પ્રહાર કર્યા છે. આતંકવાદીઓએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે, ભારત આટલો મોટો નિર્ણય લેશે. જ્યારે દેશ એક થાય છે, દેશ પહેલાની ભાવના ઉભી થાય છે અને રાષ્ટ્ર સર્વોપરી થાય છે, ત્યારે કડક નિર્ણયો લેવામાં આવે છે અને પરિણામ પણ દેખાડવામાં આવે છે.’
‘આતંકવાદીઓ અને તેમના આકાઓએ સિંદૂરને દૂર કરવાની કિંમત સમજી લીધી’
તેમણે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર ન્યાયનો અખંડ સંકલ્પ છે. આતંકવાદીઓ અને તેમના આકાઓએ સિંદૂરને દૂર કરવાની કિંમત સમજી લીધી છે. ભારતીય દળોએ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ અને તેમના તાલીમ કેન્દ્રો પર ચોક્કસ હુમલો કર્યો છે. આતંકવાદીઓએ સ્વપ્નમાં પણ કલ્પના કરી ન હતી કે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે. દુનિયામાં જ્યાં પણ મોટા હુમલા થયા છે, તે બધા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ સાથે જોડાયેલા છે. બહાવલપુર અને મુરીદકે વૈશ્વિક આતંકવાદની યુનિવર્સિટીઓ રહી છે.’
પાકિસ્તાને આતંક વિરુદ્ધ સાથ આપવાના બદલે ભારતને નિશાન બનાવ્યું
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ સાથ આપવાના બદલે ભારતને નિશાન બનાવ્યું. પાકિસ્તાને ભારત પર જ હુમલો કર્યો. પાકિસ્તાને મંદિરો, ગુરુદ્વારા પર હુમલો કરવા લાગ્યા. ભારતે પાકિસ્તાના ડ્રોનને પત્તાની જેમ ઉડાવી દીધા.’
‘પાકિસ્તાન નુકસાનીની કલ્પના જ નહીં કરી શકે’
તેમણે કહ્યું કે, ‘ભારતે કાર્યવાહી કરતા પાકિસ્તાન નિરાશામાં પડ્યું, હતાશ થઈ ગયું અને ગભરાઈ ગયું હતું. ભારતે જવાબી કાર્યવાહી કરી. ભારતે પાકિસ્તાનને એટલું નુકસાન પહોંચાડ્યું કે, તે તેની કોઈ કલ્પના જ નહીં કરી શકે. તેથી જ તેઓ બચવાના રસ્તાઓ શોધી રહ્યા છે, વિશ્વભરને વિનંતી કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ 10મી મેએ આપણી સેનાનો સંપર્ક કર્યો, જોકે ત્યાં સુધીમાં આપણી સેનાએ આતંકવાદને મોટું નુકસાન પહોંચી દીધું હતું.
ભારત પર આતંકવાદી હુમલો થશે, તો યોગ્ય જવાબ અપાશે : પીએમ મોદી
તેમણે કહ્યું કે, ‘અમે અમારી બદલાની કાર્યવાહી હાલ પૂરતી મુલતવી રાખી છે. આગામી દિવસોમાં આપણે જોઈશું કે પાકિસ્તાન કેવું વલણ અપનાવે છે. ભારતની ત્રણેય સેનાઓ અને બીએસએફ એલર્ટ પર છે. સર્જિકલ અને હવાઈ હુમલા પછી આતંકવાદ સામે ઓપરેશન ભારતની નીતિ છે. જો ભારત પર આતંકવાદી હુમલો થશે, તો યોગ્ય જવાબ અપાશે. અમે અમારી પોતાની શરતો પર જવાબ આપીશું. અમે દરેક જગ્યાએ કાર્યવાહી કરીશું જ્યાં આતંકવાદના મૂળ હશે. ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલને સહન કરશે નહીં. ભારત ચોકસાઈ અને નિર્ણાયકતા સાથે હુમલો કરશે.’
