નવો ખુલાસો : રામ મંદિર દાન ચોરીના આરોપીને મંદિર નિર્માણ કાર્યમાં લાખોના કોન્ટ્રાક્ટ મળ્યા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ram Mandir Donation Row: અયોધ્યામાં રામ મંદિરમાં દાન ચોરી મામલે મુખ્ય આરોપી રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ પર પોલીસ સતત સકંજો કસી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટિન્નુ યાદવ અને તેની પત્ની પૂનમ દેવીના બેન્ક ખાતાઓની તપાસ દરમિયાન એક મોટો મની ટ્રેલ સામે આવ્યો છે, જેના આધારે પોલીસ કન્સ્ટ્રક્શન કંપની સુધી પહોંચી શકી છે. તપાસમાં ખુલાસો થયો કે ટીન્નુએ પોતાની પત્નીના નામે PWDમાં રજિસ્ટર્ડ એક કન્સ્ટ્રક્શન કંપની ખોલી રાખી હતી.
પ્રથમ વર્ષે જ 45 લાખનું સરકારી કામ મળ્યું
તપાસમાં સામે આવ્યું છે કે, આ કન્સ્ટ્રક્શન ફર્મ વર્ષ 2023માં આરોપીની પત્ની પૂનમ દેવીના નામે રજિસ્ટર્ડ કરવામાં આવી હતી. આ ફર્મ લોક નિર્માણ વિભાગ (PWD)માં વિધિવત રીતે રજિસ્ટર્ડ છે. ચોંકાવનારી વાત એ છે કે, રજિસ્ટ્રેશનના પહેલા જ વર્ષે આ કંપનીને 45 લાખનું સરકારી કામ પણ મળી ગયું હતું.
રામ મંદિરમાં દાનમાં કથિત ગેરરીતિ અને ઉચાપતનો મામલો
જૂનના પ્રથમ સપ્તાહમાં અયોધ્યાના રામ મંદિરમાં શ્રદ્ધાળુઓના દાનમાં કથિત ગેરરીતિ અને ઉચાપતનો મામલો સામે આવ્યો હતો. આરોપોની ગંભીરતાને જોતાં ઉત્તર પ્રદેશ સરકારે 13 જૂનના રોજ એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી હતી અને પ્રારંભિક તપાસ માટે 15 દિવસનો સમય આપ્યો હતો. SITએ આ મામલાની તપાસ કરીને 23 જૂનના રોજ પોતાનો પ્રારંભિક અહેવાલ સરકારને સોંપ્યો હતો.
8 આરોપીઓની ધરપકડ
પ્રારંભિક રિપોર્ટના આધારે 25 જૂને FIR નોંધવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં રમાશંકર યાદવ ઉર્ફે ટીન્નુ યાદવ, અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રમાશંકર મિશ્રા અને સુભાષ શ્રીવાસ્તવ સામેલ છે. પોલીસ હવે આ સમગ્ર નેટવર્ક અને કથિત ઉચાપતની રકમની તપાસ હાથ ધરી છે.
તપાસ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી મોટી માત્રામાં રોકડ અને અન્ય સામાન રિકવર કર્યો છે. સૌથી વધુ 20.39 લાખની રોકડ અવિનાશ શુક્લા પાસેથી મળી આવી છે. આ ઉપરાંત સોનું, ચાંદી, વિદેશી ચલણ અને "રામરાજ્ય કોષ" લખેલી એક દાનપેટી પણ મળી આવી છે. પોલીસ આ રિકવરીના આધારે મની ટ્રેસ અને કથિત ઉચાપતના સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.









