દેશભરમાં ખાનગી હોસ્પિટલોની ખુલ્લી 'લૂંટ' : સરકારી કરતાં 8 ગણી મોંઘી સારવારથી દર્દીઓની હાલત કફોડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Private Hospital's Overbilling Crisis : ભારતમાં પોસાય તેવી આરોગ્ય સેવા અને તેમાં રહેલી પારદર્શકતાનો મુદ્દો ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે. હાલમાં જ લોકલ સર્કલ્સ દ્વારા કરાયેલા એક વ્યાપક સર્વેક્ષણ અને સંસદીય સ્થાયી સમિતિ દ્વારા રાજ્યસભામાં રજૂ કરાયેલા 176મા અહેવાલે ખાનગી હોસ્પિટલોમાં થતા જંગી ખર્ચ અને અપારદર્શક બિલિંગની કડવી વાસ્તવિકતા ઉજાગર કરી છે. અચાનક આવી પડતી બીમારી કે ઈમરજન્સી વખતે ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું એ સામાન્ય પરિવારો માટે માત્ર શારીરિક-માનસિક ચિંતા જ નથી લાવતું, પરંતુ અસહ્ય આર્થિક બોજ પણ ઊભો કરે છે.
સર્વેક્ષણની પહોંચ અને વસ્તીવિષયક આંકડા
LocalCircles દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં દેશભરના 306 જિલ્લાઓમાંથી 23,084 થી વધુ નાગરિકોના પ્રતિભાવો લેવાયા હતા. આ ભારતનું અગ્રણી સોશિયલ મીડિયા અને ગવર્નન્સ પ્લેટફોર્મ છે, જે નાગરિકો અને સરકાર વચ્ચે સેતુ સમાન કામ કરે છે.
- લિંગ ગુણોત્તર : સર્વેમાં ભાગ લેનારાઓમાં 69% પુરુષો અને 31% મહિલાઓ સામેલ હતી.
- ભૌગોલિક વિભાજન : 46% ટાયર-1, 30% ટાયર-2 અને 24% ટાયર-3, 4 તથા 5 જિલ્લાઓમાંથી પ્રતિભાવો મળ્યા હતા. આ દર્શાવે છે કે ખાનગી હોસ્પિટલના મોંઘા બિલની સમસ્યા માત્ર મહાનગરો પૂરતી મર્યાદિત નથી, પરંતુ નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ એટલી જ ગંભીર છે.
સરકારી અને ખાનગી હોસ્પિટલ વચ્ચે 8 ગણો તફાવત!
સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવની અધ્યક્ષતાવાળી આરોગ્ય સંબંધિત સંસદીય સ્થાયી સમિતિના 176મા અહેવાલમાં નેશનલ સેમ્પલ સર્વે (NSS)ના 80મા રાઉન્ડ (જાન્યુઆરીથી ડિસેમ્બર 2025)ના ડેટા રજૂ કરાયા છે. જેમ કે…
- સામાન્ય ભરતી (Hospitalization Cost) : સરકારી હોસ્પિટલમાં દાખલ થવાનો સરેરાશ ખર્ચ Rs. 6,631 છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં આ ખર્ચ વધીને Rs. 50,508 સુધી પહોંચી જાય છે. એટલે કે ખાનગી હોસ્પિટલનો ખર્ચ લગભગ 7.5 થી 8 ગણો વધારે છે.
- બાળજન્મ/પ્રસૂતિનો ખર્ચ (Childbirth Cost) : સરકારી હોસ્પિટલમાં ડિલિવરી માટે સરેરાશ ખિસ્સામાંથી થતો ખર્ચ માત્ર Rs. 2,299 હતો, જ્યારે ખાનગીમાં આ ખર્ચ Rs. 37,630 નોંધાયો હતો.
દર્દીઓ અને પરિવારો દ્વારા વેઠવામાં આવતી મુખ્ય મુશ્કેલી
છેલ્લા 3 વર્ષમાં ખાનગી હોસ્પિટલોની સેવાનો ઉપયોગ કરનારા નાગરિકોના અનુભવો પર આધારિત આ સર્વેમાં બિલિંગને લઈને મુખ્ય ફરિયાદો સામે આવી છે. જેમ કે…
- અતિશય સારવાર ખર્ચ : 68% લોકોએ ઊંચા સારવાર દરોનો સામનો કરવો પડ્યો.
- ડાયગ્નોસ્ટિક ટેસ્ટ : 63% ઉત્તરદાતાઓએ લેબ ટેસ્ટ માટે અતિશય ઊંચી કિંમતો વસૂલાઈ હોવાની ફરિયાદ કરી.
- ICU અને રૂમ ચાર્જ : 56% લોકોએ જણાવ્યું કે રૂમ અને ICU સુવિધાઓના ચાર્જ આસમાને છે.
- દવાઓ અને સાધન-સામગ્રી : 51% લોકોએ દવાઓ અને અન્ય વસ્તુઓના ઊંચા ભાવ અંગે અસંતોષ વ્યક્ત કર્યો.
