India

12 કરોડમાં બનાવેલા ભારતના આ ઍરપૉર્ટ પર 18 વર્ષમાં ફક્ત 2 વિમાનો લૅન્ડ થયા

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
મેઘાલયના વેસ્ટ ગારો હિલ્સમાં આવેલ 'બલજેક ઍરપૉર્ટ' ભારતના સૌથી ઓછા વપરાયેલા ઍરપૉર્ટ તરીકે જાણીતું છે. 2008માં 12.52 કરોડના ખર્ચે ઉદ્ઘાટન થયા બાદ છેલ્લા 18 વર્ષમાં અહીં માત્ર 2 વિમાન ઉતર્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે ઉદ્ઘાટન કર્યું હતું. હાલમાં તે કાર્યક્રમોનું સ્થળ બન્યું છે, પરંતુ સરકાર તેને સક્રિય કરવા પ્રયાસરત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

12 કરોડમાં બનાવેલા ભારતના આ ઍરપૉર્ટ પર 18 વર્ષમાં ફક્ત 2 વિમાનો લૅન્ડ થયા

Baljek Airport In Meghalaya : દિલ્હી, મુંબઈ, કોલકાતા કે ચેન્નાઈ જેવા મોટા ઍરપૉર્ટ પર દરરોજ સેંકડો ફ્લાઈટ્સ ટેક-ઑફ અને લેન્ડ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું ઍરપૉર્ટ પણ છે જ્યાં છેલ્લા 18 વર્ષમાં માત્ર બે જ પ્લેન ઉતર્યા છે. આ અનોખું ઍરપૉર્ટ મેઘાલયના વેસ્ટ ગારો હિલ્સ વિસ્તારમાં આવેલું ‘બલજેક ઍરપૉર્ટ’ (Baljek Airport) છે, જે ભારતનું સૌથી નાનું અને ઓછું વપરાયેલું ઍરપૉર્ટ ગણાય છે.

12.52 કરોડના ખર્ચે 2008માં થયું હતું ઉદ્ઘાટન

આ ઍરપૉર્ટ બનાવવાની ચર્ચા સૌથી પહેલા વર્ષ 1983માં શરૂ થઈ હતી અને સરકાર તરફથી 1995માં તેને મંજૂરી મળી હતી. ત્યારબાદ 12.52 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ ઍરપૉર્ટનું ઉદ્ઘાટન ઑક્ટોબર 2008માં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે કર્યું હતું. આ ઍરપૉર્ટને ખાસ કરીને 20 સીટોવાળા નાના ડોર્નિયર 228 વિમાન માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જેમાં 1.1 કિલોમીટર લાંબો રનવે બનાવવામાં આવ્યો હતો.

ઉદ્ઘાટનના દિવસે જ ઉતર્યા હતા બે વિમાન

23 ઑક્ટોબર 2008ના રોજ જ્યારે ઉદ્ઘાટન સમારોહ યોજાયો, ત્યારે ગુવાહાટીથી 4 સીટોવાળું સેસના (Cessna) અને 9 સીટોવાળું ડોર્નિયર (Dornier) વિમાન અહીં લેન્ડ થયું હતું. આ જ બે વિમાનો છે જેણે અત્યાર સુધી આ ઍરપૉર્ટ પર લેન્ડિંગ કર્યું છે. ઉદ્ઘાટન બાદ અહીં ક્યારેય કોઈ નિયમિત કોમર્શિયલ ફ્લાઇટ શરૂ થઈ શકી નથી.

ઍરપૉર્ટના વિસ્તારની યોજના પણ અધવચ્ચે લટકી

ઍરપૉર્ટનો રનવે ખૂબ નાનો હોવાના કારણે મોટા વિમાનો અહીં સુરક્ષિત રીતે ઉતરી શકતા નથી. એટીઆર 42 (ATR 42) અને એટીઆર 72 (ATR 72) જેવા થોડા મોટા વિમાનો ઉતારી શકાય તે માટે રનવે લાંબો કરવાની યોજના બનાવવામાં આવી હતી. આ માટે વર્ષ 2014માં 58 એકર વધારાની જમીન પણ સંપાદિત કરવામાં આવી હતી, છતાં પણ નિયમિત પેસેન્જર ફ્લાઇટ્સ શરૂ થઈ શકી નથી.

હવાઈ મુસાફરોને બદલે કાર્યક્રમોનું સંગમસ્થાન બન્યું

વિમાનોની અવરજવર ન હોવાને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં મેઘાલયનું આ બલજેક ઍરપૉર્ટ મ્યુઝિક કન્સર્ટ અને જાહેર સભાઓ કે સરકારી પ્રોગ્રામ્સ યોજવાનું સ્થળ બની ગયું છે. જોકે, મેઘાલય સરકાર હવે ભારતીય ઍરપૉર્ટ ઑથોરિટી(AAI) સાથે મળીને આ ઍરપૉર્ટને ફરીથી સક્રિય કરવા માટે ગંભીરતાથી પ્રયાસો કરી રહી છે.