Balotra Refinery Fire Break Out: રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં આવેલી ઓઇલ રિફાઇનરી પચપદરામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. PM નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 21 એપ્રિલે આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના હતા, તેના બરાબર એક દિવસ પહેલા જ રિફાઇનરીના એક યુનિટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે રિફાઇનરીના પ્લાન્ટમાંથી કાળા ધુમાડાના ઊંચા ગોટેગોટા આકાશમાં જોવા મળી રહ્યા છે. આગ લાગતાં જ રિફાઇનરી પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, કલાકોને મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
વડાપ્રધાન મોદીનો રાજસ્થાન પ્રવાસ રદ, લોકાર્પણ મોકૂફ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પદપદરા રિફાઈનરીનું આવતીકાલે એટલે કે મંગળવારે લોકાર્પણ કરવાના હતા, પરંતુ આગ લાગવાના કારણે વડાપ્રધાન મોદીનો રાજસ્થાન પ્રવાસ રદ કરાયો છે. રિફાઈનરમાં આગ લાગ્યા બાદ 20થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો.
આ પણ વાંચો : BREAKING: જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
રાહત અને બચાવ કામગીરી ચાલુ
ઘટનાની જાણ થતાં જ રિફાઇનરીના કર્મચારીઓએ ફાયર સેફ્ટી સિસ્ટમ એક્ટિવ કરી દીધી હતી. ફાયર ફાઇટરોની અનેક ટીમો આગ પર કાબૂ મેળવવા માટે કલાકો સુધી પ્રયાસો કર્યા હતા. હાલમાં આ આગ કયા કારણોસર લાગી છે તેનું સત્તાવાર કારણ બહાર આવ્યું નથી. ઉદ્ઘાટન પહેલા જ બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.
આવતીકાલે PM મોદી આપવાના હતા ભેટ
ઉલ્લેખનીય છે કે 21 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મેગા પ્રોજેક્ટનું લોકાર્પણ થવાનું હતું. આ રિફાઇનરી ભારતની સૌથી મોટી અને આધુનિક રિફાઇનરીઓમાંની એક માનવામાં આવે છે.


