સમુદ્રમાં ભારતીય જહાજ સાથે ટકરાતા પાક. જહાજનો કચ્ચરઘાણ વળી ગયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અરબ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાં પાક.નો અટકચાળો
- ભારતીય યુદ્ધપોત સમુદ્રમાં દેખરેખ રાખી રહ્યું હતું ત્યારે પૂર ઝડપે આવેલા પાકિસ્તાની જહાજે ટક્કર મારી
- પાકિસ્તાન હાઇ કમિશન સમક્ષ ભારતે મુદ્દો ઉઠાવ્યો સીડીએને સમન્સ પાઠવીને જવાબ માગ્યો
નવી દિલ્હી : પાકિસ્તાન દ્વારા ફરી ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ થયો છે, સમુદ્રમાં ભારતીય વોરશિપ સાથે પાકિસ્તાન નેવીનું જહાજ ટકરાયું હતું. ઉત્તર અરબ સમુદ્રમાં ભારતીય નેવીના ફ્રન્ટલાઇન યુદ્ધપોત સાથે પાકિસ્તાન નેવીના જહાજના ટકરાવાની આ ઘટનાની ભારતે ટીકા કરી છે. એટલુ જ નહીં આ મુદ્દે પાકિસ્તાનના પદાધિકારીઓ સમક્ષ વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે.
એવા અહેવાલો છે કે ઉત્તર અરબ સમુદ્રમાં ભારતીય નેવીનું ફ્રન્ટલાઇન યુદ્ધપોત નિયમિત દેખરેખ માટે કામ પર તૈનાત કરાયું હતું. આ દરમિયાન જ પાકિસ્તાની નેવીનું એક જહાજ ઝડપથી ભારતીય યુદ્ધપોત સાથે ટકરાયું હતું. પાકિસ્તાનનું જે જહાજ ટકરાયું તેનું નામ પીએનએસ હુનૈન હોવાનું સામે આવ્યું છે.
જોકે આ ટક્કરમાં ભારતીય યુદ્ધપોતને બહુ નુકસાન નથી થયું પરંતુ પાકિસ્તાની જહાજને ભારે નુકસાન થયું હોવાના અહેવાલો છે.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. જે બાદ બન્ને દેશો સામસામે આવી ગયા હતા અને ડ્રોન હુમલા થવા લાગ્યા હતા. આ ઘટના બાદ બન્ને દેશો વચ્ચે શસ્ત્ર વિરામ જાહેર કરાયો હતો, જોકે આ શસ્ત્ર વિરામ વચ્ચે પાકિસ્તાન દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં દેશોના જહાજો વચ્ચે કેટલુ અંતર રાખવાનું હોય તેને લઇને ભારત-પાક. વચ્ચે કરારો થયા છે જેનો પાકિસ્તાન દ્વારા ભંગ કરાયો છે. ભારતે આ સમગ્ર મુદ્દો પાકિસ્તાની ચાર્જ અફેર્સ સીડીએ સમક્ષ ઉઠાવ્યો છે. પાકિસ્તાન હાઇ કમિશનમાં સાદ વેરિકને ભારતીય અધિકારીઓ દ્વારા સમન્સ પાઠવીને જવાબ માગવામાં આવ્યો છે.




