Get The App

BIG NEWS: નીતિશ કુમારે CM પદેથી આપ્યું રાજીનામું, કહ્યું- 'અમે બિહારના લોકો માટે ખૂબ કામ કર્યું'

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
BIG NEWS: નીતિશ કુમારે CM પદેથી આપ્યું રાજીનામું, કહ્યું- 'અમે બિહારના લોકો માટે ખૂબ કામ કર્યું' 1 - image

Nitish Kumar Gets Emotional Before Resignation | બિહારમાં સરકારના નેતૃત્વમાં પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે(14 એપ્રિલ) પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આજે સવારે તેમણે તેમની સરકારની અંતિમ કેબિનેટ બેઠક બોલાવી હતી. જેમાં તેઓ ભાવુક થયા હતા. ત્યારબાદ લોકભવન જઈને રાજ્યપાલ સૈયદ અતા હસનૈનને રાજીનામું સુપરત કર્યું છે. ત્યારે રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ કરી છે.

અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થઈ ગયા નીતિશ કુમાર

અંતિમ કેબિનેટ બેઠકમાં નીતિશ કુમાર ભાવુક પણ થઈ ગયા હતા. તેમણે વર્ષ 2005થી અત્યાર સુધી બિહારના વિકાસ માટે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જ્યારથી હું સત્તામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી મારાથી જ્યાં સુધી થઈ શક્યું ત્યાં સુધી મેં બિહાર માટે કર્યું છે. આ દરમિયાન બેઠકમાં હાજર રહેલા અન્ય મંત્રીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. 

રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, "તમે જાણો છો કે 24 નવેમ્બર 2005ના રોજ રાજ્યમાં પ્રથમ વખત NDA સરકારની રચના થઈ હતી. ત્યારથી રાજ્યમાં કાયદાનું શાસન પ્રવર્તી રહ્યું છે અને અમે સતત વિકાસ કાર્યોમાં વ્યસ્ત છીએ. સરકારે શરૂઆતથી જ સમાજના તમામ વર્ગોના વિકાસ માટે કામ કર્યું છે—પછી તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, સવર્ણ હોય, પછાત વર્ગ, અતિ પછાત વર્ગ, દલિત કે મહાદલિત હોય—દરેક માટે કામ કરવામાં આવ્યું છે. શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી કે કૃષિ હોય, દરેક ક્ષેત્રમાં કામ થયું છે. મહિલાઓ અને યુવાનો માટે પણ ઘણું કામ કરવામાં આવ્યું છે.

તાજેતરના સમયમાં, આ કાર્યને વધુ આગળ ધપાવવામાં આવ્યું છે. આગામી પાંચ વર્ષ માટે, એટલે કે 2025થી 2030 સુધી '7 નિશ્ચય-3'ની રચના કરવામાં આવી છે. તેનાથી હજુ પણ વધુ કાર્યો થશે, જેના પરિણામે બિહાર નોંધપાત્ર પ્રગતિ કરશે. કેન્દ્ર સરકાર પણ બિહારના વિકાસમાં પૂર્ણ સહયોગ આપી રહી છે. આ માટે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નમન કરીએ છીએ. બિહાર વધુ ઝડપથી વિકાસ કરશે અને દેશના અગ્રણી રાજ્યોમાં સામેલ થશે, જેનાથી રાષ્ટ્રની પ્રગતિમાં મહત્ત્વનું યોગદાન મળશે.

અમે બિહારના લોકો માટે ઘણું કામ કર્યું છે. આટલા દિવસો સુધી અમે સતત જનતાની સેવા કરી છે. અમે નક્કી કર્યું હતું કે હવે અમે મુખ્યમંત્રી પદ છોડીશું, અને તેથી જ આજની કેબિનેટ બેઠક પછી અમે રાજ્યપાલને મળ્યા અને તેમને અમારું રાજીનામું સુપરત કર્યું. હવે નવી સરકાર અહીંના કામકાજની દેખરેખ રાખશે. નવી સરકારને મારો પૂર્ણ સહયોગ અને માર્ગદર્શન મળશે. ભવિષ્યમાં પણ ઘણું સારું કામ થશે અને બિહાર ખૂબ આગળ વધશે. હું દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું અને મારી શુભેચ્છાઓ પાઠવું છું."

