Omar Abdullah on Ali Hosseini Khamenei Death : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ અને તેમની પત્ની મંસૂરેહ ખોજસ્તેહની હત્યાની કડક શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કહ્યું કે, અમેરિકા-ઈઝરાયલને ખામેનેઈની હત્યા કરવાનો કે ઘર્ષણ કરવાનો કોને અધિકાર આપ્યો છે? બહારના કોઈપણ દેશના હસ્તક્ષેપ વગર માત્ર ઈરાનના લોકોને જ પોતાનું નેતૃત્વ પસંદ કરવાનો અધિકાર છે. આ હત્યા દુર્ભાગ્યપૂર્ણ છે અને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કોઈપણ દેશને અન્ય દેશ પર હુમલો કરવાનો કે અન્ય દેશોનું નેતૃત્વ બદલી નાખવાનો અધિકાર નથી.
ભાવનાઓને નિયંત્રણમાં રાખો : પ્રદર્શનકારીઓને CMની અપીલ
તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોને અપીલ કરી છે કે, તેઓ પોતાની ભાવનાઓને નિયંત્રણમાં રાખે અને ગુસ્સા તેમજ દુઃખને શાંતિપૂર્ણ અને કાયદાને ધ્યાને રાખીને વ્યક્ત કરે. ઉલ્લેખનીય છે કે, ખામેનેઈના મોત બાદ જમ્મુ-કાશ્મીરમાં ઉગ્ર દેખાવો અને પ્રદર્શનો થયા હતા. અહીં બે દિવસનું બંધ પણ પાડવામાં આવ્યું હતું. કેટલાક ઠેકાણાઓ પર દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયાના અહેવાલો સામે આવ્યા હતા. પ્રદર્શનકારીઓ બેનરો સાથે બેરીકેડ તોડીને આગળ વધી રહ્યા હતા, ત્યારે પોલીસે પહેલા તેમને અટકાવવાનો અને પછી લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન ટિયર ગેસના સેલ પણ છોડીને ભીડને વિખેરવામાં આવી હતી.
‘ભાવનાઓમાં આવી સ્થિતિ બગાડવી યોગ્ય નહીં’
ઓમર અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, તેઓ લોકોની ભાવનાઓને સમજે છે, કારણ કે ખામેનેઈની હત્યાથી અનેક લોકો રોષે ભરાયા છે. જોકે ભાવનાઓમાં આવીને સ્થિતિ બગાડવાની બાબત યોગ્ય નથી. તેમણે પોલીસ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને અપીલ કરી છે કે, કોઈપણ વ્યક્તિ ઈજાગ્રસ્ત ન થાય તે માટે તેઓ બળ પ્રયોગ કરતી વખતે સંયમ જાળવે.
ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈ CM ચિંતિત
મુખ્યમંત્રીએ જમ્મુ-કાશ્મીરના દેખાવો મુદ્દે ધાર્મિક નેતાઓ અને સમાજને અપીલ કરી છે કે, તેઓ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા જરૂરી માર્ગદર્શન આપે. તેમણે કહ્યું કે, વિરોધ કરવાનો તમામને અધિકાર છે, પરંતુ વ્યક્તિએ સંવેદનશીલ બનીને અને અન્ય નાગરિકોને નુકસાન ન થાય તે રીતે કરવો જોઈએ. વર્તમાન સ્થિતિ મુજબ કેટલાક સ્થળો પર દેખાવો કરવાની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે કેટલાક સ્થળે ઇન્કાર કરી દેવાયો છે. અબ્દુલ્લાએ ઈરાનમાં ફસાયેલા ભારતીય, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે અને મોટાભાગના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા છે.


