'સર' કામગીરીએ હરિયાણામાં ૩૫ વર્ષ અગાઉ છૂટા પડેલા ભાઈઓને ભેગા કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

(પીટીઆઈ) જિન્દ(હરિયાણા) : પોતાના પોલિઓ રોગની સારવારના ખર્ચનો બોજ કુટુંબના માથે નાખવા નહિ માગતો હોવાથી ૩૫ વર્ષ અગાઉ હરિયાણાના જિન્દ જિલ્લામાં કુટુંબને છોડીને જતો રહેલો ભાઈ, પંજાબમાં ચાલી રહેલી મતદાર-યાદીની 'સર'(સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રિવિઝન) ની કામગીરીના પરિણામે એના વતનના જિલ્લામાં પાછો આવતા, એનું પરિવાર સાથે પુનર્મિલન થઈ શક્યું છે.
અમૃતસરના સીતારામ (૫૫) નામના આ સજ્જન બુધવારે જિન્દ જિલ્લાના માનોહારપુર ગામ સ્થિત ગવર્નમેન્ટ સિનિયર સેકન્ડરી શાળામાં આચાર્યને મળ્યા હતા. તેઓ 'સર'(સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રિવિઝન) ની કામગીરીમાં ચકાસણી માટે જરૂરી શાળા છોડયાનું પ્રમાણપત્ર (લિવિંગ સર્ટિફિકેટ) મેળવવા માટે શાળામાં ગયા હતા.
મદદનીશ ચૂંટણી નોંધણી અધિકારી રમેશકુમારે કહ્યું કે જ્યારે સીતારામ શાળામાં આવ્યા ત્યારે પોતે પણ ત્યાં જ હતા.
રામે એમને જણાવ્યું કે તેઓ ધોરણ-૧૦ સુધી શાળામાં ભણ્યા, પરંતુ પરીક્ષા પાસ કરી નથી. આથી 'સર'(સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રિવિઝન) ના કામ માટે લિવિંગ સર્ટિફિકેટની જરૂર પડતા એમણે શાળામાં આવવાનું થયું છે.
રમેશકુમારે એ પછી, સીતારામના ગામના જ બૂથ લેવલ અધિકારી ક્રિષ્ણકુમારને રામના ગામ તથા કુટુંબસંબંધી વિગતો મેળવવાની સૂચના આપી.
રામે ક્રિષ્ણને કહ્યું કે એમનું ગામ મનોહારપુર છે, જ્યારે એમના ભાઈનું નામ દલબીર છે. યોગાનુયોગ, ક્રિષ્ણ, દલબીરના પરિચિત હોવાથી એમને ફોન કરીને શાળાએ મળવા માટે બોલાવ્યા.
દલબીરે ક્રિષ્ણને ફોન પર કહ્યું કે રામ, વર્ષોથી છૂટો પડી ગયેલો એમનો ભાઈ છે. પોતે એમને મળવા શાળામાં આવી રહ્યા છે એમ પણ દલબીરે ઉમેર્યું.
દલબીર શાળાએ પહોંચતા જ રામ અને એમની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી. બંને ભાઈઓ હેતપૂર્વક ભેટી પડયા. ત્યાં ઉપસ્થિત બધા લોકો આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા.
રામે કહ્યું કે એમના કુટુંબે ૩૫ વર્ષો અગાઉ પોતાને પોલિઓની સારવાર માટે પંજાબના સંગરૂર સ્થિત પોલિઓ સારવાર કેન્દ્રમાં દાખલ કર્યા હતા. જો કે કુટુંબ પર સારવાર-ખર્ચનું ભારણ પડે નહિ એ માટે પોતે, કુટુંબીજનોની ગેરહાજરીમાં સારવાર-કેન્દ્ર છોડીને અન્યત્ર જતા રહ્યા હતા, એમ એમણે ઉમેર્યું.




