યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલની કટોકટી
સરકારી ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 1000 કરોડનું નુકસાન, આખા વર્ષનો નફો ત્રણ મહિનામાં ધોવાઈ જવાની આશંકા
પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલની કટોકટી સર્જાઈ છે, આમ છતાં આપણી સામે ક્રુડ ઓઈલના સપ્લાય સંબંધિત કોઈ સમસ્યા નથી. ભારત પાસે બે મહિના સુધી ચાલે એટલું ક્રૂડ ઓઈલ, એલએનજી અને એલપીજીનો પર્યાપ્ત ભંડાર છે. આ સંકટ શરૂ થયું ત્યારે કેટલીક ચિંતાઓ જરૂરી હતી, પરંતુ અમે આ પડકારને તકોમાં બદલી દીધો છે.
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલનો બિનજરૂરી વપરાશ નહીં કરવા, કાર પુલિંગ સહિત કરેલી ભલામણો લોકોને ગભરાવવા માટે નહીં પરંતુ સાવચેત રહેવા માટે કરી છે. વડાપ્રધાનની ભલામણો ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરાઈ છે. લાંબા સમય સુધી આ સ્થિતિ ચાલુ રહેશે તો આપણે આપણી જીવનશૈલીમાં કયા પરિવર્તનો કરવા જોઈએ તેના તેમણે સંકેત આપ્યા છે. વિપક્ષ હંમેશા કોઈપણ મુશ્કેલી સમયે અફવાઓ ફેલાવી જનતાને ડરાવવાના પ્રયત્નો કરે છે. પરંતુ અમે જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે દેશમાં ક્રૂડ ઓઈલ, એલપીજી, એલએનજીનો પર્યાપ્ત જથ્થો છે.
તેમણે ઉમેર્યું કે, અમે એલપીજીનું ઘરેલુ ઉત્પાદન વધાર્યું છે. જે ક્ષમતા પહેલા ૩૬,૦૦૦ મેટ્રિક ટન પ્રતિ દિન હતી, તે હવે વધીને ૫૪,૦૦૦ મેટ્રિક ટન કરાઈ છે. ક્રૂડના ભાવ ગમે તેટલા હોય પરંતુ છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો નથી. સરકારી ઓઈલ કંપનીઓની સ્થિતિ અંગે ખુલાસો કરતા તેમણે કહ્યું કે, હું દરરોજ ઓઈલ ક્ષેત્રની કંપનીઓના સીએમડી સાથે એકથી દોઢ કલાક સુધી સ્થિતિની સમીક્ષા કરું છું. ચિંતાની કોઈ વાત નથી. જોકે, ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. ૧,૦૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. તેમની ભરપાઈ નહીં થઈ શકનારી રકમ રૂ. ૧.૯૮ લાખ કરોડ નજીક પહોંચી ગઈ છે. હાલની સ્થિતિ ચાલુ રહે તો કંપનીઓને એક વર્ષમાં થયેલો નફો ચાલુ ત્રિમાસિક સમયમાં જ ધોવાઈ જશે.


