આવી કોઈ અરજી જ નહોતી થઈ: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જની તાત્કાલિક સુનાવણી ન કરવા મુદ્દે CJIનું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJI Surya Kant Slams False Media Reports: ભારતના ચીફ જસ્ટિસ(CJI) સૂર્યકાંતે દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી(CJP)ના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગેની તેમની તાજેતરની ટિપ્પણીઓ પર મીડિયા દ્વારા કરવામાં આવેલા 'ખોટા રિપોર્ટિંગ' સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. શુક્રવારે અદાલતમાં સુનાવણી દરમિયાન તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ મામલે કોઈ ઔપચારિક અરજી(Petition) દાખલ કરવામાં આવી જ નહોતી, માત્ર એક રજૂઆત(Representation) કરવામાં આવી હતી.
રજૂઆતને અરજી ગણાવીને ખોટો અહેવાલ રજૂ કરાયો: CJI
ચીફ જસ્ટિસે કોર્ટમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ‘કોઈ વ્યક્તિએ માત્ર આ બાબતનો મૌખિક ઉલ્લેખ કર્યો હતો. મીડિયાએ ખોટો અહેવાલ આપ્યો કે મેં આ મામલાને સુનાવણી માટે લિસ્ટ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. તે માત્ર એક રજૂઆત હતી અને લોકોએ તેના પર બેદરકારીપૂર્વક રિપોર્ટિંગ શરૂ કરી દીધું. મેં કોર્ટની રજિસ્ટ્રી સાથે તપાસ કરી છે, આ મામલે કોર્ટમાં કોઈ કાગળ કે ઔપચારિક અરજી દાખલ કરવામાં આવી નહોતી.’
22 જુલાઈની ઘટના અને વકીલની દલીલો
આ વિવાદની શરૂઆત 22 જુલાઈના રોજ થઈ હતી, જ્યારે એક વકીલે જંતર-મંતર ખાતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દમન થતું હોવાનો આરોપ લગાવીને આ બાબતને લિસ્ટ કરવાની માગ કરી હતી. વકીલે દાવો કર્યો હતો કે તેમની પાસે પોલીસ બર્બરતાના વીડિયો પુરાવા છે. તે સમયે CJI સૂર્યકાંતે કહ્યું હતું કે, ‘કૃપા કરીને અમારો સમય ન બગાડો અને તમારો સમય પણ ન બગાડો. તમારો સમય અમારા કરતાં વધુ મૂલ્યવાન છે.’
NEET પરીક્ષા અને NTA રદ્દ કરવાની માગણીઓ
સુનાવણી દરમિયાન વકીલે NEET પરીક્ષા ન્યાયી રીતે યોજવા અને વારંવાર થતા પેપર લીકને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)ને વિસર્જિત કરવા સહિતની મહત્ત્વની માગણીઓ રજૂ કરી હતી. જ્યારે વકીલે પોલીસ અત્યાચારના વીડિયો બતાવવાનો આગ્રહ રાખ્યો, ત્યારે CJIએ સ્પષ્ટ કહ્યું હતું કે કોર્ટને વીડિયો જોવામાં કોઈ રસ નથી. ચીફ જસ્ટિસની આ ટિપ્પણીઓ બાદ મીડિયામાં આ મુદ્દે વ્યાપક ચર્ચા અને અહેવાલો પ્રકાશિત થયા હતા, જેના પર હવે CJI એ પોતાની કડક પ્રતિક્રિયા આપી છે.









