હવે આંધ્ર પ્રદેશના મંદિરો અને કિલ્લા તમારી ભાષામાં વાત કરશે, જાણો શું છે આ રાજ્યનું AI ટુરિઝમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Andhra's AI Tourism: કલ્પના કરો કે તમે કોઈ સદીઓ જૂના ઐતિહાસિક કિલ્લા કે ભવ્ય મંદિરની મુલાકાત લો અને ત્યાં કોઈ ગાઇડ વગર, માત્ર એક QR કોડ સ્કેન કરતાં જ તે સ્થળ પોતે તમારી માતૃભાષામાં પોતાની કહાની સંભળાવવા લાગે! સાયન્સ ફિક્શન જેવી લાગતી આ વાત ટૂંક સમયમાં હકીકત બનવા જઈ રહી છે. ભારતનું સુંદર રાજ્ય આંધ્રપ્રદેશ પ્રવાસન ક્ષેત્રે એક ઐતિહાસિક કદમ ઉઠાવી રહ્યું છે. આંધ્ર પ્રદેશ ટૂંક સમયમાં જ ભારતનું સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સંચાલિત પ્રવાસન રાજ્ય બનવા જઈ રહ્યું છે, જ્યાં ઇતિહાસ, સંસ્કૃતિ અને અદ્યતન ટેક્નોલોજીનો સુભગ સમન્વય જોવા મળશે.
એક્સપ્લર્જર કંપની સાથે થયો કરાર
આ અદ્ભુત ડિજિટલ ક્રાંતિ માટે ‘આંધ્ર પ્રદેશ ટુરિઝમ ઓથોરિટી’ (APTA) એ જાણીતી ટ્રાવેલ ટેક્નોલોજી કંપની 'એક્સપ્લર્જર' સાથે 3 વર્ષના વ્યૂહાત્મક કરાર કર્યા છે. આંધ્ર પ્રદેશના પ્રવાસન મંત્રી કંડુલા દુર્ગેશ, મુખ્ય સચિવ અજય જૈન અને APTA ના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ યોજનાની જાહેરાત કરાઈ હતી. આ પ્રોજેક્ટ રાજ્ય સરકારના વ્યાપક 'સ્વર્ણ આંધ્ર વિઝન-2047' નો મહત્ત્વનો ભાગ છે.
100થી વધુ પ્રવાસન સ્થળ આવરી લેવાનું આયોજન
આ યોજના હેઠળ એક્સપ્લર્જર કંપની તેના ખાસ પ્લેટફોર્મ ન્યુરલ ઇન્ટેલિજન્સ વર્નાક્યુલર યુનિફાઇડ મોડેલ (NiVU AI) ને રાજ્યભરના 100થી વધુ પ્રવાસન અને યાત્રાધામો પર તબક્કાવાર રીતે તહેનાત કરશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 1 વર્ષની અંદર 30 મુખ્ય પ્રવાસન સ્થળ આવરી લેવાશે, જ્યારે આગામી 3 વર્ષમાં આખી યોજના પૂર્ણ કરવાનું લક્ષ્ય રખાયું છે.
પાઇલટ પ્રોજેક્ટની ભવ્ય સફળતા
આ ટેક્નોલોજીનું સત્તાવાર લોન્ચિંગ કરતાં પહેલાં મંગલાગિરીમાં આવેલા પ્રખ્યાત શ્રી લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર અને શ્રી પનકલા લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં એક પાઇલટ પ્રોજેક્ટ ચલાવાયો હતો, જે પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો હતો. દરરોજ આવતા સેંકડો ભક્તોએ આ AI પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મંદિરના ઇતિહાસ, ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક મહત્ત્વ વિશે પોતાની પસંદગીની ભાષામાં માહિતી મેળવી હતી.
કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી!
