- પેટ્રોલંમાં રૂ.2.61, ડીઝલમાં રૂ. 2.71નો વધારો : રાહત માટે વધુ એક ચૂંટણીની રાહ જોતી પ્રજા !
- બે અઠવાડિયામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 7.5 રૂપિયાનો ધરખમ વધારો : દૂધ, શાકભાજી અને કરિયાણા સહિતની ચીજો મોંઘી થશે
- પહેલા 3.14 રૂપિયા, પછી 90 પૈસાનો વધારો, પછી 87 પૈસા વધ્યા અને હવે રૂ.2.61નો વધારો કરાયો
નવી દિલ્હી : પ્રજા પર પેટ્રોલ-ડીઝલના સ્વરૂપમાં મોંઘવારીનો બોમ્બ ફાટયો છે. સોમવારે છેલ્લા બે પખવાડિયામાં ચોથી વખત પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો કરવામાં આવતા પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૨.૬૧ રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર ૨.૭૧ રુપિયા વધારાયો છે. આ સાથે દેશના મોટાભાગના રાજ્યો અને શહેરોમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ પ્રતિ લિટર ૧૦૦ રૂપિયાને વટાવી ગયો છે તો ક્યાંક તેની અત્યંત નજીક છે.
આના પગલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૭.૫નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારાના પગલે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ.૯૯.૫૧થી રૂ. ૨.૬૧ વધી રૂ. ૧૦૨.૧૨ થયો છે. જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૯૨.૪૯થી વધીને રૂ. ૯૫.૨૦ થયો છે. આમ ઇંધણના ભાવ મે ૨૦૨૨ પછીના ટોચના સ્તર પર પહોંચ્યા છે. આ સિવાય સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલો ચાર રૂપિયા સુધીનો વધારો કરી દેવાયો છે.
પેટ્રોલના ભાવ પહેલી વખત ૧૫ મેના રોજ પ્રતિ લિટર ત્રણ રૂપિયા સુધી વધારાયા હતા. તેના પછી ૧૯ મેના રોજ ૯૦ પૈસા વધારાયા હતા, તેના પછી વધુ એક વધારો ૨૩ મેના રોજ આવ્યો હતો ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ પ્રતિ લિટર ૮૭ અને ૯૧ પૈસા વધારવામાં આવ્યા હતા.
સોમવારના વધારા સાથે મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૧૧૧.૨૧ પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૯૭.૮૩ થઈ ગયો છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલનો ભાવ વધીને પ્રતિ લિટર રૂ. ૧૧૩.૫૧ અને ડીઝલનો ભાવ રૂ. ૯૯.૫૨ થઈ ગયો છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૧૦૭.૭૭ અને ડીઝલનો ભાવ રૂ.૯૯.૫૫ પ્રતિ લિટર થયો છે.
પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલરોએ પણ સરકારી કંપનીઓની સમકક્ષ જ ભાવ વધાર્યા હતા. પહેલા પાંચ રૂપિયાનો વધારો કરી ચૂકેલી નાયરાએ પ્રતિ લિટર પાંચ રૂપિયા અને ત્રણ રૂપિયા વધાર્યા છે. જ્યારે શેલે એપ્રિલથી પેટ્રોલમાં પ્રતિ લિટર રૂ. ૭.૪૧ અને ડીઝલમાં પહેલી એપ્રિલથી અત્યાર સુધીમાં પ્રતિ લિટર રૂ. ૨૫નો વધારો કર્યો છે.
ઇંધણના ભાવમાં વધારો થવાના લીધે ભારતનો રિટેલ ફુગાવો માર્ચના ૩.૪૦થી વધીને એપ્રિલમાં ૩.૪૮ થયો હતો. જ્યારે જથ્થાબંધ ફુગાવો ૪૨ મહિનાની ઊંચી સપાટી ૮.૩ ટકા થયો હતો. આટલા ઊંચા વધારાનું મુખ્ય કારણ ઇંધણ ખર્ચ અને ઉર્જાખર્ચનો હિસ્સો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના પગલે મોંઘવારીની આખી સાઇકલ શરૂ થશે. તેના કારણ દૂધના ભાવથી માંડીને શાકભાજીના ભાવ, ખાદ્યતેલના ભાવ અનાજ-કરિયાણુ દરેક વસ્તુ મોંઘી થશે. સામાન્ય પ્રજાનું જીવન દોહ્યલુ બની જશે. લોકો કહી રહ્યા છે કે પેટ્રોલના ભાવ ચૂકવીએ કે ઘર ચલાવીએ.
કેન્દ્ર સરકારે ૨૦૨૪માં લોકસભા ચૂંટણી પહેલાં પ્રતિ લિટર બે રુપિયાનો ઘટાડો આપ્યો હતો અને તેના પછી બે વર્ષ સુધી ભાવ સ્થિર રહ્યા હતા તેના પછીનો આ નોંધપાત્ર વધારો છે. આ ભાવવધારો પાછો ત્યારે થયો છે જ્યારે અમેરિકા-ઇરાન યુદ્ધ વચ્ચેનું અંત આવવાની સંભાવનાએ ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ૮૫ ડોલરની આસપાસ છે. કેન્દ્ર સરકાર આ બધી કવાયત આયાત બિલમાં નોંધપાત્ર ઘટાડો કરવા કરી રહી છેે.
