આરટીઆર ફાઈલિંગની ડેડલાઈન ફી સાથે વધારી 31 માર્ચ કરાઈ
નોન-ઓડિટ બિઝનેસ અથવા ટ્રસ્ટને હવે રિટર્ન ફાઈલ કરવા માટે ૩૧ ઓગસ્ટ સુધીનો સમય મળશે
નાણામંત્રી નિર્મલા સીતારામને ટેક્સ રીટર્ન ફાઈલ કરવા માટે સામાન્ય જનતાને વધુ સમય આપવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, આઈટીઆર-૧ અને આઈટીઆર-૨ ફોર્મનો ઉપયોગ કરતા વ્યક્તિગત કરદાતા માટે રીટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ ૩૧ જુલાઈ યથાવત રાખી છે. પરંતુ નોન-ઓડિટ બિઝનેસ અથવા ટ્રસ્ટને હવે રિટર્ન ફાઈલ કરવા માટે ૩૧ ઓગસ્ટ સુધીનો સમય મળશે. સરકારનું કહેવું છે કે ફોર્મને સરળ બનાવવાની સાથે ટેક્સ ફાઈલિંગની પ્રક્રિયાને પણ ડિજિટલ અને યુઝર ફ્રેન્ડલી કરાઈ છે. અન્ય એક મોટી જાહેરાત રિવાઈઝ્ડ રિટર્ન અંગે કરાઈ છે. તેમણે રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન ૩૧ ડિસેમ્બરથી વધારીને ૩૧ માર્ચ કરવાની જાહેરાત કરી છે, પરંતુ તેના માટે કરદાતાએ સામાન્ય ફી ચૂકવવાની રહેશે. અગાઉ ૩૧ ડિસેમ્બર સુધી રિટર્ન ફાઈલ કરવા પર કોઈ ફી નહોતી લાગતી. પરંતુ ડેડલાઈન વધવાથી કરદાતાને લાભ થશે.
નાણામંત્રીએ કહ્યું કે, આવકવેરા કાયદો, ૨૦૨૫ આ વર્ષે ૧ એપ્રિલથી લાગુ થઈ જશે. તેના માટે ઈન્કમ ટેક્સના નવા અને સરળ નિયમ ટૂંક સમયમાં નોટિફાઈ કરી દેવાશે. તેનાથી કરદાતાને રિટર્ન ફાઈલિંગ જાતે કરવા માટે ઘણો સમય મળી શકશે. નવા ટેક્સ કાયદાના કર દરોમાં કોઈ ફેરફાર કરાયો નથી. તેનાથી માત્ર પ્રત્યક્ષ કર કાયદાને સમજવામાં સરળ બનાવાયા છે, અસ્પષ્ટતાઓ દૂર કરાઈ છે, જેથી કાયદાકીય કેસોની સંભાવનાઓ ઘટશે.
નવા કાયદામાં ટેકનિકલ ખામીને કેદની સજામાંથી નાણાકીય દંડમાં પરિવર્તિત કરવાનો પ્રસ્તાવ છે. વધુમાં નાના કર ગુનાઓમાં માત્ર નાણાકીય દંડ થશે. વિદેશ યાત્રા પર લાગતો ટેક્સ ઘટાડીને બે ટકા કરાયો છે, જે પહેલા પાંચ ટકા અને ૨૦ ટકા હતો. વિદેશમાં અભ્યાસ અથવા સારવાર માટે નાણાં મોકલનારા પરિવારોને રાહત મળશે.
સીતારામને રવિવારે લોકસભામાં બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, પ્રત્યક્ષ કર સંહિતાને વિક્રમી સમયમાં પૂરી કરાઈ છે અને આવકવેરા કાયદો, ૨૦૨૫ પહેલી એપ્રીલ ૨૦૨૬થી લાગુ પડશે. સરળીકૃત આઈટી નિયમો અને ફોર્મને ટૂંક સમયમાં નોટીફાઈડ કરાશે, જેથી કરદાતાઓને તેની આવશ્યક્તાઓથી પરિચિત થવા માટે પર્યાપ્ત સમય મળી શકશે. ફોર્મને એ રીતે તૈયાર કરાયું છે કે સામાન્ય નાગરિક કોઈપણ મુશ્કેલી વિના તે ભરી શકે.


