HMPV રોગની કોઈ વેક્સિન નથી, કે દવા પણ નથી
આ રોગ, ઉચ્છવાસ દ્વારા કે છીંક આવવાથી પણ ફેલાય છે : હસ્ત-ધૂનનથી પણ ફેલાય છે નજીકના સંપર્કથી પણ તેનો ચેપ લાગી શકે તેમ છે : રીપોર્ટ
નવી દિલ્હી: અમેરિકાને છેલ્લાં કેટલાક સમયથી એક 'અજ્ઞાત' રોગે ભરડો લીધો છે. સૌથી વધુ મુશ્કેલી તે છે કે આ રોગની કોઈ વેક્સિન હજી સુધી શોધાય નથી, કે તેનો સાચા અર્થમાં સામનો કરી શકે તેવી કોઈ દવા પણ શોધી શકાય નથી.
હ્યુમન-મેટા-ન્યૂમો-વાયરસ (એચ.એમ.પી.વી.) માર્ચ ૨૦૨૫થી ધીમે ધીમે તેનાં પગરણ કરી રહ્યો હતો. પરંતુ તે પ્રત્યે બહુ ધ્યાન કેન્દ્રિત કરાયું નહીં. કારણ તે હતું કે આ રોગ પહેલાં તો સામાન્ય શરદી જેવો જ લાગે છે. પરંતુ પછીથી શ્વસનતંત્રમાં પ્રસરી જતાં તે જીવલેણ બની રહે છે. Human Meta Pneumo Virus (HMPV) ના વિસ્તારની જાણ થતાં હવે સરકાર સફાળી જાગી ઊઠી છે અને સેન્ટર્સ-ફોર-ડીઝીઝ-કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન જણાવે છે કે આ રોગના દર્દીઓ માટે માર્ચ મહિનાથી તપાસ હાથ શરૂ કરાઈ રહી છે.
આ તપાસમાં જાણવા મળ્યું છે કે, વાસ્તવમાં આ રોગ ૨૦૨૫ના અંત ભાગમાં પહેલાં જોવા મળ્યો હતો. પરંતુ તેમાં લક્ષણો તો સામાન્ય શરદી જેવા જ લાગતાં હોવાથી બહુ લક્ષ્ય કેન્દ્રિત કરાયું ન હતું. પછીથી જાણવા મળ્યું કે, સામાન્ય શરદી જેવો આ રોગ, વાસ્તવમાં સામાન્ય શરદીથી તદ્દન જુદા જ પ્રકારનો છે. આ રોગ ૨૦૦૧માં દેખાયેલાં 'રેસ્પીરેટરી-સીન્સીટીયલ-વાયરસ' પ્રકારનો છે, તે ઋતુચક્રની સાથે અમુક અમુક સમયે દેખા દે છે, વિશેષત: ઠંડી ઋતમાં તે જોર પકડે છે, અને હેમંત (શીયાળા)થી શરૂ કરી છેક વસંત ઋતુ સુધી તે જોરમાં રહે છે.
અમેરિકાનું સેન્ટર-ફોર-ડીઝીઝ-કંટ્રોલ (સીડીસી) વધુમાં જણાવે છે કે આ રોગ શ્વાચ્છોશ્વાસ દ્વારા કે નાકમાંથી વહેતું પાણી જ્યાં પડયું હોય તેમાંથી પણ તેના જંતુઓ ઉંડીને અન્યને અસર કરી શકે છે. તે છીંક દ્વારા પણ ફેલાઈ શકે છે. તેમજ નજીક બેસેલાને જો તે રોગ હોય તો ઉચ્છવાસ દ્વારા તેનો ચેપ લાગી શકે છે. આ ચેપ હસ્તધૂનનથી પણ લાગી શકે છે.
સેન્ટર-ફોર-ડીઝીઝ- કન્ટ્રોલના તબીબો કહે છે કે, સૌથી ગંભીર બાબત તે છે કે તે પહેલાં તો સામાન્ય શરદી જેવો જ લાગે છે તેથી તે પ્રત્યે દુર્લક્ષ્ય સેવાય છે પરંતુ પછીથી તે શ્વાસ રૂંધીને જીવ લઈ શકે છે. વિશેષત: નાના બાળકો અને ૬૫થી વધુ વયના વૃદ્ધો જેમની રોગ-પ્રતિકારક શક્તિ તદ્દન ઓછી હોય છે તેઓ આ રોગનો સહેલાઈથી શિકાર બને છે તેની કોઈ વેક્સિન નથી કે કોઈ દવા નથી તે સૌથી મોટી મુશ્કેલી છે.


