VIDEO : પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા શુભમના ઘરે પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યું- ‘શહીદનો દરજ્જો અપાવીશું’
Rahul Gandhi Meet Shubham Dwivedi Family in Kanpur : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પહલગામ હુમલામાં મૃત્યુ પામેલ શભમનના કાનપુર સ્થિત ઘરે પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે શુભમને શ્રદ્ધાંજલી પાઠવવાની સાથે તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. રાહુલ પર નજર પડ્યા બાદ શુભમની પત્ની એશન્યા રડવા લાગી હતી, ત્યારે રાહુલે એશન્યાને સાંત્વના પાઠવી છે.
પહલગામમાં કોઈ સિક્યોરિટી નહોતી : મૃતક શુભમની પત્ની એશન્યા
રાહુલે પહલગામ હુમલા અંગે પૂછતા એશન્યાએ કહ્યું કે, પહલગામમાં કોઈ સિક્યોરિટી નહોતી. આતંકવાદીઓ આવ્યા અને ધર્મ પૂછી ફાયરિંગ કરવા લાગ્યા. રાહુલે શુભમના પરિવારજનોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. બીજીતરફ રાહુલે હુમલામાં જીવ ગુમાવનારાઓ માટે એક વિશેષ સત્ર બોલાવવાની પણ વાત કહી છે.
શુભમને શહીદનો દરજ્જો અપાવવા માટે સંસદમાં મુદ્દો ઉઠાવીશ : રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વ્યક્તિગત મુલાકાત કરીશ. શુભમને શહીદનો દરજ્જો અપાવવા માટે સંસદમાં મુદ્દો ઉઠાવીશ. ત્યારબાદ શુભમના પરિવારે રાહુલને કહ્યું કે, ‘તમે પણ પિતા ગુમાવ્યા છે, તેથી તમારાથી વધુ અમારું દર્દ કોઈ નહીં સમજી શકે.’ પરિવારની વાત સાંભળતા જ રાહુલ ભાવુક થઈ ગયા હતા.
‘આજે મારા દાદી વડાપ્રધાન હોત તો...’
કોંગ્રેસ સાંસદે કહ્યું કે, મારા દાદી આજે વડાપ્રધાન હોત તો અત્યાર સુધીમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળી ગયો હોત. રાહુલ શુભમના ઘરે લગભગ 28 મિનિટ રોકાયા હતા, ત્યારબાદ તેઓ ચકેરી એરપોર્ટ પરથી દિલ્હી રવાના થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ પણ શુભમના ઘરે પહોંચશે અને પરિવારજનો સાથે મુલાકાત કરશે.
શુભમના પિતા અને પત્નીએ શું કહ્યું ?
રાહુલ ગાંધીને મળ્યા બાદ મૃતક શુભમ દ્વિવેદીના પિતા સંજય દ્વિવેદીએ કહ્યું કે, શુભમને શહીદનો દરજ્જો આપવામાં આવે. રાહુલે કહ્યું કે, ‘મેં સંસદમાં વિશેષ સત્રનું આયોજન કરવા માટે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. પ્રિયંકા ગાંધીએ પણ મારી સાથે વીડિયો કૉલ પર વાત કરી મારી માંગને યોગ્ય કહી છે.’ પ્રિયંકાએ કહ્યું કે, હું સરકાર પર દબાણ કરીશ અને શુભમને શહીદનો દરજ્જો અપાવવા માટે તેમની સાથે વાત કરીશ. બીજીતરફ શુભમના પત્ની એશન્યાએ રાહુલને કહ્યું કે, ‘અમારી એક જ માંગ છે, શુભમને શહીદનો દરજ્જો મળવો જોઈએ. તો રાહુલે કહ્યું કે, તેઓ આ મુદ્દાને આગળ લઈ જશે.
લગ્ન બાદ શુભમ પરિવાર સાથે કાશ્મીર ગયા હતા
કાનપુરના રહેવાસી શુભમ દ્વિવેદીના લગ્ન 12 ફેબ્રુઆરીએ થયા હતા. તેઓ 16 એપ્રિલે તેમની પત્ની અને આખા પરિવાર સાથે એક અઠવાડિયાની રજા માણવા માટે કાશ્મીર ગયા હતા. 22 એપ્રિલે આતંકવાદીઓએ પહેલગામમાં શુભમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.