Pawan Khera Bail Denied by HC : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી FIR મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાને મોટો કાયદાકીય ફટકો પડ્યો છે. ગુવાહાટી હાઈકોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે, જેના કારણે તેમની ધરપકડની તલવાર લટકી રહી છે.
કોર્ટમાં શું થઈ દલીલો?
પવન ખેડા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે આ કેસ રાજકીય દ્વેષભાવથી પ્રેરિત છે. તેમણે કોર્ટને ખાતરી આપી હતી કે ખેડા દેશ છોડીને ભાગી જાય તેવો કોઈ ખતરો નથી, તેથી તેમની ધરપકડની કોઈ જરૂર નથી.
બીજી તરફ, આસામના એડવોકેટ જનરલે આ જામીનનો સખત વિરોધ કરતા જણાવ્યું હતું કે, આ માત્ર માનહાનિનો કેસ નથી પરંતુ દસ્તાવેજોની જાળસાજી અને છેતરપિંડી સાથે જોડાયેલો ગંભીર ગુનો છે. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપીને વચગાળાની સુરક્ષા આપવી જોઈએ નહીં કારણ કે તેમના દેશ છોડી ભાગી જવાની શક્યતા છે.
શું છે સમગ્ર વિવાદ?
પવન ખેડાએ આક્ષેપ કર્યો હતો કે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના પત્ની રિંકી ભુઈયા શર્મા પાસે એકથી વધુ પાસપોર્ટ છે. આ આક્ષેપો બાદ રિંકી ભુઈયાએ ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. અગાઉ તેલંગાણા હાઈકોર્ટે ખેડાને ટ્રાન્ઝિટ બેલ આપ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે તે આદેશ પર રોક લગાવી દીધી હતી.


