India

‘PM મોદીએ આવું કહ્યું જ નથી’ વિપક્ષના ‘ગર્વ’ના કટાક્ષ પર રિજિજુએ શેર કરી ‘દિમાગી નક્સલીઓ’ની યાદી

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન મોદીના 'દિમાગી નક્સલ' નિવેદન પર રાજકીય ગરમાવો વધ્યો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરી કે, PMએ વિપક્ષને નહીં, પરંતુ દેશવિરોધી માનસિકતા ધરાવતા લોકોને 'દિમાગી નક્સલ' કહ્યા છે. આ નિવેદન લાલ કિલ્લા પરથી સ્વાતંત્ર્ય પર્વના ભાષણ દરમિયાન કરાયું હતું. કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે આ વિવાદ વચ્ચે ‘દિમાગી નક્સલ હોવા પર ગર્વ’ હોવાનું જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

‘PM મોદીએ આવું કહ્યું જ નથી’ વિપક્ષના ‘ગર્વ’ના કટાક્ષ પર રિજિજુએ શેર કરી ‘દિમાગી નક્સલીઓ’ની યાદી

PM Modi On Dimagi Naxal Statement Controversy : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘માઓવાદી માનસિકતા’ વાળા નિવેદન પર વિપક્ષી પક્ષો દ્વારા કરવામાં આવી રહેલી ટીકાઓનો કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, વડાપ્રધાને વિપક્ષી નેતાઓને ‘દિમાગી નક્સલ’ કહ્યા જ નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને તેમણે જણાવ્યું કે, લાલ કિલ્લા પરથી સ્વાતંત્ર્ય પર્વના ભાષણમાં વડાપ્રધાન વાસ્તવમાં કયા પ્રકારના તત્વોનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

કોણ છે ‘દિમાગી નક્સલ’? રિજિજુએ શેર કરી યાદી

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ (Kiren Rijiju)એ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘વડાપ્રધાને વિપક્ષી નેતાઓને નહીં પરંતુ દેશવિરોધી માનસિકતા ધરાવતા ચોક્કસ લોકોને દિમાગી નક્સલ ગણાવ્યા છે. દિમાગી નક્સલ એવા લોકો છે જે માઓવાદીઓનું સમર્થન કરે છે અને ભારતીય બંધારણને માનતા નથી, જેઓ અલગતાવાદીઓ સાથે ઊભા રહે છે અને કલમ 370નું સમર્થન કરે છે તેમજ જેઓ નોર્થ-ઈસ્ટ ભાગને ભારતથી અલગ કરવા માટે ચિકન નેક કાપવાના ષડયંત્રો ઘડે છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ પોતાના સંબોધનમાં આવા તત્વોને ઓળખીને તેમને અલગ-થલગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેના પગલે વિપક્ષમાં ભારે હોબાળો મચી ગયો છે.

દિમાગી નક્સલ હોવા પર ગર્વ : ચિદમ્બરમનો કટાક્ષ

આ સમગ્ર વિવાદ વચ્ચે વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ (P. Chidambaram)એ વડાપ્રધાનના ભાષણ તરફ ઈશારો કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમને ‘દિમાગી નક્સલ હોવા પર ગર્વ છે.’

લાલ કિલ્લા પરથી વડાપ્રધાને શું કહ્યું હતું?

પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું હતું કે, જંગલોમાં હથિયાર ઉપાડનારા નક્સલીઓનો સફાયો કરવામાં સફળતા મળી છે, પરંતુ દેશના જુદા-જુદા ભાગોમાં હજુ પણ ‘દિમાગી નક્સલ’ છે, જેમને ઓળખીને અલગ કરવા જરૂરી છે જેથી યુવાનોને વિકસિત ભારતના નિર્માણ માટે જોડી શકાય. તેમણે કહ્યું હતું કે, વર્ષોથી માઓવાદી વિચારધારા ધરાવતા લોકો જાહેર જીવન અને સરકારી સમિતિઓમાં પણ ઘૂસેલા હતા, જેણે ઘણી સંસ્થાઓને પ્રભાવિત કરી હતી. દેશ હથિયારબંધ નક્સલીઓથી મુક્ત બન્યો છે, પરંતુ આ વિચારધારા ધરાવતા લોકો હિંસા અને દેશને ગેરમાર્ગે દોરવાની નવી તકો શોધી રહ્યા છે.

રિજિજુના ટ્વિટ પર કોંગ્રેસે આપ્યો જવાબ

લાલ કિલ્લા પરના આ ભાષણ બાદ કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપતાં તેને માત્ર પોકળ રાજકીય નિવેદનબાજી ગણાવી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરાએ આક્ષેપ કર્યો કે, આ શબ્દનો કોઈ વાસ્તવિક અર્થ નથી. તેમણે ઉમેર્યું કે, બે-ત્રણ વર્ષ પહેલાં વિપક્ષીઓ માટે ‘અર્બન નક્સલ’ શબ્દ વાપરવામાં આવતો હતો, જે અંગે સંસદમાં પૂછવામાં આવતાં ગૃહમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે ‘અર્બન નક્સલ’ જેવી કોઈ વ્યાખ્યા હોતી નથી. હવે વડાપ્રધાન લાલ કિલ્લા પરથી પોતાના રાજકીય વિરોધીઓ માટે ‘મેન્ટલ નક્સલ’ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે.