India

પાકિસ્તાનની નાપાક હરકત, સરહદ પર તહેનાત કરી 250 તોપો, ભારતે આપી ચેતવણી

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાને સરહદ પર 250 ચીની SH-15 હોવિત્ઝર તોપો તૈનાત કરતા ભારતે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, ભારત રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરશે. ઓપરેશન સિંદૂરનો દાખલો આપતા તેમણે કહ્યું કે, સીમાપારનો આતંકવાદ બંધ થવો જોઈએ. PoKમાં ચૂંટણીને ઢોંગ ગણાવી, ભારત સંપૂર્ણપણે સતર્ક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનની નાપાક હરકત, સરહદ પર તહેનાત કરી 250 તોપો, ભારતે આપી ચેતવણી

Pakistan Deploys 250 Chinese Howitzers: પાકિસ્તાન દ્વારા ભારતને અડીને આવેલી સરહદ પર ચીનની કંપની નોરિંકો (Norinco) પાસેથી ખરીદેલી લગભગ 250 SH-15 સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝર તોપોની તૈનાતીના અહેવાલો વચ્ચે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. મંગળવારે વિદેશ મંત્રાલય (MEA)ના વીકલી મીડિયા બ્રીફિંગ દરમિયાન પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આત્મરક્ષણમાં જે પણ જરૂરી પગલું હશે, ભારત તે ચોક્કસ ઉઠાવશે. પાકિસ્તાન દ્વારા પોતાના તોપખાનાના આધુનિકીકરણ યોજના હેઠળ કરવામાં આવેલી તૈનાતી અંગેના પ્રશ્નનો જવાબ આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, 'ઓપરેશન સિંદૂર વખતે તમે જોયું હતું કે, અમે જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારત રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરશે.'

ભારતનું વલણ સ્પષ્ટ

રણધીર જયસ્વાલે વધુમાં ઉમેર્યું કે, 'સીમાપારના આતંકવાદને લઈને ભારતનું વલણ સંપૂર્ણપણે સ્પષ્ટ છે. સીમાપારથી આતંકવાદ બંધ થાય તે જરૂરી છે, અને દેશની સુરક્ષા તથા રાષ્ટ્રીય હિત માટે જે પણ પગલાં ભરવા પડશે તે અમે ભરીશું. ભારત આ માટે સતર્કતાથી તૈનાત છે.' રણધીર જયસ્વાલે પાકિસ્તાન ઓક્યુપાઇડ જમ્મૂ-કાશ્મીર (PoK) માં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણપણે ઢોંગ ગણાવી હતી. તેમણે કહ્યું કે, જૂન મહિનાથી અત્યાર સુધી પાકિસ્તાની દળોની કાર્યવાહીમાં ઓછામાં ઓછા 90 નાગરિકોના મોત થયા છે. પાકિસ્તાન ત્યાંની જનતાના વિરોધ અને અસંતોષને ગોળીઓ, બ્લેકઆઉટ અને દમન દ્વારા દબાવી રહ્યું છે.

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને થયું હતું મોટું નુકસાન

મે 2025ના ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની આર્ટીલરીને મોટું નુકસાન પહોંચ્યું હતું. પોતાની આ જ સૈન્ય નબળાઈઓને દૂર કરવા માટે રાવલપિંડીએ ચીનની કંપની નોરિંકો પાસેથી આ 250 સિસ્ટમ્સ હાંસલ કરી છે. આ પગલું ચીન અને પાકિસ્તાન વચ્ચે ગાઢ થઈ રહેલા સંરક્ષણ સંબંધો અને સંયુક્ત સૈન્ય અભ્યાસોને દર્શાવે છે. 6x6 આર્મર્ડ ટ્રક ચેસિસ પર લાગેલી આ 155mm/52-કેલિબરની હોવિત્ઝર તોપ રોડ પર 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે, જે 53 થી 72 કિલોમીટર સુધી રોકેટ-આસિસ્ટેડ ગોળા દાગી શકે છે. આ સિસ્ટમનું ઓટોમેટેડ ફાયર-કંટ્રોલ અને હાઇડ્રોલિક સિસ્ટમ કાઉન્ટર-બેટરી રડારથી બચતા ઝડપથી સ્થાન બદલવામાં મદદ કરે છે.

ભારત પાસે સુરક્ષિત સિસ્ટમ

પાકિસ્તાનની આ હાઇ-મોબિલિટી તોપ સિસ્ટમ સરહદ પર ભારતના સૈન્ય મથકો અને લોજિસ્ટિક રૂટ્સને પોતાની રેન્જમાં લે છે. ભારત પાસે ટ્રેક્ડ K-9 વજ્ર જેવી સુરક્ષિત સિસ્ટમ્સ છે, પરંતુ પાકિસ્તાનની વ્હીલ્ડ મોબિલિટી તેને સરસાઈ આપે છે. જોકે, ગંભીર આર્થિક તંગી વચ્ચે આટલી મોટી સંખ્યામાં તોપોની જાળવણી કરવી પાકિસ્તાન માટે મોટો પડકાર બની રહેશે.