India

હવે Gen-આલ્ફા મેદાને: પ્રિય શિક્ષકની બદલી રોકવા સ્કૂલના બાળકોનું ત્રણ દિવસથી આંદોલન! પોલીસ સ્ટેશન પર પથ્થરમારો

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
ઝારખંડના ગઢવા જિલ્લામાં શિક્ષકની બદલીથી નારાજ Gen-આલ્ફા વિદ્યાર્થીઓએ ત્રણ દિવસથી ચાલતું શાંતિપૂર્ણ આંદોલન હિંસક બનાવ્યું. કાંડી પોલીસ સ્ટેશન વિસ્તારની પ્લસ ટુ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ રસ્તા પર ચક્કાજામ કરી, પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો. એક પોલીસ જવાનને ઈજા થઈ, જ્યારે બ્લોક પ્રમુખની ગાડીમાં તોડફોડ થઈ. પ્રમુખે વિદ્યાર્થીને લાફો મારતા મામલો ઉગ્ર બન્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે Gen-આલ્ફા મેદાને: પ્રિય શિક્ષકની બદલી રોકવા સ્કૂલના બાળકોનું ત્રણ દિવસથી આંદોલન! પોલીસ સ્ટેશન પર પથ્થરમારો

Garhwa Student Protest : ઝારખંડના ગઢવા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક લોકપ્રિય શિક્ષકની બદલીથી નારાજ વિદ્યાર્થીઓનો એટલે કે Gen-આલ્ફાનો રોષ હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. છેલ્લા ત્રણ દિવસથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલું આ આંદોલન અચાનક હિંસક બની ગયું હતું. ઉગ્ર વિદ્યાર્થીઓએ રસ્તા પર ચક્કાજામ કરવા સાથે કાંડી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો અને બ્લોક પ્રમુખની ગાડીમાં તોડફોડ કરી હતી. જેમાં એક પોલીસ જવાનનું માથું પણ ફાટી ગયું છે.

શું છે સમગ્ર મામલો અને બદલીનો વિવાદ?

આ સમગ્ર મામલો કાંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્લસ ટુ હાઇસ્કૂલનો છે. અહીં ફરજ પર રહેલા લોકપ્રિય શિક્ષક મલય સિંહની હાલમાં જ અન્યત્ર બદલી કરવામાં આવી હતી. પોતાના પસંદગીના ગુરુજીની બદલી રદ કરાવવાની માંગ સાથે શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી સતત વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા. આ આંદોલન ધીમે-ધીમે જિલ્લા કચેરીથી લઈને કાંડી પ્રખંડ કચેરી સુધી ફેલાઈ ગયું હતું.

પ્રમુખ દ્વારા થપ્પડ મારતા ભડક્યા વિદ્યાર્થીઓ

ગુરુવારે જ્યારે વિદ્યાર્થીઓ રસ્તો રોકીને પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે કાંડી પ્રખંડના પ્રમુખ પિંકુ પાંડે તેમને સમજાવવા માટે પહોંચ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ વાતચીત દરમિયાન માહોલ તણાવપૂર્ણ બન્યો અને પ્રમુખે મિજાજ ખોઈને એક વિદ્યાર્થીને લાફો ઝીંકી દીધો હતો. આ ઘટનાથી 'Gen Alpha'નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને તેમણે ઉગ્ર વિરોધ શરૂ કરી દીધો.

પોલીસ સ્ટેશન પર પથ્થરમારો અને તણાવપૂર્ણ સ્થિતિ

આક્રોશિત વિદ્યાર્થીઓએ પ્રખંડ પ્રમુખની ગાડી પર હુમલો કરી દીધો. પ્રમુખ પોતાનો જીવ બચાવવા માટે કાંડી પોલીસ સ્ટેશને પહોંચ્યા, પરંતુ વિદ્યાર્થીઓ તેમનો પીછો કરતાં પોલીસ સ્ટેશનના ગેટ સુધી પહોંચી ગયા અને ભારે પથ્થરમારો શરૂ કર્યો હતો. આ અચાનક થયેલા હુમલામાં ડ્યુટી પર હાજર એક પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે અને વધારાના પોલીસ બળની તૈનાતી વચ્ચે વિદ્યાર્થીઓ શિક્ષકની બદલી રદ કરવા તેમજ પ્રમુખ સામે કડક કાર્યવાહીની માંગ પર અડગ છે.