Get The App

નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
PM Modi Israel Visit

PM Modi Israel Visit: ભારત અને ઇઝરાયલ વચ્ચેની દોસ્તીમાં એક નવો અને ભાવુક અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા, તેણે સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચ્યું છે. ડિનર પહેલાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન મોદીને એક અનોખી સરપ્રાઈઝ આપી હતી. નેતન્યાહૂએ પશ્ચિમી પહેરવેશને છોડીને સફેદ શર્ટ પર લાઈટ ગ્રે રંગનું સ્લીવલેસ જેકેટ પહેર્યું હતું, જે ભારતીય 'નેહરુ જેકેટ' જેવું લાગતું હતું. આ દેશી લૂકમાં નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વીડિયો શેર કરતા હિન્દીમાં લખ્યું કે, 'મેં મારા મિત્ર પીએમ મોદીને ભારતીય પરિધાન પહેરીને ચોંકાવી દીધા.'

ઇઝરાયલની સંસદ 'નેસેટ'ને સંબોધનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન

આ મુલાકાતનું અન્ય એક મહત્ત્વનું પાસું પીએમ મોદીનું ઇઝરાયલની સંસદ 'નેસેટ'માં ઐતિહાસિક સંબોધન રહ્યું. તેઓ ઇઝરાયલની સંસદને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. નેસેટ પહોંચતા જ સ્પીકર અમીર ઓહાનાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીને 'સ્પીકર ઓફ ધ નેસેટ' મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે સન્માન તેમણે બંને દેશોની અતૂટ મિત્રતા અને લોકતાંત્રિક પરંપરાઓને સમર્પિત કર્યું હતું. આ સત્રમાં નેતન્યાહૂ અને વિપક્ષી નેતા યેર લેપિડની હાજરીએ એ સાબિત કર્યું કે ભારત સાથેના સંબંધો માટે ઇઝરાયલમાં પક્ષ-વિપક્ષ બંને એકમત છે.

આ પણ વાંચો: બ્રહ્મોસ કરતાં ખતરનાક 'ગોલ્ડન હોરાઈઝન' ભારતને મળશે: PM મોદી કરશે ઈઝરાયલ સાથે ઐતિહાસિક ડીલ

આતંકી હુમલા પર પીએમ મોદીની સંવેદના

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ભારત અને ઇઝરાયલ વચ્ચેના પ્રાચીન સભ્યતાના સંબંધોથી લઈને આધુનિક ટેકનોલોજી, સંરક્ષણ અને કૃષિ ક્ષેત્રની ભાગીદારી પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને સુરક્ષા અને આતંકવાદ સામેની લડાઈમાં બંને દેશોની 'ઝીરો ટોલરન્સ'ની નીતિને દોહરાવી હતી. 7 ઓક્ટોબરના આતંકી હુમલા પર સંવેદના વ્યક્ત કરતા પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આવી બર્બરતાને ક્યારેય યોગ્ય ઠેરવી શકાય નહીં. તેમણે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે ભારતના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. આ ઐતિહાસિક મુલાકાત માત્ર રાજદ્વારી સંબંધો જ નહીં, પરંતુ પીએમ મોદી અને નેતન્યાહૂ વચ્ચેની ગાઢ વ્યક્તિગત મિત્રતાનું પણ પ્રતીક બની રહી છે.

નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું 2 - image