સલમાન ખાન જ નહીં પણ આ જાણીતો સ્ટેન્ડઅપ કોમેડિયન પણ બિશ્નોઈ ગેંગની હિટલિસ્ટમાં?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lawrence Bishnoi Hit List: લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાન ખાન અને તેની મદદ કરનારા લોકોથી નારાજ છે. ત્યારે હવે બાબા સિદ્દિકીની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઈરાદાઓ સાથે જોડાયેલી કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. હવે એવી માહિતી સામે આવી રહી છે કે, તેની હિટલિસ્ટમાં સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકીનું નામ પણ છે. એક અહેવાલ પ્રમાણે થોડા દિવસો પહેલા દિલ્હીના ઈવેન્ટમાં પહોંચેલા મુનવ્વરની પાછળ બિશ્નોઈ ગેંગના બે શૂટર્સ હતા. જો કે, પોલીસને મળેલી ગુપ્ત જાણકારી બાદ તેમના ઈરાદા પૂરા નહોતા થઈ શક્યા.
આ પણ વાંચો: સાબરમતી જેલથી લોરેન્સ બિશ્નોઈના મેસેજ બહાર પહોંચાડાતા હોવાની આશંકા, તપાસનો રેલો આવશે
હિટલિસ્ટમાં મુનવ્વર?
બાબા સિદ્દિકીની હત્યા બાદ પોલીસ બિશ્નોઈ ગેંગના નેટવર્કની તપાસ કરી રહી છે. આ વચ્ચે એવી માહિતી સામે આવી રહી છે કે, બિશ્નોઈ ગેંગની હિટલિસ્ટમાં સલમાન ખાન સિવાય મુનવ્વર ફારૂકી સહિત ઘણા નેતાઓ અને સેલિબ્રિટીઓના નામ પણ છે. સપ્ટેમ્બર મહિનામાં કોમેડિયન મુનવ્વર ફારૂકી બિશ્નોઈ ગેંગના નિશાનાથી બચી ગયો હતો. તે ઈવેન્ટમાં ભાગ લેવા માટે મુંબઈથી દિલ્હી ગયો હતો. મુનવ્વર જે ફ્લાઈટમાં હતો તેમાં લોરેન્સ બિશ્નોઈના બે શૂટર પણ હતા. બંનેએ દક્ષિણ દિલ્હીની સૂર્યા હોટેલમાં રૂમ બુક કરાવ્યો હતો. મુનવ્વર પણ આ હોટલમાં જ રોકાયો હતો. દિલ્હી પોલીસની ટીમ પહેલાથી જ આ શૂટરોની તલાશમાં હતી, કારણ કે, તેઓએ દિલ્હીના એક બિઝનેસમેનની પણ હત્યા કરી નાખી હતી.
આ કારણે મુનવ્વર નિશાન પર
જ્યારે દિલ્હી પોલીસની ટીમને તે હોટલમાં શૂટર્સ હોવાની માહિતી મળી ત્યારે તેમણે ત્યાં દરોડા પાડ્યા. આ પહેલા મુનવ્વર ફારૂકીને ધમકી મળી ચૂકી હતી. જ્યારે પોલીસે ધમકી અને બિશ્નોઈ ગેંગના શૂટર્સના હોટલમાં રોકાવાને તાર જોડ્યા ત્યારે પરિસ્થિતિ મેચ કરી ગઈ. ત્યારબાદ એવું માનવામાં આવતું હતું કે આ બંને મુનવ્વર ફારૂકીને શૂટ કરવાનો પ્લાન બનાવીને આવ્યા હોય. આવી આશંકા એટલા માટે પણ વ્યક્ત કરવામાં આવી હતી કારણ કે મુનવ્વર ફારૂકી પોતાના શોમાં ધર્મને લગતા કટાક્ષ પણ કરે છે. આના પર પણ બિશ્નોઈ ગેંગની નારાજગી રહે છે. મીડિયા હાઉસના કેટલાક અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે મુનવ્વર ગેંગના નિશાના પર છે.




