હવે વાલીઓએ આપવો પડશે સાથ ! CBSEનો નવો નિયમ, 2026-27 માટે નવું પેરેન્ટિંગ કેલેન્ડર લોન્ચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CBSE Parenting Calendar Session 2026-27 : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા નવા શૈક્ષણિક સત્ર 2026-27 માટે 'પેરેન્ટિંગ કેલેન્ડર' લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવી પહેલનો મુખ્ય હેતુ બાળકોને માત્ર ભણતર પૂરતા સીમિત રાખવાનો નથી, પરંતુ તેમનો માનસિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ પણ મજબૂત કરવાનો છે. બોર્ડનું માનવું છે કે જ્યારે શાળા અને પરિવાર બંને સાથે મળીને બાળકો માટે કામ કરશે, ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધશે અને શીખવાની ક્ષમતા પણ વધુ સારી બનશે.
ગયા વર્ષના અનુભવના આધારે કરાયા મોટા ફેરફાર
સીબીએસઈના જણાવ્યા મુજબ, આ પેરેન્ટિંગ કેલેન્ડરની શરૂઆત સત્ર 2025-26માં કરવામાં આવી હતી. તે સમયે શાળાઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી આ આયોજનને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. વાલીઓ અને શિક્ષકો પાસેથી મળેલા તે જ ફીડબેકને ધ્યાનમાં રાખીને આ વખતે કેલેન્ડરમાં ઘણા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જેથી આ કેલેન્ડર વાલીઓ માટે વધુ ઉપયોગી અને સરળ બની શકે.
વાલીઓએ આખું વર્ષ બાળકો સાથે સક્રિય રહેવું પડશે
નવા કેલેન્ડરમાં એવી ઘણી બધી એક્ટિવિટી સામેલ કરવામાં આવી છે, જેમાં વાલીઓએ પોતે ઉત્સાહપૂર્વક ભાગ લેવો પડશે. આ પ્રવૃત્તિઓનો અસલી હેતુ બાળકોના ભણતરની સાથે તેમની વર્તણૂક, માનસિક સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને સામાજિક કૌશલ્યને સુધારવાનો છે. શિક્ષણ બોર્ડ ઈચ્છે છે કે માતા-પિતા માત્ર પરીક્ષા કે રિઝલ્ટના સમયે જ નહીં, પરંતુ આખું વર્ષ બાળકોની શીખવાની આ પ્રક્રિયામાં તેમની સાથે જોડાયેલા રહે.
સમયની નવી જરૂરિયાતો મુજબ કેલેન્ડર અપડેટ કરાયું
આ વખતના કેલેન્ડરમાં બદલાતા શૈક્ષણિક વાતાવરણ અનુસાર બાળકોને તૈયાર કરવા જેવા વિષયો ઉમેરાયા છે. આ ઉપરાંત, અલગ-અલગ ક્ષમતા ધરાવતા (દિવ્યાંગ કે વિશેષ) બાળકોની જરૂરિયાતોને સમજવા અને તેમને વધુ સારો સહયોગ આપવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. વાલીઓ પોતાના બાળકોની જરૂરિયાતોને વધારે સારી રીતે સમજી શકે તે માટે શાળાઓમાં ખાસ વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમો યોજવાની પણ સલાહ આપવામાં આવી છે.
સીબીએસઈ બોર્ડની શાળાઓને ખાસ અપીલ
બોર્ડે પોતાની સાથે જોડાયેલી તમામ શાળાઓને આદેશ આપ્યો છે કે તેઓ આ પેરેન્ટિંગ કેલેન્ડરનો નિયમિત અમલ કરે અને તેમાં આપેલી પ્રવૃત્તિઓ આખા શૈક્ષણિક સત્ર દરમિયાન સ્કૂલમાં યોજતા રહે. બોર્ડનું કહેવું છે કે આનાથી શાળા અને વાલીઓ વચ્ચેનો સંવાદ મજબૂત થશે. આજના સમયમાં બાળકો સામે ભણતર સિવાય પણ ઘણા પડકારો છે, તેથી જો પરિવાર અને શાળા સાથે મળીને કામ કરશે તો બાળકોને દરેક સ્તરે યોગ્ય સપોર્ટ મળી રહેશે.