‘હવે પાકિસ્તાન સાથે વાત માત્ર આતંકવાદ અને પીઓકે પર જ થશે’
તેમણે કહ્યું કે, ‘હવે પાકિસ્તાન સાથે વાત થશે તો આતંકવાદ પર થશે, જો પાકિસ્તાન સાથે વાત થશે તો પીઓકે પર થશે. અમે યુદ્ધના મેદાનમાં તમામ વખતે પાકિસ્તાનને ધૂળ ચટાવી છે. આપણે આપણી ક્ષમતાઓનું શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઓપરેશન દરમિયાન મેડ ઈન ઈન્ડિયા હથિયારોએ પોતાને સાબિત કર્યા છે, જે દુનિયા જોઈ રહી છે. આપણી સૌથી મોટી તાકાત એ છે કે આપણે બધા આતંકવાદના તમામ સ્વરૂપો સામે એક થઈને રહીએ છીએ. આ યુદ્ધનો યુગ નથી પણ આ આતંકવાદનો યુગ પણ નથી. આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સ એ એક સારા વિશ્વની ગેરંટી છે. પાકિસ્તાની સેના અને સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે, જોકે તેઓ એક દિવસે પાકિસ્તાનને જ સમાપ્ત કરી દેશે. જો પાકિસ્તાને બચવું જ છે, તો તેણે આતંકવાદીના ઢાચાનો સફાયો કરવો પડશે. આના સિવાય શાંતિનો બીજો કોઈ રસ્તો નથી. આતંક અને વાતો એકસાથે ન થઈ શકે. આતંક અને ટ્રેડ એક સાથે ન ચાલી શકે. પાણી અને લોહી પણ એક સાથે ન વહી શકે.’
પીએમ મોદીનું સંબોધન LIVE
DGMO પરિષદમાં ઓપરેશન સિંદૂર વિશે અપાઈ માહિતી
આ પહેલા આજે બપોરે ભારતીય સેનાની ત્રણેય પાંખના ડીજીઓએ ઓપરેશન સિંદૂર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા તુર્કીયે ડ્રોન અને ચીનની મિસાઇલોને નષ્ટ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનના અન્ય ડ્રોનને અમારા શોલ્ડર ફાયર હથિયારો વડે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં. બીએસએફ જવાનો પણ અમારા આ અભિયાનમાં મજબૂતપણે જોડાયા હતા. તેઓની મદદથી પાકિસ્તાનની નાપાક હરકતોનો સામનો કરી શક્યા. ભારતીય નૌસેનાએ પણ એટલો જ સહકાર આપ્યો છે. અમે સતત સર્વેલન્સના આધારે પાકિસ્તાનની હિલચાલ પર નજર રાખતા રહ્યા. ભારતીય સેનાની ત્રણેય પાંખોની છાવણીઓ, એરફિલ્ડ, ડિફેન્સ યુનિટ સુરક્ષિત છે. તે આગળ જરૂર પડી તો કાર્યવાહી કરવા સક્ષમ છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન સતત બેઠકોમાં વ્યસ્ત રહ્યા
પહલગામ આતંકવાદી હુમલા દરમિયાન PM મોદી સાઉદી અરબની મુલાકાતે હતા, જેવા હુમલાના સમાચાર મળ્યા તેવી જ પોતાની યાત્રા અધવચ્ચે છોડી PM મોદી વતન પરત ફર્યા હતા અને હુમલાની વિગતો મેળવી હતી. ત્યારબાદ ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડા, સંરક્ષણ મંત્રાલય સાથે મળી સતત બેઠકો યોજી ઓપરેશન સિંદૂરની યોજના બનાવી હતી. આજે સવારે પણ વડાપ્રધાન મોદીએ ભારત-પાકિસ્તાનની સેનાના ડીજી સાથે વાર્તાલાપ કરતાં પહેલાં ઉચ્ચ સ્તરીય બેઠક હાથ ધરી હતી. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર સામેલ હતા. બેઠકમાં NSA અજિત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડા ઉપસ્થિત રહ્યા હતા.
ઓપરેશન સિંદૂરમાં 100 આતંકવાદીઓનો સફાયો
ભારતીય સેના દ્વારા 7 મેના રોજ સવારે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના નવ ઠેકાણાં પર ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતું. જેને મિસાઇલ્સ અને ડ્રોન દ્વારા નષ્ટ કરાયા હતા. જેમાં 100 જેટલા આતંકવાદીઓનો સફાયો થયો હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારતીય સેનાની આ કાર્યવાહી બાદ પાકિસ્તાની સેનાએ ભારતના 15 સૈન્ય સ્થળો પર હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા.