UGC-NET પેપરમાં ગંભીર ક્ષતિઓ બાદ NTAની કાર્યવાહી: 3 વિષયો માટે રી-એક્ઝામની જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UGC NET Re Exam Date : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા UGC-NET જૂન 2026 સત્રના લાખો ઉમેદવારોની લાંબી રાહ અને અનિશ્ચિતતાનો અંત લાવવામાં આવ્યો છે. પ્રશ્નપત્રોમાં મોટી ભૂલો અને ટેકનિકલ ખામીઓની વ્યાપક ફરિયાદો બાદ એજન્સીએ મહત્ત્વનો નિર્ણય લેતાં 3 મુખ્ય વિષયો અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર (સોશિયોલોજી) ની પરીક્ષા ફરીથી યોજવાની સત્તાવાર જાહેરાત કરી છે. તપાસ સમિતિના વિગતવાર અહેવાલમાં ઉમેદવારોની ફરિયાદો સાચી સાબિત થયા બાદ આ મોટો નિર્ણય લેવાયો છે, જેનાથી હજારો વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.
રી-એક્ઝામનું નવું ટાઈમટેબલ
NTA દ્વારા જાહેર કરાયેલા નવા કાર્યક્રમ મુજબ અંગ્રેજી વિષયની પરીક્ષા 9 સપ્ટેમ્બર 2026 ના રોજ શિફ્ટ-1 માં સવારે 09:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી યોજાશે.
કોમર્સ વિષયની પરીક્ષા 9 સપ્ટેમ્બર 2026ના રોજ શિફ્ટ-2 માં બપોરે 03:00 થી સાંજે 06:00 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.
સમાજશાસ્ત્ર (સોશિયોલોજી) વિષયની પરીક્ષા 10 સપ્ટેમ્બર 2026ના રોજ શિફ્ટ-1 માં સવારે 09:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી આયોજિત કરવામાં આવશે.
શા માટે લેવાયો ફરી પરીક્ષા લેવાનો નિર્ણય?
પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રશ્નપત્રોની ગુણવત્તા અને પારદર્શિતા સામે ગંભીર પ્રશ્નો ઉઠ્યા હતા. NTA ની વિશેષ તપાસ સમિતિએ તપાસમાં શોધી કાઢ્યું હતું કે, આ 3 વિષયોના પ્રશ્નપત્રોમાં વ્યાપક સ્તરે તથ્યોની ભૂલો, ટાઈપિંગની ખામીઓ અને ભાષાંતરમાં ભારે વિસંગતતાઓ હતી. ખાસ કરીને હિન્દી અને અંગ્રેજી અનુવાદમાં મોટા વિરોધાભાસ હોવાથી ઉમેદવારો સાચો જવાબ પસંદ કરવામાં મુશ્કેલીમાં મુકાયા હતા. આ ગરબડની સીધી અસર વિદ્યાર્થીઓના પરિણામ પર પડી રહી હોવાથી રી-એક્ઝામનો આદેશ અપાયો છે.
ઉમેદવારો પાસેથી કોઈ વધારાની ફી નહીં લેવાય
વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફરી પરીક્ષા આપવા માટે ઉમેદવારો પાસેથી કોઈપણ પ્રકારની વધારાની ફી લેવામાં આવશે નહીં.
બાકીના 84 વિષયોના પરિણામ સમયસર જાહેર થશે
આ 3 વિષયો સિવાય બાકીના તમામ 84 વિષયોના પરિણામો તેમના નિયત કાર્યક્રમ અનુસાર જ જાહેર કરવામાં આવશે. આ ત્રણ પેપરની પુનઃપરીક્ષાના કારણે મુખ્ય પરિણામ જાહેર કરવામાં કોઈ વિલંબ થશે નહીં.
બેઠકોની ફાળવણી અને અનામત સુરક્ષિત રહેશે
NTA એ સ્પષ્ટ કર્યું છે કે પુનઃપરીક્ષા બાદ આસિસ્ટન્ટ પ્રોફેસર અને પીએચડી (PhD) પાત્રતા માટે વિષયવાર બેઠકોની ફાળવણીમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. તમામ અનામત શ્રેણીઓ અને પૂર્વ નિર્ધારિત બેઠકો યથાવત અમલમાં રહેશે.









