Get The App

પાકિસ્તાનના 13 લડાકુ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનના 13 લડાકુ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન 1 - image

Operation Sindoor:  ગયા વર્ષે પહલગામમાં થયેલા ઘાતકી આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના જવાબમાં ભારતે પાકિસ્તાની આતંકી ઠેકાણાઓ અને તેમના સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિરુદ્ધ આ અત્યંત ગુપ્ત અને પ્રચંડ ઓપરેશન પાર પાડ્યું હતું. એક વર્ષ પૂર્ણ થવા પર થલ સેના, વાયુસેના અને નૌસેનાના ઉચ્ચ અધિકારીઓએ આ ઓપરેશનની સફળતાની વિગતો જાહેર કરી છે.

પાકિસ્તાનને પહોંચાડેલું ભારે નુકસાન

લેફ્ટિનન્ટ જનરલ રાજીવ ઘઈ, એર માર્શલ અવધેશ ભારતી અને વાઇસ એડમિરલ એએન પ્રમોદે સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, આ ઓપરેશન આતંકવાદ સામે ભારતની દૃઢ ઇચ્છાશક્તિનું પ્રતીક છે. આ ઓપરેશન દરમિયાન ભારતે પાકિસ્તાનના 13 વિમાન તોડી પાડ્યા હતા અને 11 સૈન્ય બેઝને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ ઓપરેશનમાં 100થી વધુ પાકિસ્તાની સૈનિકોને ઠાર કરવામાં આવ્યા હતા.

આત્મનિર્ભર ભારતની તાકાત: 65% સ્વદેશી હથિયારોનો વપરાશ

લેફ્ટિનન્ટ જનરલ રાજીવ ઘઈ(તત્કાલીન DGMO)એ જણાવ્યું કે, આ ઓપરેશનમાં 65 ટકાથી વધુ સંરક્ષણ ઉપકરણો સ્વદેશી હતા, જે આત્મનિર્ભર ભારતની વધતી શક્તિ દર્શાવે છે. સરકારે સેનાને સંપૂર્ણ 'પ્રોફેશનલ ફ્રીડમ' અને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા, જેના કારણે પાકિસ્તાનની તમામ નપાક હરકતોને જડબાતોડ જવાબ આપી શકાયો. પાકિસ્તાન એટલું મજબૂર બન્યું હતું કે તેણે ઓપરેશન રોકવા માટે અપીલ કરવી પડી હતી." 

તેમણે વધુમાં ઉમેર્યું કે 'ઓપરેશન સિંદૂર' એ અંત નથી, પણ એક નવી શરૂઆત છે.


વાયુસેના અને 'જીવો અને જીવવા દો'ની નીતિ

એર માર્શલ અવધેશ ભારતીએ જણાવ્યું કે ભારતીય સેના હંમેશા 'જીવો અને જીવવા દો'(Live and Let Live)ની ફિલસૂફીમાં માને છે, પરંતુ જ્યારે કોઈ અમારી શાંતિને નબળાઈ માને છે ત્યારે તેને નિર્ણાયક જવાબ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, જ્યારે ભારતનું પહેલું હથિયાર પાકિસ્તાની ટાર્ગેટ પર ત્રાટક્યું ત્યારે શહીદ પરિવારોને આંશિક ન્યાય મળ્યો હતો. વાયુસેના હાલમાં 'મિશન સુદર્શન ચક્ર' હેઠળ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે.

નૌસેનાએ પાકિસ્તાની સમુદ્રી માર્ગો પર મેળવ્યું નિયંત્રણ

વાઈસ એડમિરલ એએન પ્રમોદે (DGNO) ખુલાસો કર્યો કે આ ઓપરેશનમાં ભારતીય નૌસેનાએ બેટલ કેરિયર ગ્રુપ, સબમરીન અને અન્ય સંપત્તિઓ તૈનાત કરી હતી. નૌસેનાએ સ્ટ્રાઇક્સમાં સક્રિય ભાગ લેવા ઉપરાંત પાકિસ્તાનના વ્યાપારી માર્ગોને પણ નિયંત્રિત કર્યા હતા, જેનાથી પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું હતું.

ભારતીય સશસ્ત્ર દળોએ સ્પષ્ટ કર્યું છે કે ભારત હવે આતંકવાદ વિરુદ્ધ 'ઝીરો ટોલરન્સ'ની નીતિ પર ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં પણ કોઈપણ પડકારનો સામનો કરવા સંપૂર્ણ સજ્જ છે.