પીએમ મોદીએ ઇંધણ સમજીને મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવા અપીલ કરી છે. તેના પગલે સરકારી વિભાગોમાં પણ કરકસરની હોડ મચી છે. ઇકરાના કોર્પોરેટ રેટિંગ્સના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ગુ્રપ હેડ પ્રશાંત વશિષ્ટના જણાવ્યા મુજબ રિટેલ ભાવના તાજેતરના વધારા છતાં પણ ઓએમસીની અંડરરિકવરી ઘણી ઊંચી છે. આ તો પેટ્રોલ-ડીઝલની વાત થઈ, ગેસની તો હજી અહીં વાત જ કરવામાં આવી નથી. ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૧૨૦થી ૧૨૫ ડોલર હતો ત્યારે ઓએમસીની ૭૦૦થી ૮૦૦ કરોડ રૂપિયાની ખોટ પ્રતિ દિન જતી હતી.
દેશમાં પેટ્રોલનો સૌથી ઓછો ભાવ ઉત્તરાખંડમાં અને સૌથી વધુ ભાવ આંધ્રમાંં
નવી દિલ્હી : કેન્દ્રએ તાજેતરમાં ભાવમાં વધારો કરતાં દેશના મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પ્રતિ લિટર ૧૦૦ રૂપિયાને વટાવી ગયા છે. દેશમાં પેટ્રોલનો સૌથી ઓછો ભાવ ઉત્તરાખંડમાં પ્રતિ લિટર રૂ. ૧૦૦.૬૨ અને સૌથી ઊંચો ભાવ આંધ્રમાં રૂ. ૧૧૭.૩૫ છે. ઉત્તરપ્રદેશમાં જોઈએ તો પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૧૦૨.૭૬, પશ્ચિમ બંગાળમાં રૂ. ૧૧૪.૨૦, આંધ્રમાં રૂ. ૧૧૭.૩૫, આસામમાં રૂ. ૧૦૬.૨૧, મધ્યપ્રદેશમાં રૂ. ૧૧૫.૭૭, બિહારમાં રૂ. ૧૧૪.૭૯, રાજસ્થાનમાં રૂ. ૧૧૩.૯૩ પર પહોંચી ગયું છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૧૧૩.૦૫, દિલ્હીમાં રૂ. ૧૦૨.૧૧, છત્તીસગઢમાં રૂ. ૧૦૯.૫૯, ગુજરાતમાં ૧૦૨.૯૨, હરિયાણાં રૂ. ૧૦૩.૫૭, હિમાચલ પ્રદેશમાં રૂ. ૧૦૬.૬૪, જમ્મુ-કાશ્મીરમાં રૂ. ૧૦૮.૪૭ થયો છે. ઝારખંડમાં પેટ્રોલનો ભાવ આજથી પ્રતિ લિટર રૂ. ૧૦૭.૦૨, કેરળમાં રૂ. ૧૧૪.૩૧, મણિપુરમાં રૂ. ૧૧૪.૭૬, મિઝોરમમાં રૂ. ૧૦૪.૭૪, ઓડિશામાં રૂ. ૧૧૦.૩૦, પંજાબમાં રૂ. ૧૦૫.૯૦, સિક્કીમમાં રૂ. ૧૦૯.૮૮,તેલંગણામાં રૂ. ૧૧૬.૮૮, ત્રિપુરામાં રૂ. ૧૦૪.૮૯, ઉત્તરાખંડમાં પ્રતિ લિટર રૂ. ૧૦૦.૯૬ છે. આંધ્ર, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, કેરળ, મધ્યપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગણા અને પશ્ચિમ બંગાળમાં ડીઝલની કિંમત પ્રતિ લિટર રૂ. ૧૦૦ને વટાવી ગઈ છે. ગુજરાતના રાજકોટમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૧૦૦.૦૧ છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજી પણ વધારાની સંભાવના
ભાવવધારા છતાં ઓઈલ કંપનીઓને રોજની રૂ. 600 કરોડની ખોટ
- ભાવવધારો કરાયો તે પૂર્વે ઓઇલ કંપનીઓને રોજની રૂ.1,000 કરોડની ખોટ જતી હતી
નવી દિલ્હી : પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે તાજેતરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે અને આ ચોથો વધારો છે. આમ છતાં પણ ઓઇલ કંપનીઓને રોજની રૂ. ૬૦૦ કરોડની ખોટ જઈ રહી છે, જે એક સમયે દૈનિક ધોરણે રૂ. ૧૦૦૦ કરોડ હતી. તેમણે જણાવ્યું હતું કે ૧૫ મે સુધી ઓઇલ કંપનીઓની દૈનિક ખોટ રૂ. ૧,૦૦૦ કરોડ હતી. તાજેતરમાં ચાર રાઉન્ડા ભાવવધારામાં કુલ પ્રતિ લિટર રૂ. ૭.૫નો ભાવવધારો કરવામાં આવતા આ ખોટ ઘટીને રૂ. ૬૦૦ કરોડ થઈ છે, પણ ખોટ જારી છે. તેમણે જણાવ્યું હતું કે આ ખોટમાં એલપીજીના વેચાણ પર થતી ખોટનો પણ સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે એલપીજી એટલે કે રાંધણગેસ આમ પણ સબસિડાઇઝ ભાવે વેચવામાં આવે છે. તેના ખર્ચ અને વેચાણ ભાવ વચ્ચેનો તફાવત સરકાર શોષી લે છે. બીજી બાજુએ પેટ્રોલ-ડીઝલ અંકુશમુક્ત ઉત્પાદન છે. તેનો ભાવ બજારના પરિબળો નક્કી કરે છે. ઇરાન યુદ્ધના લીધે સરકારી ઓઇલ કંપનીઓએ આંતરિક ખર્ચમાં થયેલા ૫૦ ટકા વધારા છતાં હજી સુધી ભાવ વધાર્યો ન હતો,જે હવે વધારવામાં આવ્યો છે.


