India

આ રાજ્યની સરકારે 'અનાથ-વિધવા સેસ' લગાવતા પેટ્રોલ-ડીઝલ મોંઘા, આવી નોબત કેમ આવી?

By GS Team
12 Aug 20263 mins read
TukuTouch Logo
હિમાચલ પ્રદેશમાં સુક્ખુ સરકારે આર્થિક સંકટને પગલે પેટ્રોલ-ડીઝલ પર 60 પૈસા પ્રતિ લિટર 'વિધવા અને અનાથ સેસ' લગાવ્યો છે. 12 ઓગસ્ટથી લાગુ થયેલા આ નવા ટેક્સથી રાજ્યમાં ઇંધણ મોંઘું બન્યું છે. વિધવાઓ અને અનાથોના કલ્યાણ માટે કાયમી ફંડ ઊભું કરવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. વિપક્ષ અને ડીલરોએ આ પગલાંનો વિરોધ કર્યો છે, કારણ કે તેમને મહેસૂલ ઘટવાનો ડર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આ રાજ્યની સરકારે 'અનાથ-વિધવા સેસ' લગાવતા પેટ્રોલ-ડીઝલ મોંઘા, આવી નોબત કેમ આવી?

Himachal Pradesh Petrol News : આર્થિક સંકટ સામે ઝઝૂમતી હિમાચલ સરકારે પેટ્રોલ-ડીઝલ પર 60 પૈસા પ્રતિ લિટર 'વિધવા અને અનાથ સેસ' લાદ્યો છે. જાણો શા માટે લાગ્યો આ નવો ટેક્સ અને તમારી ખિસ્સા પર આની શું અસર પડશે.

સુક્ખુ સરકારના આ નવા ટેક્સ પર કેમ મચ્યો બબાલ?

હિમાચલ પ્રદેશમાં વાહનચાલકોને હવે મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. સોમવાર, 12 ઓગસ્ટથી રાજ્યમાં વેચાતું પેટ્રોલ અને ડીઝલ 60 પૈસા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે. આની પાછળ ક્રૂડ ઓઇલના ભાવ કે મોંઘવારી કારણ નથી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલો એક નવો ટેક્સ છે, જેને 'વિડો એન્ડ ઓર્ફન સેસ' (વિધવા અને અનાથ ઉપકર) નામ આપવામાં આવ્યું છે.

શું છે 'વિડો એન્ડ ઓર્ફન સેસ' અને કેટલો લાગશે?

રાજ્યના કર અને આબકારી વિભાગે રાજ્યના વેટ (VAT) કાયદા હેઠળ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સેસ તેલ કંપનીઓ દ્વારા ડીલરોને વેચવામાં આવતા બળતણની પ્રથમ વેચાણ પર જ લાગુ થઈ જશે. હાલમાં આ સેસ 60 પૈસા પ્રતિ લિટર છે, પરંતુ કાયદા અનુસાર સરકાર પાસે તેને 5 રૂપિયા પ્રતિ લિટર સુધી વધારવાનો અધિકાર છે.

શા માટે લાદવામાં આવ્યો આ સેસ?

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ માર્ચ 2026માં વિધાનસભામાં આ સેસ સંબંધિત બિલ રજૂ કર્યું હતું. આનો હેતુ રાજ્યમાં વિધવાઓ અને અનાથો માટે ચાલી રહેલી કલ્યાણકારી યોજનાઓ ચલાવવા માટે એક એવું કાયમી ફંડ ઊભું કરવાનો હતો, જે બજેટ પર નિર્ભર ન રહે.

પેટ્રોલ પંપ ડીલર્સે ઉઠાવ્યા સવાલ, વિપક્ષે પણ ઘેર્યા

પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને સરકારના આ પગલાંને 'અયોગ્ય' ગણાવ્યું છે. ડીલરોને ડર છે કે ભાવવધારાના કારણે લોકો પડોશી રાજ્યોમાંથી બળતણ ખરીદવાનું શરૂ કરી શકે છે, જેનાથી રાજ્યને વધારાના ફાયદાના બદલે મહેસૂલનું નુકસાન થશે. એસોસિએશને સરકારને એ પણ પૂછ્યું છે કે રાજ્યમાં કેટલી વિધવાઓ અને અનાથો છે તથા આ પૈસા ખર્ચ કરવાનો વાસ્તવિક પ્લાન શું છે, જેનો સરકારે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.

બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે આ ટેક્સ વધારા પર સરકારને ઘેરતા આનું ગણિત સમજાવ્યું છે. તેમણે કહ્યું કે હિમાચલમાં ડીઝલ પર પહેલાથી જ બે વાર 3-3 રૂપિયાનો વેટ વધારવામાં આવ્યો છે. નવા સેસ અને વેટને મિલાવીને ડીઝલ પર કુલ 15.40 રૂપિયાનો વધારાનો ટેક્સ લાદવામાં આવી ચૂક્યો છે. ઠાકુરનો અંદાજ છે કે સરકાર આ ટેક્સમાંથી વાર્ષિક 1,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરશે, જે સામાન્ય માણસ, વેપારીઓ, ખેડૂતો અને ડ્રાઇવરોની ખિસ્સા પર સીધી તરાપ છે.

આ ટેક્સમાં એક મોટી વિડંબના એ પણ છે કે આ સેસ એ વિધવાઓ, અનાથ બાળકોનું પાલનપોષણ કરતા પરિવારો, મુશ્કેલીથી ગુજરાન ચલાવતા ટેક્સી ડ્રાઇવરો અને ખેડૂતો પાસેથી પણ વસૂલવામાં આવશે, જેમના કલ્યાણના નામે આ બનાવવામાં આવ્યો છે.

આખરે સરકારને કેમ લેવો પડ્યો આ નિર્ણય?

હિમાચલ પ્રદેશ હાલમાં ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્યની સ્થિતિને આ આંકડાઓથી સમજી શકાય છે:

રાજ્ય પર કુલ દેવું 1,04,000 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે.

નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્યને 13,000 કરોડ રૂપિયા ચૂકવવાના છે, પરંતુ સરકારની યોજના માત્ર 10,000 કરોડ રૂપિયા ઉધાર લેવાની છે, જેનાથી 3,000 કરોડ રૂપિયાની સીધી ખાધ ઊભી થઈ રહી છે.

16મા નાણા પંચે 2026 થી 2031 સુધી રેવેન્યુ ડેફિસિટ ગ્રાન્ટ (મહેસૂલ ખાધ અનુદાન) ને સંપૂર્ણપણે બંધ કરવાની ભલામણ કરી છે. આનાથી રાજ્યને પાંચ વર્ષમાં 35,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થશે.

આ પહેલા સરકારી કર્મચારીઓને પગાર મળવામાં વિલંબ થઈ ચૂક્યો છે. રાજ્યમાં 'ટોયલેટ ટેક્સ' અને અધિકારીઓના પગારમાં 30 ટકા કાપ જેવા પ્રસ્તાવ પર પણ ચર્ચા થઈ ચૂકી છે.

અન્ય કેટલાક રાજ્યોમાં પણ લાગે છે આવો ટેક્સ

કલ્યાણકારી અને વિકાસ યોજનાઓ માટે ઇંધણ પર સેસ લાદવો એ કોઈ નવી વાત નથી. અન્ય કેટલાક રાજ્યો પણ આવું કરે છે:

કેરળ: સામાજિક સુરક્ષા માટે 2 રૂપિયા પ્રતિ લિટર સેસ (એપ્રિલ 2023થી).

આંધ્ર પ્રદેશ અને ઝારખંડ: રોડ ડેવલપમેન્ટ/ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1 રૂપિયો પ્રતિ લિટર સેસ.

જમ્મુ-કાશ્મીર: રોજગાર યોજનાઓ માટે 1.50 રૂપિયા પ્રતિ લિટર સેસ.

આ સિવાય ગોવા (0.5%), મધ્ય પ્રદેશ (1%), નાગાલેન્ડ (2 રૂપિયા) અને ત્રિપુરા (3%) પણ પર્યાવરણ, રોડ કે કલ્યાણકારી યોજનાઓના નામે આવા ટેક્સ વસૂલે છે. જોકે, હિમાચલ પ્રદેશ દેશનું પહેલું એવું રાજ્ય છે જેણે ખાસ કરીને 'વિધવાઓ અને અનાથો'ના નામે આ ટેક્સ લાદ્યો છે.