- ડોક્ટર કન્સલ્ટેશન ફી : 49% દર્દીઓએ બિનજરૂરી કન્સલ્ટેશન ચાર્જ અને 43% લોકોએ અતિશય ફીનો ઉલ્લેખ કર્યો.
- ઓવરબિલિંગ અને હિડન ચાર્જીસ : 40% લોકોએ ઓવરબિલિંગ અને અન્ય 40% લોકોએ હિડન ચાર્જીસનો સામનો
- એકંદરે 10 માંથી 6 પરિવારોએ બિલિંગ સંબંધિત સમસ્યાનો સામનો કર્યો હતો, માત્ર 14% લોકો જ એવા હતા જેમને કોઈ મુશ્કેલી પડી ન હતી.)
સંસદીય સમિતિની 10 મહત્ત્વપૂર્ણ ભલામણો
- રૂમ ચાર્જ પર મર્યાદા : ખાનગી હોસ્પિટલોના રૂમનું ભાડું તે જ વિસ્તારની 3-સ્ટાર હોટેલના રૂમ ચાર્જથી વધુ ન હોવું જોઈએ.
- ચોક્કસ માળખું : આવશ્યક સારવાર, લેબ ટેસ્ટ અને નિયમિત પ્રક્રિયાઓના ખર્ચ માટે મહત્તમ મર્યાદા નક્કી કરવી.
- પારદર્શકતા : હોસ્પિટલમાં એડમિટ કરતા પહેલાં જ દર્દીને તમામ પ્રકારના ખર્ચ વિશે સંપૂર્ણ માહિતી આપવી ફરજિયાત બનાવવી.
- ફાસ્ટ-ટ્રેક ફરિયાદ નિવારણ : ઓવરબિલિંગ અને વીમા ક્લેમ સંબંધિત વિવાદોના ઝડપી નિકાલ માટે પ્લેટફોર્મ ઊભું કરવું.
- કાયદાનો કડક અમલ : તમામ રાજ્યોમાં 'ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ' નો સખત રીતે અમલ કરાવવો અને રેટ ચાર્ટ ડિસ્પ્લે કરવો.
- નફા પર અંકુશ : દવાઓ અને તબીબી સામગ્રી (Consumables) પર વસૂલાતા અતિશય નફા પર અંકુશ મૂકવો અને દર્દીઓને બહારથી દવા ખરીદવાની છૂટ આપવી.
- મેડિકલ ઓડિટ : કમિશન માટે થતા બિનજરૂરી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને ડોક્ટર વિઝિટ પર રોક લગાવવી.
- સરકારી સુવિધાઓમાં વધારો : સરકારી હોસ્પિટલોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક મશીનરી અને નિષ્ણાત ડોક્ટરોની અછત દૂર કરવી.
- કેશલેસ સારવારની સરળતા : ક્લેમ રિજેક્શન ઘટાડવું અને દર્દીઓના હિતોનું રક્ષણ કરવું.
- ડિજિટલ પોર્ટલ : દેશભરની ખાનગી હોસ્પિટલોના સ્ટાન્ડર્ડ રેટ્સ જાહેર જનતા જોઈ શકે તે માટે એક કેન્દ્રીય પોર્ટલ બનાવવું.
AHPIનો પક્ષ અને હોસ્પિટલોની દલીલ
સંસદીય સમિતિના સૂચનો સામે 'એસોસિએશન ઓફ પ્રાઇવેટ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયા' (AHPI) ના ડિરેક્ટર જનરલ ગિરધર જ્ઞાનીએ હોસ્પિટલોનો બચાવ કરતા જણાવ્યું હતું કે…
- રૂમ ચાર્જ પર સીધી મર્યાદા લાદવી પ્રતિકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે ચાર્જ ત્યાં ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફિંગ અને મોનિટરિંગ ઉપકરણો પર આધાર રાખે છે.
- ભારતમાં મેડિકલ ટુરિસ્ટ્સ (વિદેશી દર્દીઓ) ઉત્તમ સુવિધાઓ માટે આવે છે. જો મૂળભૂત કેટેગરીના જ રૂમ રાખવામાં આવે તો વિદેશી દર્દીઓ આકર્ષાશે નહીં.
- જો કે, AHPI એ નિયમનું સમર્થન કરે છે કે તમામ હોસ્પિટલોએ રૂમ કેટેગરી અને ચાર્જ અગાઉથી સ્પષ્ટપણે દર્શાવવા જોઈએ.
હેલ્થકેર નીતિમાં તાત્કાલિક સુધારાની જરૂર
સરકારી અને ખાનગી હોસ્પિટલો વચ્ચેનો આટલો મોટો આર્થિક તફાવત અને દર્દીઓની વ્યાપક ફરિયાદો એ વાતનો પુરાવો છે કે હેલ્થકેર નીતિમાં તાત્કાલિક સુધારાની જરૂર છે. દર્દીઓને વ્યાજબી ભાવે પારદર્શકતા સાથે ગુણવત્તાયુક્ત સારવાર મળે અને ખાનગી હોસ્પિટલોનું સંચાલન પણ સુવ્યવસ્થિત રહે તે માટે નીતિવિષયક સ્તરે યોગ્ય સંતુલન સાધવું અત્યંત જરૂરી છે.