નવી સરકારને પાઠવી શુભેચ્છા

નીતિશ કુમારે નવી બનનારી સરકારને પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ખાતરી આપી હતી કે નવી સરકારને જ્યારે પણ જરૂર પડશે ત્યારે તેમનું માર્ગદર્શન મળતું રહેશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બિહારમાં વિકાસની યોજનાઓ અટકવી જોઈએ નહીં અને રાજ્ય પ્રગતિના પથ પર આગળ વધતું રહેવું જોઈએ.

મંત્રીઓ અને ધારાસભ્યો ગમગીન

કેબિનેટ બેઠક બાદ જેડીયુ અને ભાજપના નેતાઓએ નીતિશ કુમારના યોગદાનની પ્રશંસા કરી હતી. મંત્રી લેશી સિંહે જણાવ્યું હતું કે, તેમના જેવો વડીલ સમાન નેતા બિહારને ફરી નહીં મળે. જ્યારે બીજેપી ધારાસભ્ય લાખેન્દ્ર કુમારે કહ્યું કે, નીતિશજીએ ભલે રાજીનામું આપવાનું નક્કી કર્યું હોય, પણ તેઓ હંમેશા અમારા માર્ગદર્શક રહેશે.

BIG NEWS: નીતિશ કુમારે CM પદેથી આપ્યું રાજીનામું, કહ્યું- 'અમે બિહારના લોકો માટે ખૂબ કામ કર્યું' 2 - image

નીતિશ કુમાર: રાજકીય સફર

1974: જેપી આંદોલન દ્વારા રાજકારણમાં પ્રવેશ

1985: પહેલીવાર બિહાર વિધાનસભામાં હરનોત બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા

1989: પહેલીવાર લોકસભામાં ચૂંટાયા અને જનતા દળના સચિવ બન્યા

1994: લાલુ પ્રસાદ યાદવ સાથે મતભેદ થતાં જનતા દળથી અલગ થઈને જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે સમતા પાર્ટીની સ્થાપના કરી

1998 - 2004: અટલ બિહારી વાજપેયીની સરકારમાં રેલવે મંત્રી, કૃષિ મંત્રી જેવા મહત્ત્વના પદો સંભાળ્યા

3 માર્ચ, 2000: પહેલીવાર બિહારના મુખ્યમંત્રી બન્યા, પરંતુ બહુમતી ન હોવાથી માત્ર 7 દિવસમાં રાજીનામું આપવું પડ્યું

2003: સમતા પાર્ટીનું શરદ યાદવની જનતા દળમાં વિલીનીકરણ થયું અને જનતા દળ (યુનાઇટેડ) - JD(U) અસ્તિત્વમાં આવી

2005: ભાજપ સાથે ગઠબંધન કરીને પૂર્ણ બહુમતિ સાથે બીજી વાર CM બન્યા

2010: ભારે બહુમતિતી સાથે સતત ત્રીજી વાર CM પદે પરત ફર્યા 

2013: નરેન્દ્ર મોદીને PM પદના ઉમેદવાર જાહેર કરાતા ભાજપ સાથે 17 વર્ષ જૂનું ગઠબંધન તોડ્યું

2014: લોકસભા ચૂંટણીમાં પરાજય નૈતિક જવાબદારી સ્વીકારી CM પદેથી રાજીનામું આપ્યું અને જીતન રામ માંઝીને ગાદી સોંપી

2015: લાલુ યાદવની RJD અને કોંગ્રેસ સાથે મળીને 'મહાગઠબંધન' બનાવ્યું અને ફરી CM બન્યા

2017: ભ્રષ્ટાચારના મુદ્દે RJD સાથે છેડો ફાડ્યો અને ફરી ભાજપ સાથે મળીને સરકાર બનાવી

2020: NDA ગઠબંધનમાં રહીને સાતમી વાર CM તરીકે શપથ લીધા

2022: ફરી એકવાર પલટી મારીને ભાજપનો સાથ છોડ્યો અને RJD સાથે મળીને સરકાર બનાવી

2024: લોકસભા ચૂંટણી પહેલા ફરી ભાજપ સાથે જોડાઈને NDA સરકારના CM તરીકે નવમી વાર શપથ લીધા

2025 (બિહાર વિધાનસભા ચૂંટણી):  નીતિશ કુમારે પોતાની પકડ જાળવી રાખી અને 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનીને ઇતિહાસ રચ્યો