અંતિમ સંસ્કાર માટે વારાણસી જતા હતા, રસ્તામાં વધુ 7 લોકોના મોત! હજારીબાગમાં કાળમુખો અકસ્માત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jharkhand Hazaribagh Accident 7 Killed 14 Injured: ઝારખંડના હજારીબાગ જિલ્લાના ચોપારાન સ્થિત દાનુઆ ઘાટી રોડ પર 9 નવેમ્બર 2026 ના રોજ એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બગોદર વિસ્તારના બિહારોટાંડ ગામથી એક સ્વજનના અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઈને વારાણસી જઈ રહેલી પેસેન્જર ગાડીને પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ભયાનક ટક્કર મારી હતી. આ ગોઝારા અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 14 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
શૌચક્રિયા અર્થે ગાડી ઊભી રાખતાં સર્જાઈ દુર્ઘટના
તમામ લોકો એક વાહન પર મૃતદેહને લઈને વારાણસી જઈ રહ્યા હતા ત્યારે દાનુઆ ઘાટી પાસે કેટલાક મુસાફરોને શૌચ ક્રિયા અર્થે જવું હોવાથી ચાલકે ગાડી રોડ કિનારે ઉભી રાખી હતી. આ દરમિયાન પાછળથી આવતા હાઇસ્પીડ ટ્રકે ગાડીને જોરદાર ટક્કર મારી દીધી હતી, જેનાથી સ્થળ પર જ ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.
બચાવ કામગીરી અને સારવાર
અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ચોપારાન નાગરિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર હાલત ધરાવતા 14 દર્દીઓને વધુ સારવાર અર્થે હજારીબાગની શેખ ભીખારી મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.




