India

ચોમાસું સત્ર પહેલા વિપક્ષની વ્યૂહનીતિ સ્પષ્ટ: બંધારણ સુધારા અને સીમાંકન બિલનો વિરોધ કરશે કોંગ્રેસ

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકારને ઘેરવા કોંગ્રેસે રણનીતિ ઘડી છે. પાર્ટીએ સીમાંકન, 'વન નેશન, વન ઈલેક્શન', FCRA સુધારા સહિતના બિલનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસે સરકાર પર બિલ અંગે માહિતી ન આપવાનો આક્ષેપ કર્યો છે. 19 જુલાઈએ સર્વપક્ષીય બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ કરાશે. કોંગ્રેસ આ માટે અન્ય વિપક્ષોને એક કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસું સત્ર પહેલા વિપક્ષની વ્યૂહનીતિ સ્પષ્ટ: બંધારણ સુધારા અને સીમાંકન બિલનો વિરોધ કરશે કોંગ્રેસ

Parliament Monsoon Session : સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારને ઘેરવા માટે કોંગ્રેસે વ્યૂહનીતિ ઘડી કાઢી છે. પાર્ટીની સંસદીય વ્યૂહરચના સમિતિની લગભગ દોઢ કલાક સુધી બેઠક યોજાઈ હતી. ત્યારબાદ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ અને સાંસદ નાસિર હુસેને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, અમારી પાર્ટી સરકારના મુખ્ય વિધેયકોનો વિરોધ કરશે. કોંગ્રેસે કહ્યું કે, સીમાંકન, બંધારણીય સુધારો, 'વન નેશન, વન ઈલેક્શન', એફસીઆરએ સુધારો અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદામાં સૂચિત ફેરફારોનો વિરોધ કરશે.

સરકારે વિધેયકો અંગે કોઈ માહિતી આપી નથી: કોંગ્રેસનો આક્ષેપ

કોંગ્રેસે એવું પણ કહ્યું કે, ચોમાસા સત્ર દરમિયાન કયા-કયા વિધેયકો રજૂ કરવામાં આવશે, તેની સરકારે કોઈ ઔપચારિક માહિતી આપી નથી. આ જ કારણે બેઠકમાં સંભવિત વિધેયકોની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. 19 જુલાઈએ સર્વપક્ષીય બેઠકમાં સરકાર પાસે સંભવિત વિધેયકો અંગે માહિતી માંગવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ માંગવામાં આવશે.

સર્વપક્ષીય બેઠકનું કોઈ મહત્ત્વ રહ્યું નથી !

કોંગ્રેસે સર્વપક્ષીય બેઠકની પ્રક્રિયા પર પણ વાંધો ઉઠાવ્યો છે. જયરામ રમેશે કહ્યું કે, ‘હવે આવી બેઠકનું કોઈ મહત્ત્વ રહ્યું નથી, તે માત્ર ઔપચારિક બની ગઈ છે. બેઠકમાં નેતાઓ પોતાની રજૂઆત કરે છે, પરંતુ આખરે કોઈ અન્ય જ નિર્ણય લે છે. આ ઉપરાંત વિપક્ષની સલાહને પણ ગંભીરતાથી લેવામાં આવતી નથી.’

‘વિધેયકોનો વિરોધ કરવા આખા વિપક્ષને એક કરીશું’

કોંગ્રેસે કહ્યું કે, જો સરકાર સીમાંકન વિધેયક લાવશે તો અમે તેનો જોરશોરથી વિરોધ કરીશું. આ માટે કોંગ્રેસ આખા વિપક્ષને એક કરવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત બંધારણમાં ફેરફાર કરવાના કોઈપણ પ્રસ્તાવનો વિરોધ કરવામાં આવશે. જયરામ રમેશે આક્ષેપ કર્યો છે કે, ભાજપ રાજકીય પક્ષોને તોડીને અને અન્ય પ્રયાસો કરીને લોકસભામાં બે-તૃતિયાંશ બહુમતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપની આ નીતિ બંધારણની ભાવનાઓ વિરુદ્ધની છે અને તેનો કોંગ્રેસ હંમેશા વિરોધ કરશે.

'વન નેશન, વન ઈલેક્શન' અને અન્ય વિધેયકોથી પણ કોંગ્રેસને વાંધો

કોંગ્રેસની બેઠકમાં 'વન નેશન, વન ઈલેક્શન' સંબંધિત પ્રસ્તાવ તેમજ તે માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના રિપોર્ટ પર પણ ચર્ચા કરવામાં આવી છે. કોંગ્રેસે કહ્યું કે, અમે આ પ્રસ્તાવનો પણ વિરોધ કરીશું. આ ઉપરાંત સાંસદો, વિધાયકો, મુખ્યમંત્રીઓ, વડાપ્રધાનની ચૂંટણી એક સાથે યોજવાને લગતા વિધેયકનું પણ સમર્થન કરવામાં નહીં આવે. કોંગ્રેસનું કહેવું છે કે પ્રધાનમંત્રી અન્ન યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાના આધારે જ ચાલે છે, તેથી તેમાં સૂચિત ફેરફારો બિલકુલ યોગ્ય નથી.

કોંગ્રેસ વિપક્ષના સંપર્કમાં

કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે, અમારી પાર્ટી સીમાંકનનો પહેલેથી વિરોધ કરી રહેલા તમામ વિપક્ષોના સંપર્કમાં છે. સંસદની અંદર અને બહાર તેનો વિરોધ કરવા માટે સંયુક્ત વ્યૂહરચના ઘડવામાં આવશે. કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું કે, અમારી પાર્ટી સંસદના ચોમાસા સત્રમાં જે મુખ્ય વિધેયકો લાવવાની સંભાવના છે, તેમાંથી કોઈનું પણ સમર્થન કરવાની સ્થિતિમાં નથી.