mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

અહંકારી બની ગયેલા લોકોને ભગવાન રામે 241એ જ અટકાવી દીધા : ઈન્દ્રેશ કુમાર

Updated: Jun 15th, 2024

અહંકારી બની ગયેલા લોકોને ભગવાન રામે 241એ જ અટકાવી દીધા : ઈન્દ્રેશ કુમાર 1 - image


- ભાગવત પછી આરએસએસના વધુ એક નેતાનો પ્રહાર : સંઘ-ભાજપમાં મતભેદો સપાટી પર આવ્યા

- આરએસએસ સાથે મુસ્લિમોને જોડવાનું કામ કરનારા ઈન્દ્રેશ નિષ્ફળ ગયા હોવાથી દોષનો ટોપલો ભાજપના માથે નાંખે છે : સત્યેન્દ્ર દાસ

- રામની ભક્તિનો સંકલ્પ લેનારા આજે સત્તા પર છે : વિવાદ થતાં ઇન્દ્રેશકુમારનો યુટર્ન

- રામની ભક્તિ કરી અહંકારી બની ગયેલાને બહુમત ના મળ્યો, રામના વિરોધીઓને એકસાથે 234 પર ફસકી પડયા : ઈન્દ્રેશ

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ ૨૪૦ બેઠક સુધી સિમિત રહી ગયા પછી આરએસએસ અને ભાજપ વચ્ચેના મતભેદો હવે સપાટી પર આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝરે ભાજપની આકરી ટીકા કર્યા પછી હવે સંઘના વધુ એક નેતાએ ભાજપ વિરુદ્ધ બળાપો વ્યક્ત કર્યો છે. આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારે ભાજપને 'અહંકારી' અને ઈન્ડિયા બ્લોકને 'રામ વિરોધી' ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, રામ બધા સાથે ન્યાય કરે છે. ભગવાન રામે અહંકારી બની ગયા હતા તેમને ૨૪૧ બેઠકો પર અટકાવી દીધા જ્યારે રામનો વિરોધ કરનારાને એક સાથે ૨૩૪ પર રોકી દીધા.  

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈન્દ્રેશ કુમારે જણાવ્યું કે, રામ બધા સાથે ન્યાય કરે છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં જેમણે રામની ભક્તિ કરી, પરંતુ તેમનામાં અહંકાર આવી ગયો. તે પાર્ટીને સૌથી મોટો પક્ષ બનાવી દીધો, પરંતુ તેને જે પૂર્ણ બહુમત મળવો જોઈએ તેનાથી તેને વંચિત રાખ્યો. ભગવાન અહંકારના કારણે ભાજપને બહુમતની આ શક્તિ આપી નહીં. ભગવાને કોઈને પણ તાકત આપી નહીં. બધા મળીને પણ નંબર-૧ બની શક્યા નહીં. નંબર-૨ પર જ ઊભા રહી ગયા.

જોકે, જયપુર પાસે કાનોતામાં રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારંભમાં ઈન્દ્રેશ કુમારે કોઈ પક્ષનું નામ લીધું નહોતું પરંતુ તેમનો ઈશારો સ્પષ્ટરૂપે ભાજપ અને ઈન્ડિયા ગઠબંધન તરફ હોવાનું જોઈ શકાતું હતું. તેમણે ભાજપના સંદર્ભમાં કહ્યું કે, જે પક્ષે ભગવાન રામની ભક્તિ કરી, પરંતુ અહંકારી બની ગયા તેમને ૨૪૧ પર અટકાવી દીધા. બીજીબાજુ ઈન્ડિયા બ્લોકનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, જેમની ભગવાન રામમાં કોઈ આસ્થા જ નહોતી તેમને બધાને એક સાથે ૨૩૪ પર અટકાવી દીધા. લોકતંત્રમાં આ ભગવાન રામનો ન્યાય છે.

ઈન્દ્રેશ કુમારે અયોધ્યામાં ભાજપના પરાજય અંગે પણ વાત કરી હતી. અયોધ્યામાં પરાજય અંગે ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહ પર પણ ઈન્દ્રેશ કુમારે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, જે રામની ભક્તિ કરે પછી અહંકાર કરે, જે રામનો વિરોધ કરે, તેમનું કલ્યાણ આપમેળે જ થઈ ગયું. જેણે જનતા પર અત્યાચાર કર્યા, રામજીએ તેને પાંચ વર્ષ માટે આરામ કરવા મોકલી દીધા.સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કેટલાક દિવસ પહેલા જ કહ્યું હતું કે, સાચો 'સેવક' અહંકારી હોઈ શકે નહીં .આ સાથે સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝરમાં પણ ભાજપની ટીકા કરતા કહેવાયું હતું કે, લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપના અતિવિશ્વાસુ કાર્યકરો અને નેતાઓ માટે રિયાલિટી ચેક સમાન છે.  

દરમિયાન શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ મહારાજે ઈન્દ્રેશ કુમારના નિવેદન પર ટીપ્પણી કરતાં તેમની ઝાટકણી કાઢી હતી. સત્યેન્દ્ર દાસે કહ્યું કે, હકીકતમાં ઈન્દ્રેશ કુમાર પોતાની નિષ્ફળતા છુપાવવા બીજા પર દોષનો ટોપલો નાંખી રહ્યા છે.

 ઈન્દ્રેશજી હિન્દુ-મુસ્લિમ એકતા માટે પ્રયત્નો કરતા રહ્યા, પરંતુ હકીકતમાં એવું કશું થયું નહીં. મુસ્લિમોએ ભાજપને મત આપ્યા જ નહીં. ભાજપે ૫૦૦ વર્ષનો વિવાદ ખતમ કરીને રામ મંદિર બનાવડાવ્યું. ખામી ભાજપમાં નથી, ઈન્દ્રેશજીના પ્રયત્નોમાં છે. પીએમ મોદી અથવા સીએમ યોગીને અભિમાની કહેવા ખોટું છે. ઈન્દ્રેશ કુમાર આરએસએસની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય છે અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંરક્ષક છે. તેમણે ૨૦૦૨માં મુસ્લિમોને સંઘની વિચારધારા સાથે જોડવા મુસ્લિમ રાષ્ટ્રીય મંચની સ્થાપના કરી હતી.

ઈન્દ્રેશ કુમારના નિવેદનથી આરએસએસે અંતર જાળવ્યું

ભાગવતનું 'સેવક'નું નિવેદન સરકાર વિરોધી નહોતું : સંઘ

નાગપુર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કહ્યું હતું કે, સાચો સેવક અહંકારી હોઈ શકે નહીં. વધુમાં ચૂંટણીમાં એકબીજાની ઝાટકણી કાઢવી, ટેક્નોલોજીનો ખોટો ઉપયોગ અને જુઠ્ઠાણાં ફેલાવવા યોગ્ય નથી. ભાગવતના આ  નિવેદનના વિપક્ષ અલગ અલગ અર્થ કાઢી રહ્યો છે. આવા સમયે હવે આરએસએસે સ્પષ્ટ કરી દીધું છે કે સંઘ પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન સરકારની ટીકા કરવા મુદ્દે નહોતું. વધુમાં સંઘે શુક્રવારે ઈન્દ્રેશ કુમારના આકરા નિવેદનથી પણ અંતર જાળવ્યું હતું.

સૂત્રો મુજબ સંઘનું કહેવું છે કે ઈન્દ્રેશ કુમારનું નિવેદન તેમનો વ્યક્તિગત મત છે. આ નિવેદન આરએસઅસનું સત્તાવાર સ્ટેન્ડ નથી. 

Gujarat