NEET UG 2026નું પરિણામ જાહેર : દેશભરમાંથી 11.21 લાખ વિદ્યાર્થીઓએ પાસ કરી પરીક્ષા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NEET UG 2026 Result : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા નીટ-યુજી 2026 પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે અને હવે મેડિકલ કોલેજોમાં એડમિશન માટેની આગળની પ્રક્રિયા શરૂ થઈ શકશે. વિદ્યાર્થીઓ પોતાનું સ્કોરકાર્ડ સત્તાવાર વેબસાઇટ 'neet.nta.nic.in' પર જઈને ચેક કરી શકે છે. આ વર્ષે પંજાબ અને હરિયાણાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને ટોપ રેન્ક મેળવ્યા છે.
વિવાદો બાદ ફરી લેવાઈ હતી પરીક્ષા
આ વર્ષે નીટ પરીક્ષા પેપર લીકના વિવાદને કારણે ખૂબ જ ચર્ચામાં રહી હતી, જેના કારણે એજન્સી દ્વારા ફરીથી પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો હતો. આ રી-નીટ પરીક્ષામાં દેશ અને વિદેશના મળીને આશરે 20 લાખ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. આ પરીક્ષા ભારતના 551 શહેરો અને વિદેશના 14 શહેરોમાં આવેલા 5,440 કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી અને હવે તેનું પરિણામ પણ સમયસર જાહેર કરી દેવાયું છે.
11.21 લાખ વિદ્યાર્થીઓ થયા સફળ
NTA ના અહેવાલ મુજબ, આ વર્ષે કુલ 11.21 લાખ વિદ્યાર્થીઓ મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ક્વોલિફાય થયા છે. આ સફળ ઉમેદવારો હવે MBBS, BDS અને આયુષ જેવા મેડિકલ કોર્સની કાઉન્સિલિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના રેન્ક અને પસંદગીના આધારે કોલેજ મેળવવા માટે અત્યારથી જ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખે જેથી કોઈ મુશ્કેલી ન નડે.
પરીક્ષામાં ફરી એકવાર દીકરીઓ આગળ
આ વર્ષના પરિણામોમાં પણ વિદ્યાર્થિનીઓએ શાનદાર દેખાવ કર્યો છે. આંકડા અનુસાર, પરીક્ષા પાસ કરનારા કુલ ઉમેદવારોમાં 58 ટકાથી વધુ વિદ્યાર્થિનીઓ સામેલ છે. જેમાં વિદ્યાર્થિનીઓનો સફળતા દર 56.8 ટકા રહ્યો છે, જ્યારે વિદ્યાર્થીઓનો સફળતા દર 55.1 ટકા નોંધાયો છે. આ સતત બીજી વખત છે જ્યારે છોકરીઓએ છોકરાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.
હવે કાઉન્સિલિંગ પ્રક્રિયા પર નજર
પરિણામ જાહેર થયા બાદ હવે સૌની નજર મેડિકલ કાઉન્સિલિંગના શેડ્યૂલ પર છે. ટૂંક સમયમાં જ MCC અને જે-તે રાજ્યોની કાઉન્સિલિંગ એજન્સીઓ વિગતવાર સમયપત્રક બહાર પાડશે. સીટ એલોટમેન્ટ, પસંદગી ભરવી અને દસ્તાવેજોની ચકાસણી જેવી તમામ પ્રક્રિયાઓ નક્કી કરેલા સમયપત્રક મુજબ જ થશે, જેના માટે ઉમેદવારોએ વેબસાઇટ પર સતત નજર રાખવી પડશે.









