Get The App

ઓઇલ કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લિટરે રૂ.20, ડીઝલમાં રૂ.100ની ખોટ !

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
ઓઇલ કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લિટરે રૂ.20, ડીઝલમાં રૂ.100ની ખોટ ! 1 - image

- ચૂંટણી પછી પણ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે : કેન્દ્ર

- અમેરિકાએ યુદ્ધવિરામ લંબાવ્યો હોવા છતાં તંગદિલી વધી  ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 70 થી વધીને 113 ડોલરે પહોંચ્યા

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને ઘરઆંગણે સ્થિર રહેલા ભાવના કારણે સરકારી ઓઇલ કંપનીઓને પેટ્રોલમાં પ્રતિ લિટર લગભગ ૨૦ રૂપિયાની અને ડીઝલમાં પ્રતિ લિટર રૂ. ૧૦૦ની ખોટ જઈ રહી છે. બંનેના ભાવ છેલ્લા ચાર વર્ષથી સ્થિર છે. ગુરુવારે સરકારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલની ભાવ વધારવામાં આવશે તે વાત ફગાવી દીધી હતી. 

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પછી પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨૫થી ૨૮ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો થવાની વાતને ફગાવી દેતા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ પ્રકારની કોઈપણ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. 

મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રકારની ખોટી વાતો લોકોમાં ડર ફેલાવવા અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ફેલાવવામાં આવી રહી છે.  

પશ્ચમ એશિયાની હિલચાલ પર બ્રીફ કરતા મંત્રાલયના સંયુક્ત સચિવે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રયી સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં સરકારે પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના રેટમાં વધારો કર્યો નથી. 

ગયા વર્ષે ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ ૭૦ ડોલર હતુ અને આજે તે પ્રતિ બેરલ ૧૧૩ ડોલર છે. આ જબરદસ્ત વધારો છે. આમ છતાં સરકારે ભાવ વધારો કર્યો નથી. સરકાર ભાવને સ્થિર રાખવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના લીધે ક્રૂડ ઓઇલના ભડકે બળતા ભાવ છતાં સરકારે ભાવ વધાર્યા નથી. 

ઉલ્લેખનીય છે કે ભારત તેની ઓઇલની જરૂરિયાતના ૮૮ ટકા જરૂરિયાત આયાતથી પૂરી કરે છે. તેના કારણે પેટ્રોલ-ડીઝલના મોરચે પીએસયુ સાહસોએ અંડરરિકવરીનો સામનો કરવો પડે છે. આ વખતે આ અંડર રિકવરી પેટ્રોલ પર પ્રતિ લિટર ૨૦ રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર ૧૦૦ રૂપિયા છે. તેમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે જ્યાં છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. ઇરાન યુદ્ધના લીધે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૭૦ ડોલરથી ઉચકાઈને ૧૧૯ ડોલર પહોંચી ગયા પછી હાલમાં ૧૦૩થી ૧૦૬ ડોલર આસપાસ છે.