સામાન્ય રીતે આવી સુવિધા માટે કોઈ વિશેષ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડતી હોય છે, પરંતુ આ સુવિધા એકદમ સરળ છે. પ્રવાસીઓએ કિલ્લા, દરિયા કિનારા, મંદિરો અને વારસાના સ્મારકો પર લગાવેલા ‘Ask AI’ QR કોડને માત્ર મોબાઈલથી સ્કેન કરવાનો રહેશે. આ સેવા સંપૂર્ણપણે મફત હશે. સ્કેન કર્યા પછી પ્રવાસીઓ વૉઇસ (અવાજ) અથવા ટેક્સ્ટ (લખાણ) દ્વારા એઆઈ સાથે વાતચીત કરી શકશે. આ સિસ્ટમ પ્રવાસીઓની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે, જેથી તેમનો ડેટા સુરક્ષિત રહેશે.
130થી વધુ ભાષામાં વાતચીત કરી શકવાની ક્ષમતા
આ પ્લેટફોર્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તે 130થી વધુ ભાષામાં વાતચીત કરી શકે છે. એટલે કે સ્થાનિક પ્રવાસીઓ ઉપરાંત વિદેશી પ્રવાસીઓ પણ પોતાની ભાષામાં સ્થળ વિશેની ઝીણવટભરી માહિતી મેળવી શકશે.
રિયલ ટાઈમ વિશ્લેષણનો લાભ મળશે
આ ટેક્નોલોજી માત્ર પ્રવાસીઓ માટે જ નહીં, પણ સરકાર માટે પણ ફાયદાકારક છે. આ પ્લેટફોર્મ દ્વારા APTA ને પ્રવાસીઓની પસંદગીઓ, ભાષાઓ અને તેમના આવવાની પેટર્ન વિશે રિયલ ટાઇમ ડેટા મળશે. જેનાથી ભવિષ્યમાં પ્રવાસનનું આયોજન વધુ સારી રીતે થઈ શકશે. ખાસ કરીને ગોદાવરી પુષ્કરલુ જેવા મોટા ધાર્મિક ઉત્સવો દરમિયાન આ ટેક્નોલોજી ભીડ વ્યવસ્થાપન અને પ્રવાસીઓની સુવિધામાં મોટો ભાગ ભજવશે. પ્રવાસીઓ સ્થળની સફાઈ, સુવિધા કે વ્યવસ્થા વિશે સીધો પ્રતિસાદ પણ આ એઆઈ દ્વારા સરકાર સુધી પહોંચાડી શકશે.
વૈશ્વિક સ્તરની ટેક્નોલોજી
એક્સપ્લર્જર કંપનીના સ્થાપક અને સીઈઓ જીતિન ભાટિયાના જણાવ્યાનુસાર, આ સહયોગથી આંધ્ર પ્રદેશ ભારતનું એકમાત્ર એવું રાજ્ય બનશે, જ્યાં દરેક પ્રવાસન સ્થળે જઈને મુલાકાતીઓ તેમની ભાષામાં વાત કરશે. એક્સપ્લર્જર કંપની હાલમાં 75 દેશોમાં 2.2 કરોડથી વધુ યુઝર્સ ધરાવે છે. સપ્ટેમ્બર 2023માં દિલ્હીમાં યોજાયેલી G20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર તેને પ્રદર્શિત પણ કરાયું હતું.
અન્ય રાજ્યો માટે બનશે પ્રેરણા
આંધ્ર પ્રદેશની આ ડિજિટલ પહેલ ભારતના અન્ય રાજ્યો માટે એક મોડેલ સાબિત થશે. પરંપરાગત પ્રવાસન સાઇનબોર્ડ કે પુસ્તકોની જગ્યાએ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રવાસીઓને એક નવો અને સમૃદ્ધ અનુભવ આપશે. જો તમે પણ ઇતિહાસ અને ટેક્નોલોજીના આ અદભુત સંગમના સાક્ષી બનવા માંગતા હો, તો આગામી સમયમાં આંધ્ર પ્રદેશના પ્રવાસે જવાનું ચૂકશો નહીં!









