બાંગ્લાદેશના હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને આખરે જામીન, છ મહિનાથી જેલમાં બંધ હતા
Chinmoy Das Bangladesh Case Update : બાંગ્લાદેશની હાઇકોર્ટે આજે (30 એપ્રિલ) હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપ્યા છે, તેઓ દેશદ્રોહના કેસમાં છેલ્લા પાંચ મહિનાથી જેલમાં બંધ હતા. જોકે હજુ પણ તેઓ જેલમાં જ રહેશે, તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે સુપ્રીમ કોર્ટ જામીનના આદેશ પર રોક લગાવી શકે છે. વાસ્તવમાં ચિન્મય કૃષ્ણ દાસ દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ ન્યાયાધીશ મોહમ્મદ ઉતાઉર રહમાન અને ન્યાયાધીશ મોહમ્મદ અલી રજાની બેંચે અરજી પર સુનાવણી હાથ ધરી આ આદેશ પસાર કર્યો છે.
ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કેમ કરવામાં આવી હતી?
બાંગ્લાદેશના ચટગાંવમાં ઑક્ટોબર-2024માં ‘સનામત જાગરણ મંચ’ નામથી રેલી યોજાઈ હતી, જેમાં ચિન્મય દાસે સંબોધન કર્યું હતું. તે જ દિવસે ન્યુ માર્કેટ વિસ્તારમાં ભગવો ધ્વજ લહેરાયો અને તેમાં લખ્યું હતું કે, આમી સનાતની. થોડા દિવસો બાદ બીએનપી નેતા ફિરોજ ખાને આક્ષેપ કર્યો હતો કે, આ ધ્વજની ઘટનાના કારણે દેશના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થયું છે. ત્યારબાદ ચિન્મય દાસ સહિત 19 લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયો હતો, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન માત્ર બાંગ્લાદેશ જ નહીં, ભારત સહિત અનેક દેશોમાં તેમની ધરપકડનો વિરોધ થયો હતો.
ચિન્મય કૃષ્ણ દાસ કોણ છે?
ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના પ્રમુખ નેતા અને ઈસ્કોન ચટગાંવના પુંડરીક ધામના અધ્યક્ષ છે. તેમનું અસલી નામ ચંદન કુમાર ધર છે, તેમને લોકો ચિન્મય પ્રભુ નામથી પણ ઓળખે છે. તે બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારો વિરુદ્ધ સશક્ત અવાજ ઉઠાવતા રહ્યા છે. બાંગ્લાદેશમાં ઈસ્કોન(ISKCON)ના 77થી વધુ મંદિર છે અને લગભગ 50 હજારથી વધુ લોકો આ સંગઠનથી જોડાયેલા છે.
ધરપકડથી જામીન સુધીનો ઘટનાક્રમ
- 25-11-2024 : ઢાકા ઍરપોર્ટ પરથી ચિન્મય દાસની ધરપકડ કરવામાં આવી હતી.
- 26-11-2024 : તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા..
- 02-01-2025 : આ દિવસથી 11 ડિસેમ્બર સુધી તેમની જામીન અરજી રદ કરવામાં આવી હતી.
- 03-04-2025 : વકીલોએ ફરી હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
- 30-04-2025 : હાઇકોર્ટે જામીન આપ્યા પણ મુક્તિનો નિર્ણય હજુ થયો નથી, કારણ કે સુપ્રીમ કોર્ટ જામીન પર રોક લગાવી શકે છે.
આ પણ વાંચો : દેશભરમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે, કેબિનેટમાં લેવાયો નિર્ણય