India

સંરક્ષણ મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય: નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને અપાશે ‘DRDO મિસાઇલ ટૅક્નોલૉજી’, ઉત્પાદનમાં થશે ધરખમ વધારો

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDO દ્વારા વિકસિત તમામ પરંપરાગત મિસાઇલ સિસ્ટમની ટૅક્નોલૉજી સ્થાનિક ઉદ્યોગોને આપવા મંજૂરી આપી છે. આ નિર્ણયથી ભારતીય ખાનગી કંપનીઓ હવે દેશમાં જ અદ્યતન મિસાઇલોનું નિર્માણ કરી શકશે. આ પગલાથી આયાત પર નિર્ભરતા ઘટશે, રોજગારી વધશે અને ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંરક્ષણ મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય: નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને અપાશે ‘DRDO મિસાઇલ ટૅક્નોલૉજી’, ઉત્પાદનમાં થશે ધરખમ વધારો

DRDO Missile Technology : દેશના સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા તૈયાર કરાયેલી તમામ પરંપરાગત મિસાઇલ સિસ્ટમની ટૅક્નોલૉજી દેશના સ્થાનિક ઉદ્યોગોને સોંપવા (ટ્રાન્સફર ઓફ ટૅક્નોલૉજી) માટે મંજૂરી આપી દીધી છે. આ પગલાને કારણે હવે ભારતની ખાનગી કંપનીઓ પણ દેશમાં જ અદ્યતન મિસાઇલોનું નિર્માણ કરી શકશે, જે પહેલાં માત્ર સરકારી સંસ્થાઓ પૂરતું મર્યાદિત હતું.

ખાનગી ક્ષેત્ર અને MSME માટે સુવર્ણ તકો

આ નિર્ણયથી દેશમાં મિસાઇલ નિર્માણની આખી સપ્લાય ચેઇન મજબૂત બનશે. DRDO હવે સંશોધન અને વિકાસથી આગળ વધીને સ્થાનિક ઉદ્યોગોની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરશે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (MSME) તેમજ અન્ય ટૅક્નોલૉજી પાર્ટનર્સ આ સમગ્ર પ્રક્રિયામાં જોડાઈ શકશે. પરિણામે દેશમાં ઉદ્યોગોનો વિકાસ થશે અને નવી રોજગારીની વિશાળ તકો ઊભી થશે.

વિદેશથી થતી આયાત પર નિર્ભરતા ઘટશે

આ પહેલનો મુખ્ય હેતુ ભારતની સ્થાનિક ઉત્પાદન ક્ષમતા વધારવાનો અને હથિયારો માટે વિદેશ પર રહેલી નિર્ભરતા ઘટાડવાનો છે. ભારતીય કંપનીઓ જ્યારે પોતાની જરૂરિયાતની મિસાઇલો દેશમાં જ બનાવશે ત્યારે અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચશે. આ ઉપરાંત કટોકટી કે યુદ્ધ જેવી સ્થિતિમાં સેનાને જરૂરી હથિયારોનો પુરવઠો સમયસર મળતો રહેશે. ખાનગી ક્ષેત્રના પ્રવેશથી ટૅક્નોલૉજીમાં નવીનતા અને ગુણવત્તા વધશે, જેનાથી સેનાને ઝડપથી આધુનિક હથિયારો પ્રાપ્ત થશે.

કંપનીઓએ જરૂરી ધોરણો પૂર્ણ કરવા પડશે

મિસાઇલનું ઉત્પાદન શરૂ કરવા માટે ભારતીય કંપનીઓએ નિર્ધારિત નિયમો, જરૂરી યોગ્યતાઓ અને સરકારના ગુણવત્તા પ્રમાણપત્રો મેળવવા પડશે. આ ધોરણો પૂર્ણ કર્યા બાદ જ તેઓ ઉત્પાદન શરૂ કરી શકશે. આ વ્યવસ્થાથી સંરક્ષણ ક્ષેત્ર વધુ સ્પર્ધાત્મક બનશે.

ભવિષ્યમાં મિસાઇલ નિકાસ કરવાની પણ તૈયારી

ઘરઆંગણે મિસાઇલ ટૅક્નોલૉજી વિકસિત થવાથી ભારતીય કંપનીઓ વૈશ્વિક બજારમાં પોતાની ઓળખ બનાવી શકશે. લાંબા ગાળે ભારત માત્ર પોતાની સેનાની જરૂરિયાતો પૂરી કરીને અટકશે નહીં, પરંતુ અન્ય મિત્ર દેશોને પણ મિસાઇલ સિસ્ટમની નિકાસ કરી શકશે. સંરક્ષણ મંત્રાલયનો આ નિર્ણય ભારતના સંરક્ષણ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ આપશે.