India

કસ્ટડી ડેથ મામલે કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: મહારાષ્ટ્રના 9 પોલીસકર્મીઓને આજીવન કેદની સજા

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રની વાશિમ કોર્ટે 15 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં 9 પોલીસકર્મીઓને આજીવન કેદની સજા ફટકારી છે. 2011માં રિસોડ પોલીસ સ્ટેશનમાં પારધી સમાજના બેગ્યા પવાર નામના યુવકને પૂછપરછના બહાને ઉઠાવી, થર્ડ ડિગ્રી ટોર્ચર કરી હત્યા કરી હતી. CID તપાસ બાદ કોર્ટે ન્યાય આપ્યો, જેમાંથી 2 નિવૃત્ત પણ થયા છે. મૃતકની માતાએ સંતોષ વ્યક્ત કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

કસ્ટડી ડેથ મામલે કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: મહારાષ્ટ્રના 9 પોલીસકર્મીઓને આજીવન કેદની સજા

Maharashtra Police Custodial Death Case : મહારાષ્ટ્રની વાશિમ જિલ્લા અદાલતે પોલીસ કસ્ટડીમાં થયેલી હત્યાના 15 વર્ષ જૂના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે એક પૂર્વ પોલીસ અધિકારી સહિત 9 પોલીસકર્મીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના 10 મે-2011ના રોજ રિસોડ પોલીસ સ્ટેશનમાં બની હતી, જ્યાં પોલીસે પારધી સમાજના બેગ્યા પવાર નામના યુવકને પૂછપરછના બહાને રાત્રે 3 વાગ્યે ઘરેથી ઉઠાવ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં ક્રૂરતાપૂર્વક માર મારીને તેની હત્યા કરી દીધી હતી.

મૃતકના લગ્નને માંડ 1 વર્ષ થયું હતું
મૃતક યુવક પર કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો અને તેના લગ્નને માંડ 1 વર્ષ થયું હતું. પુત્રના મોત બાદ ન્યાય માટે પહોંચેલા વૃદ્ધ માતા-પિતાની ફરિયાદ નોંધવાનો પોલીસ અધિકારીએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. યુવકના મોતને પગલે ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. બાદમાં પોસ્ટમોર્ટમ અને મેડિકલ તપાસમાં ખુલાસો થયો કે યુવકના શરીરના અનેક હાડકાં તૂટી ગયા હતા.

CID તપાસમાં થર્ડ ડિગ્રી અત્યાચારનો ખુલાસો
મામલાની ગંભીરતા જોઈને તપાસ CIDના અધિકારી અનવર શેખને સોંપાઈ હતી. તેમણે ઊંડાણપૂર્વક તપાસ કરીને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી, જેમાં પોલીસ સ્ટેશનની અંદર યુવક પર ગુજારવામાં આવેલા થર્ડ ડિગ્રી અત્યાચારના પુરાવા આપવામાં આવ્યા હતા.

15 વર્ષની લડાઈ બાદ કાયદો જીત્યો
વાશિમ જિલ્લા અદાલતના જજ ઝપાટેએ 15 વર્ષ સુધી ચાલેલી કાનૂની લડાઈ બાદ તત્કાલીન પૂર્વ પોલીસ અધિકારી મહાદેવ માણિક ધાંડે અને અન્ય 8 પોલીસકર્મીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી છે. સજા પામેલા લોકોમાંથી 2 કર્મચારીઓ નિવૃત્ત પણ થઈ ચૂક્યા છે. તમામ દોષિતોને જેલ ભેગા કરી દેવાયા છે.

માતાએ ન્યાય મળતા ખુશી વ્યક્ત કરી
દીકરાને ન્યાય મળતા તેની વૃદ્ધ માતા કલાબાઈએ સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, 'અમને ન્યાય મળ્યો છે, અમે ખૂબ ખુશ છીએ. સરકારી વકીલ અને જજ સાહેબે અમને ન્યાય આપ્યો છે. અમે સીઆઈડીના અનવર શેખના ખૂબ આભારી છીએ. મારા દીકરા પર એક પણ ગુનો નહોતો, છતાં પોલીસ તેને પૂછપરછનું કહીને લઈ ગઈ અને સવારે તેના મોતના સમાચાર આવ્યા. અમે આ અત્યાચાર સામે લાંબી લડાઈ લડી છે.'