ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશન માટે માની ગયા મમતા બેનર્જી, TMC તરફથી અભિષેક જશે વિદેશ
Operation Sindoor All Party Delegation : ભારત સરકારે પાકિસ્તાનની આતંકવાદ પ્રત્યેની નીતિનો પર્દાફાશ કરવા તેમજ ઓપરેશન સિંદૂરનું સત્ય વૈશ્વિક સ્તરે જણાવવા ‘ઑલ પાર્ટી ડેલિગેશન’ની ટીમ તૈયાર કરી છે. આ ટીમમાં તૃણમુલ કોંગ્રેસ(TMC)ના સાંસદ યૂસુફ પઠાણનું નામ સામેલ કરાયું હતું, જેનાથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વાંધો ઉઠાવ્યો હતો. જોકે હવે આ વિવાદનો અંત આવ્યો છે અને ટીએમસીએ ડેલિગેશન ટીમ માટે અભિષેક બેનર્જીનું નામ જાહેર કર્યું છે. આમ ટીએમસી તરફથી હવે એભિષેક બેનર્જી વૈશ્વિ સ્તરે જઈને પાકિસ્તાનની નીતિને ઉઘાડી પાડશે.
અભિષેકને સર્વપક્ષીય ટીમમાં સામેલ કરાયા
કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર માટે તૈયાર કરેલી સર્વપક્ષીય ટીમમાં અગાઉ સાંસદ યૂસુફ પઠાણનું નામ સામેલ કર્યું હતું, જોકે આ મામલે પાર્ટીએ વાંધો ઉઠાવ્યો હતો અને હવે નામ બદલી અભિષેક બેનર્જીને વિદેશ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : મુંબઈમાં કોવિડના કારણે બે દર્દીઓના મોત, ડૉક્ટરોએ કહ્યું - કોઈ ખતરો નથી પણ સાવચેતી જરૂરી
યૂસુફનું નામ જાહેર કરાતાં મમતા બેનર્જીએ શું કહ્યું હતું?
સૂત્રોના જણાવ્યા મુજબ સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુ (Kiren Rijiju) અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal CM Mamata Banerjee) વચ્ચે ફોન પર વાત હતી. ત્યારબાદ યૂસુફ પઠાણ(Yusuf Pathan)ના બદલે અભિષેક બેનર્જી(Abhishek Banerjee)ના નામ ફાઈનલ કરાયું છે. આ પહેલા યૂસુફનું નામ જાહેર કરાતાં મમતા બેનર્જીએ સ્પષ્ટ કહ્યું હતું કે, ‘અમારી પાર્ટી તરફથી સર્વપક્ષીય ટીમમાં કોને સામેલ કરવામાં આવશે, તે અંગે કેન્દ્ર સરકારે અમારી સાથે કોઈ વાતચીત કરી નથી. કેન્દ્ર સરકાર પોતાની જાતે અમારી પાર્ટીના સાંસદનું નામ જાહેર ન કરી શકે. આ માટે અમારી પાર્ટી નિર્ણય કરશે.’
પ્રતિનિધિ માટે કેન્દ્રએ વિપક્ષ સાથે ચર્ચા કરવાની જરૂર હતી : અભિષેક
કેન્દ્ર સરકારે યૂસુફનું નામ જાહેર કર્યું ત્યારે અભિષેકે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘કેન્દ્ર સરકારે વિપક્ષ સાથે ચર્ચા કર્યા બાદ કયા પ્રતિનિધિને મોકલવા છે, તે નિર્ણય કરવો જોઈએ. કેન્દ્ર સરકાર ટીએમસીના પ્રતિનિધિ અંગે કેવી રીતે નિર્ણય લઈ શકે? આ માટે કેન્દ્ર સરકારે વિપક્ષ સાથે ચર્ચા કરવી જોઈતી હતી કે, કઈ પાર્ટી કયા પ્રતિનિધિને મોકલશે?
આ પણ વાંચો : ભારતમાં એક જ વર્ષમાં 12 હજાર કરોડ રૂપિયાના ચલણ, આઠ કરોડ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા