Explainer: ભારતીયોને હાઈટેક ઈ-પાસપોર્ટ મળશે, જાણો વિવિધ સિક્યોરિટી ફીચર્સ ધરાવતા આ પાસપોર્ટ કેવા હશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Electronic Passport: ભારત સરકાર દેશના નાગરિકો માટે અત્યાધુનિક તકનીકથી સજ્જ નવી પેઢીના ઇલેક્ટ્રોનિક પાસપોર્ટ (ઇ-પાસપોર્ટ) લાવી રહી છે. 'પાસપોર્ટ સેવા કાર્યક્રમ 2.0' નામના આ અભિયાન હેઠળ નવા પાસપોર્ટમાં સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક સુધારા કરાયા છે. આ પહેલના ભાગરૂપે ‘રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન’ (RFID) ચિપ જેવી અદ્યતન ટેકનિકનો ઉપયોગ કરાયો છે, જે પાસપોર્ટ સંબંધિત છેતરપિંડીને અટકાવશે.
નકલખોરી વિરુદ્ધ મજબૂત ઢાલ
પાસપોર્ટની મદદથી છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે ઇ-પાસપોર્ટને અનેક સુરક્ષા ફીચર્સથી સુસજ્જ કરાયા છે. તેમાં ખાસ કરીને ઇન્ટરલોકિંગ માઇક્રોલેટર્સ, રિલીફ ટિન્ટ્સ અને અન્ય ગુપ્ત ચિહ્નોનો સમાવેશ થાય છે. સૌથી મહત્ત્વપૂર્ણ સુધારો એ છે કે દરેક પાસપોર્ટમાં એક RFID ચિપ ઇન્સ્ટોલ કરાઈ છે, જેમાં પાસપોર્ટ ધારકની બાયોમેટ્રિક માહિતી (જેમ કે ફોટો, આંગળીના નિશાન) અને અન્ય વ્યક્તિગત વિગતોને એન્ક્રિપ્ટેડ (એનકોડેડ) સ્વરૂપમાં સંગ્રહિત રહેશે. આ તમામ ફીચર્સ ઈન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઈઝેશન (ICAO) દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન કરે છે.
પ્રવાસનો અનુભવ સરળ અને ઝડપી બનાવશે
ઇ-પાસપોર્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઇમિગ્રેશન કાઉન્ટર પર 'કોન્ટેક્ટલેસ' ડેટા રીડિંગની સુવિધા મળશે. એટલે કે પાસપોર્ટને સ્કેનર પાસે લઈ જવાથી જ તેની માહિતી વાંચી શકાશે, જેથી પ્રક્રિયા ઝડપી અને વધુ કાર્યક્ષમ બને. આ ઉપરાંત ફિઝિકલ પાસપોર્ટ વારંવાર હાથમાં લેવાથી જે ઘસારો લાગે છે એ પણ ઇ-પાસપોર્ટને નહીં લાગે, તેથી ઇ-પાસપોર્ટ વધુ ટકાઉ બનશે. ઇ-પાસપોર્ટને લીધે પાસપોર્ટ સંબંધિત છેતરપિંડી અને એક વ્યક્તિ દ્વારા એકથી વધુ પાસપોર્ટ રાખવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.
‘પાસપોર્ટ સેવા કાર્યક્રમ 2.0’ AI થી સુસજ્જ
'પાસપોર્ટ સેવા કાર્યક્રમ 2.0' આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર આધારિત છે, જેથી તે પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાને સરળ અને વધુ પારદર્શક બનાવશે. તેમાં AI ચેટબોટ અને વોઇસ બોટ્સ દ્વારા અરજદારોને માર્ગદર્શન મળશે, ઓનલાઈન ફોર્મ ઓટો-ફિલ થશે અને દસ્તાવેજો પણ અપલોડ કરી શકાશે. UPI અને QR કોડ આધારિત ચુકવણીની સુવિધાએ પણ આ પ્રક્રિયાને સહેલી બનાવી છે. આ પદ્ધતિ ડિજિલોકર, આધાર કાર્ડ અને PAN જેવા પ્લેટફોર્મ સાથે સંકલિત છે, જેથી દસ્તાવેજોની પ્રામાણિકતા તપાસવી સરળ થઈ છે.
દેશના ખૂણેખૂણે આ સેવા પહોંચશે
પાસપોર્ટ સેવાની પહોંચ વ્યાપક બનાવવા સરકારે દેશભરમાં 37 પ્રાદેશિક પાસપોર્ટ કચેરીઓ, 93 પાસપોર્ટ સેવા કેન્દ્રો અને 451 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો સ્થાપિત કર્યા છે. દૂરના વિસ્તારોમાં રહેતા લોકો સુધી પહોંચવા માટે મોબાઈલ પાસપોર્ટ સેવા વાન પણ શરૂ કરાઈ છે. હાલ દેશના 543 લોકસભા મત વિસ્તારોમાંથી માત્ર 32 જ વિસ્તાર એવા છે, જેમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર નથી. આગામી છ મહિનામાં તમામ વિસ્તારોમાં આ સેવાઓ પહોંચાડવાની યોજના છે.








